મહિલા લેબર સાથે ફોનમાં વાત કરવા બાબતે ટપારતા ઢીમ ઢાળી દીધાની કબૂલાત: ઠેકેદારની મદદથી લાશને દાટી દીધી’તી
અબતક-ચેતન વ્યાસ-રાજુલા
રાજુલાના કોવાયા ગામે સપ્તાહ પહેલા હત્યા કરીને લાશ દાટેલી હાલતમાં મળી આવતા પોલીસે તપાસ હાથધરી હતી. જેનો એલસીબી અમરેલીએ ભેદ ઉકેલી બે આરોપીને ઝડપી પાડ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મહિલા લેબર સાથે મોબાઈલમાં વાત કરતાં ઠેકેદારને વારંવાર ટોકતા તેણે ઉશ્કેરાઇ પાવડાના ઘા ઝીંકી સુપરવાઈઝરની હત્યા કરી નાખી હતી. અને લાશને જમીનમાં દાટી દઈ નિકાલ કરી નાખ્યો હતો. હત્યાની આ ઘટના રાજુલા તાલુકાના રામપરા- બે ગામની સીમમા કોન્ટ્રાન્સ લોજિસ્ટિક નામની ખાનગી કંપનીના પાછળના ભાગમાં બની હતી. મૃતક અનિલ આશારામ ચોબલી (ત્યાગી ) નામના લેબર સુપરવાઈઝરની હત્યા કરી નાખવામાં આવી હતી. કંપનીના પાછળના ભાગે બાવળની કાંટમાં જમીનમાં એક લાશ દાટેલી હાલતમાં હોવાનીn સ્થાનિક પોલીસને કંપનીના સિક્યુરિટી ઓફિસર મગનભાઈ ઉકાભાઇએ જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ ખોદકામ કરાવ્યું હતું. જયા આ યુવકની લાશ મળી આવી હતી. આ યુવકની હત્યા ૧૩મી તારીખે થઈ હતી અને પોલીસને ઘટનાની જાણ છેક ૧૭મી તારીખે થઈ હતી. જેને પગલે દુર્ગંધ મારતી હાલતમાં મળેલી લાશને પી.એમ.માટે ભાવનગર મેડિકલ કોલેજમાં ખસેડાઇ હતી.
તે દરમિયાન પોલીસે શંકાના દાયરામાં આવેલા મૂળ બિહારના અને હાલ કંપની પરિસરમાં આવેલી ઓરડીમાં રહેતા અનિલ જબહર સરદાર (ઉં. વ.૩૦) તથા બાબુનંદ ગરભુ સરદાર (ઉં.વ.૪૨)ને ઉપાડી લઇ આગવી ઢબે પૂછપરછ કરી હતી. પોલીસની પૂછપરછમાં બન્નેએ હત્યાનો ગુનો કબૂલી લીધો હતો. બાબુનંદ અહીં લેબરનો ઠેકેદાર છે. તે મોબાઈલ પર અવાર-નવાર મહિલા વર્કર સાથે વાતો કરતો હતો. મૃતક અનિલ ત્યાગીની ઓરડી પણ બાજુમાં હોય તે અવાર-નવાર તેને ટોકતો હતો. આ મુદ્દે બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી.
જેના પગલે ગત તા.૧૩મીના બપોરે એકાદ વાગે પણ તે મહિલા વર્કર સાથે ફોન પર વાત કરતો હોય ફરી અનિલ ત્યાગી સાથે બોલાચાલી થઈ હતી. જેથી તેણે પાવડાના ઘા ઝીકી અનિલ ત્યાગીની તેની ઓરડીમાં જ હત્યા કરી નાખી હતી. આ સમયે જ અન્ય ઠેકેદાર અનિલ જબહર પણ ત્યાં આવી ચડયો હતો. જેથી બાબુનંદે તેને મોટી રકમ આપવાની લાલચ આપી હત્યાની વાત ગુપ્ત રાખવા જણાવ્યું હતું. અનિલ જબહરને પણ માથે દેણું થઇ ગયું હોય તે હત્યાની ઘટના ગુપ્ત રાખવા સહમત થઈ ગયો હતો. જેથી બંને આરોપીઓએ લાશનો નિકાલ કરવા માટે તેને જમીનમાં દાટી દીધાની પણ કબૂલાત આપી હતી. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.