ગુજરાતમાં આજે રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી યોજાઈ છે જેમાં ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો દ્વારા મતદાન થઈ રહ્યુ છે ત્યારે CM રૂપાણી પણ મત આપવા પહોંચ્યા હતા અને તેમણે હુંકાર કરતા જણાવ્યું હતુ કે, કોંગ્રેસ હાર ભાળી ગઈ છે. ચૂંટણી મોકૂફ રાખવા કોંગ્રેસ સુપ્રીમમાં ગઈ છે. ભાજપના ત્રણેય ઉમેદવારો જીતશે. છોટુ વસાવા આદિવાસી નેતા છે. ભાજપે આદિવાસીઓ માટે ઘણા કામ કર્યા. BTPના મત પણ ભાજપને જ મળશે.
ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ચૂંટણી પહેલા કહ્યું કે, અમારા ત્રણેય ઉમેદવારો જીતશે. એક અને બે નંબરને લઈ હજુ કોંગ્રેસમાં જવાબ મળ્યો નથી. ધારાસભ્ય કેસરીસિંહનું ઓપરેશન કરવાનું હતું, મત આપવાની વ્યવસ્થા કરવાની હતી તે કરી છે. BTP અંગે અમને વિશ્વાસ છે, પેટી ખુલશે, અમારા ત્રણેય જીતશે. ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી જયેશ રાદડિયા પણ મતદાન કરવા પોહચ્યા,
વિધાનસભામાં મતદાન મથકે ધીરે ધીરે તમામ ધારાસભ્યો પહોંચી રહ્યાં છે. આવામાં ભાજપના વધુ એક ધારાસભ્ય નાદુરસ્ત હોવાથી વધુ એક પ્રોક્સી મતદાર મતદાન કરશે. ભાજપના માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી હોસ્પિટલમાં દાખલ છે. છાતીમાં દુખાવાના કારણે તેઓ હોસ્પિટલમાં દાખલ છે.
કોંગ્રેસ તરફથી અર્જુન મોઢવાડીયાને ચૂંટણી એજન્ટની જવાબદારી સોંપાઈ છે. મત આપ્યા બાદ કોંગ્રેસ ધારાસભ્યોએ તેઓને બેલેટ બતાવવાના રહેશે. અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, અમારી પાસે કોંગ્રેસના બંન્ને ઉમેદવારોની જીત માટેની ફોર્મ્યુલા છે. ભાજપના ધારાસભ્યો સંપર્કમાં હોવા મામલે હાલ કશું નહીં શકું.