લેન્ડગ્રેબિંગ એકટ હેઠળ રાજકીય માથા સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ
રાજુલાના વડલી રોડ એક રાજકીય આગેવાન દ્વારા ડુંગરાની ધારને કાપીને તેની માટી બારોબાર વેચી નાખવામાં આવી છે. ત્યાં સમથળ જમીન થતા આ જમીન ગરીબ લોકોને વ્યાજબી ભાવે પ્લોટ આપવાની સ્કીમ કાઢીને આ પ્લોટો રૂ.1 લાખમાં વહેચાણ કરવામાં આવ્યાની વાતો વહેતી થયેલ છે.
જાણવા મળતી વિગત મુજબ રાજુલાના વડલી રોડ પરની એક જગ્યા મોટો ડુંગરો હતો અને ધારને કાપીને તેમાંથી પથ્થર અને માટી મોટા પ્રમાણમાં ઉપાડીને આ ડુંગરાને સમથળ જમીન બનાવી દિધેલ ત્યારબાદ આ જમીનમાં રાજકીય આગેવાન દ્વારા પ્લોટીંગ પાડીને એક સ્કિમ લાવવામાં આવી અને ગરીબોને રૂ.1 લાખમાં પ્લોટ આપવામાં આવ્યો હોવાની વાતો વહેતી થયેલ છે. અને લોકોનાં મુખેથી એવી પણ ચર્ચા છે કે, આ પ્લોટીંગ વહેચીને એક મોટા ગજાના રાજકીય આગેવાન દ્વારા તગડી રકમ પણ એકઠી કરેલ હોવાનું જાણવા મળેલ છે.
અમરેલી જિલ્લાના જિલ્લા કલેકટર આયુષ એક જાબાજ કલેકટર તરીકે કામગીરી કરી રહ્યા છે. હાલમાં તેઓ દ્વારા અમરેલી શહેરમાં કેટલાય જમીન માફીયાઓ અને જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવનારાઓ સામે લાલ આંખ કરીને પાસ અને લેન્ડગ્રેબીંગનાં કાયદાનો ઉપયોગ કરીને જેલ હવાલે કરેલ છે. ત્યારે રાજુલા વિસ્તારમાં સરકારી જમીન વહેચાણી છે તેનીવાતો સામે તપાસ કરશે? જો આ જમીન અંગેની તપાસ થાય તો, તેમાં દુધનું દુધ અને પાણીનું પાણી થાય અને તપાસમાં આ રાજકીય આગેવાન કોણ? તે પણ બહાર આવે.