અમરેલી એલસીબી ટીમે મહિલા સહિત ત્રણની ધરપકડ કરી કુલ રૂ.6.72 લાખનો મુદામાલ કર્યો કબજે
રાજકોટ, પોરબંદર,ભાવનગર અને મહુવામાં લૂંટ કર્યાની આપી કબૂલાત
અમરેલીના રાજુલામાં એક મહિલા ઘરેથી ચાલીને દવાખાને જઈ રહી હતી, ત્યારે બે અજાણ્યા સ્ત્રી-પુરુષે મહિલાને વાતોમાં ભોળવી તેની નજર ચૂકવી મહિલા પાસેથી કુલ. 1 લાખ 38 હજાર 550ના મુદ્દામાલની લૂંટ ચલાવી હતી. મહિલાની ફરિયાદના આધારે એલ.સી.બી પોલીસે આ મામલે ગુનો નોંધી એક મહિલા સહિત ત્રણની ધરપકડ કરી કુલ રૂ.6.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
વિગતો મુજબ રાજુલા શહેરના જાહીબેન રાઘવભાઇ ઉગાભાઇ પરમાર તા.07/12 ના રોજ બપોરના આશરે એકાદ વાગ્યે ઘરેથી ચાલીને દવાખાને જતા હતા. તે સમયે રાજુલા બસ સ્ટેન્ડ પાસે પહોંચતા બે અજાણ્યા સ્ત્રી-પુરૂષ આ જાહીબેન પાસે આવ્યાં હતા અને વાતોમાં મશગુલ કર્યા હતા.જે બાદ અજાણ્યો પુરૂષ નજીકમાંથી મોટર સાયકલ લઇને આવી તથા આ બન્ને અજાણ્યા સ્ત્રી-પુરૂષે જાહીબેનએ ગળામાં પહેરેલી આશરે ત્રણ તોલા સોનાની ચેઇન કિ.રૂ. 1 લાખ 37 હજાર તથા પ્લાસ્ટીકની થેલીમાં રહેલો એક મોબાઇલ ફોન કિ.રૂ. 350 તથા બેન્કની પાસબૂક તેમજ દવાખાનાની ફાઇલ તથા પર્સ તથા રોકડા રૂ.1 હજાર 200 મળી કુલ કિ.રૂ.1 લાખ 38 હજાર 550ના મુદ્દામાલની નજર ચૂકવી આંચકી લઇ મોટર સાયકલ લઇને નાશી જઇ ગુનો આચર્યો હતો. જે બાબતે જાહીબેનએ અજાણ્યા સ્ત્રી-પુરૂષ આરોપી વિરૂદ્ધ ફરિયાદ આપતા રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ દ્વારા આ પ્રકારના અનડીટેક્ટ ગુનાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે અમરેલી એલ.સી.બી.ને માર્ગદર્શન અને સૂચના આપતા અમરેલી ટીમ દ્વારા ઈકબાલ કમરૂદ્દીન શેખ (રહે. માંગરોળ), હૈદરભાઈ અસલમભાઈ શેખ (રહે.મહેસાણા) અને સલમા ઈકબાલ શેખ (રેહ.માંગરોળ) ની ધરપકડ કરી તેમની પાસેથી કુલ રૂપિયા 6,71,850 નો મુદ્દામાલ કબજે કર્યો છે.આરોપીઓની પૂછપરછ કરતા તેને રાજકોટ, પોરબંદર, ભાવનગર અને મહુવામાં કુલ પાંચ લૂંટને અંજામ આપ્યાની કબૂલાત આપી હતી.