ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો માટે આગામી ૧લી માર્ચે યોજાનારી ચૂંટણી માટે આજે ભાજપના બન્ને ઉમેદવાર રામભાઈ મોકરીયા અને દિનેશભાઈ પ્રજાપતિએ સવારે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા ન હોય ભાજપના બન્ને ઉમેદવારોની જીત ફાઈનલ થઈ જવા પામી છે. માત્ર ઔપચારિક જાહેરાત જ બાકી છે. આજે સવારે ૧૦ કલાકે ભાજપના દિગ્ગજ નેતાની ઉપસ્થિતિમાં રાજ્યસભાની બે બેઠકો માટે ભાજપના ઉમેદવાર રામભાઈ મોકરીયા અને દિનેશભાઈ પ્રજાપતિએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આગામી ૧લી માર્ચના રોજ
રાજ્યસભાની બે બેઠકો માટે પેટા ચૂંટણી યોજાનાર છે. અભયભાઈ ભારદ્વાજ અને અહેમદભાઈ પટેલના અકાળે અવસાનના કારણે ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી હતી. બન્ને બેઠકો માટે અલગ અલગ બેલેટ મારફત મતદાન થવાનું હોય ભાજપના ઉમેદવારોની જીત ફાઈનલ જ છે. વિધાનસભામાં પુરતુ સંખ્યાબળ ન હોવાના કારણે અને ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ પોતાના ધારાસભ્ય તૂટશે તેવો અંદરખાને ભય પણ સતાવી રહ્યો હોવાથી કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારો ઉભા નહીં રાખવાનો નિર્ણય લીધો છે. આજે ઉમેદવારી ફોર્મ ભરતાની સાથે જ રામભાઈ મોકરીયા અને દિનેશભાઈ પ્રજાપતિની જીત ફાઈનલ થઈ જવા પામી છે. માત્ર ચૂંટણીપંચ દ્વારા ઔપચારિક જાહેરાત કરવાની જ બાકી છે.