ગુજરાતમાં રાષ્ટ્રીય વન્યજીવ રોગ નિદાન સંશોધન અને રેફરલ કેન્દ્રની સ્થાપના કરાશે
હાલમાં સંસદ સભ્યશ્રી પરિમલ નથવાણીને વન અને જળવાયું પરિવર્તન રાજ્યમંત્રીને કરેલ રજૂઆત બદલ રાજ્યમંત્રીએ જણાવેલ હતું કે ભારત સરકાર ગુજરાતમાં રાષ્ટ્રીય વન્યજીવ રોગ નિદાન સંશોધન અને રેફરલ કેન્દ્રની સ્થાપના કરશે. આ પ્રકારના કેન્દ્ર સ્થાપવા માટેની દરખાસ્ત ગુજરાત સરકાર અને વાઈલ્ડ લાઈફ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડીયાના પરામર્શમાં તૈયાર કરવામાં આવેલ પ્રોજેક્ટ લાયનના દસ્તાવેજનો જ એક ભાગ છે. પ્રોજેક્ટ લાયનની પરિકલ્પનાનો ઉદેશ્ય એશિયાટિક લાયનનાં નિર્મૂલનના જોખમને દુર કરવા અને તેની આગામી પેઢીનું વૈજ્ઞાનિક પદ્ધતિથી સંવર્ધન થાય તેવા પગલા લેવાનો છે. ઉપરાંત બિમાર અને ઈજાગ્રસ્ત સિંહોના ઈલાજ માટે તેમજ તેમનાં રક્ષણ હેતુ ગીરમાં બે રેસ્ક્યુ સેન્ટર જેવી આરોગ્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેમજ ગીરના સિંહોની ફક્ત બીમારી જ નહીં પરંતુ ભવિષ્યમાં સાવજોને કોઈ પણ પ્રકારના રોગો થશે તેને અગાઉથી નિવારવા માટે સ્વસ્થ સિંહ યોજના આગામી દિવસોમાં અમલમાં મુકાશે કેમ કે જંગલનો રાજા સિંહ સ્વસ્થ રહે તે જરૂરી છે અને સાવજોને રોગોથી બચાવવા રોગ નિદાન સંશોધન અને રેફરલ કેન્દ્રો શરુ કરાશે. આ પ્રોજેક્ટ પાછળનો એક કારણ એવું પણ છે કે સિંહ સાથે નજીકના વિસ્તારમાં લોકોનું વન્યપ્રાણી સાથે તાલમેલ રહે અને સિંહ સંવર્ધનથી તેમણે ફાયદો મળી રહે. જીવદયા ક્ષેત્રે શ્રી પરિમલ નથવાણીએ ઈજાગ્રસ્ત સિંહના ઈલાજ માટે ગીરમાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની માહિતી, કેનાઈન ડીસ્ટેમ્પર જેવી આપતકાલીન પરીસ્થિતિને પહોંચી વળવા ગીરમાં ઇન્ડીયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રીસર્ચ-ઇન્ડિયન વેટરનરી રીસર્ચ ઇન્સ્ટીટયુટનું પેટા કેન્દ્ર શરુ કરવા સહિતની વિગતો યોજનામાં સામેલ છે કે નહીં તે પણ જાણવા માટે રજૂઆત કરેલ હતી. તેમની આ પહેલ બદલ કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ ( એનિમલ હેલ્પલાઈનરાજકોટ ) નાં મિત્તલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠક્કર, ધીરુભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠક્કર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ સહિતનાઓએ સાંસદ પરિમલ નથવાણી અને વન અને જળવાયું પરિવર્તનના રાજ્યમંત્રી શ્રી બાબુલ સુપ્રિયોને અભિનંદન શુભેચ્છા પાઠવી છે.