અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના મોરંગી ગામના ગુમ થયેલા બે માસૂમ બાળકોની લાશ તળાવમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે.જ્યારે પોલીસ દ્વારા તેમના મૃતદેહને પીએમ અર્થે ખસેડયો હતો અને જેમાં તળાવમાં નાહવા પડ્યા હોવાથી ડૂબી ગયા હોવાનુ તબીબો દ્વારા પ્રાથમિક તારણ આપવામાં આવ્યું છે.પ્રથમ બંને બાળકોના શરીર પર ઈજા ના નિશાનો જોવા મળતા શંકા ગઈ હતી પરંતુ માછલાં અને કાચબાઓ દ્વારા ઈજા પહોંચડવાનું તપાસમાં જાણવા મળ્યું છે.
ઘરેથી ગુમ થયા બાદ બંને પિતરાઇ ભાઇઓની લાશ તળાવમાંથી મળી આવી : નાહવા પડ્યાને ડૂબી ગયા હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ
વિગતો મુજબ રાજુલાના તાલુકાના મોરંગી ગામના બે પિતરાઇ ભાઇઓ ગઇકાલે પોતાના ધર પાસેથી ગુમ થયા હતાં. જેને લઇ બન્ને બાળકની શોધખોળ માટે સોશ્યલ મીડિયામા ગુમ થયેલા હોવાના પોસ્ટર વાઇરલ થયા હતાં. ત્યારબાદ ડુંગર પોલીસને જાણ કરતા બન્ને બાળકોની શોધખોળ માટે તપાસ હાથ ધરવામા આવી હતી. જેમાં ગઈકાલે વહેલી સવારે મોરંગી ગામ નજીક તળાવમાંથી ગુમ થયેલા બન્ને પિતરાઇ ભાઇઓ કૃણાલ વિજયભાઈ મકવાણા ઉ.વ. 6 વર્ષ, મિત વિજયભાઈ મકવાણા ઉ.વ. 10 વર્ષ બન્ને ભાઇઓની
લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. મૃતક બન્ને બાળકોને પીએમ અર્થે રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં.
આ ધટનાની જાણ થતાં ડુંગર પોલીસ તેમજ ગામના આગેવાનો સહિત ગ્રામજનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતાં. તેમજ ઘટના ની ગંભીરતા ને જોતા અને મોત ના બનાવ માં વધુ તપાસ અર્થે ફોરેન્સિક લેબમાં ભાવનગર મોકલી આપેલ છે.ફોરેન્સિક રિપોર્ટ માં પ્રાથમિક અનુમાન બંને બાળકો તળાવમાં નાહવા પડ્યા હોવાથી ડૂબી ગયા હોવાનું સામે આવ્યો છે ત્યારે તેના બંનેના શરીર પર ઈજાના નિશાનો તળાવમાં રહેલા માછલીઓ અને કાચબાઓ દ્વારા કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે.