ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષે મંદિરના વહિવટકર્તા જામનગરના જામસાહેબ શત્રુસલ્યસિંહજી જાડેજાની મુલાકાત લીધી
દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકામાં બરડા (ડુંગર) અભયારણ્યના કુદરતના અલૌકિક અને અનુપમ સૌંદર્ય વચ્ચે બિરાજમાન પ્રાચિન કિલ્લેશ્ર્વર મહાદેવ મંદિરની મહત્તા અને વિકાસની સંભાવનાથી અવગત થવા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવએ દર્શન અભ્યાસ-મુલાકાત લીધી હતી.
કિલ્લેશ્ર્વર મહાદેવ મંદિરનો સુચારુ વહીવટ અને ર્જીણોદ્ધાર નવ નિર્માણનું કાર્ય જામનગરના જામસાહેબ શત્રુસલ્યસિંહજી જાડેજા તથા તેમના ટ્રસ્ટ મારફત કરવામાં આવે છે. જામસાહેબે રાજુભાઈએ કરેલી મુલાકાત દરમિયાન મંદિરનું પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ દર્શાવીને વિકાસની વિગતો આપી હતી.
આ પ્રસંગે રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, કિલ્લેશ્ર્વર મહાદેવ મંદિરની સ્થાપના અને તેના પુનરોત્થાનના કાર્ય સાથે જોડાયેલી રસપ્રદ બાબત એ છે કે આ પવિત્ર શિવલીંગની આરાધના અને મંદિર નિર્માણ કાર્ય સૌપ્રથમ વખત શ્રીકૃષ્ણ દ્વારા કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણએ આ સ્થળની યોગ્યતાનો વિચાર કરી પૌરાણિક કિલ્લાની જગ્યાએ તળેટીથી થોડા અંતરે નદી કિનારે નવો કિલ્લો બનાવી વસવાટ કર્યો હતો. નવનિર્મિત કિલ્લાની અંદર નદીના કિનારે યુધિષ્ઠિરના હસ્તે સ્વયંભુ શિવલીંગની સ્થાપના અને પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોવાથી આ સ્થલ ‘કિલ્લેશ્ર્વર’ નામથી પ્રખ્યાત થયું છે. કિલ્લેશ્ર્વરમાં છ વર્ષ સુધી વસવાટ કરી શ્રીકૃષ્ણ દ્વારિકા નગરી વસાવવાની વ્યવસ્થા માટે ત્યાં પધાર્યા અને દ્વારિકાના નિર્માણ માટે આઠ વર્ષ સુધી બરડા ડુંગરમાં રહ્યાં હતા. આમ ૧૪ વર્ષ સુધી શ્રીકૃષ્ણ કિલ્લેશ્ર્વર મહાદેવની ભક્તિ કરી હતી. ત્યારબાદ ઘણા સમય પછી જામસાહેબ રણજીતસિંહએ કિલ્લેશ્ર્વર મહાદેવની વર્ષોથી પૂજા અર્ચના કરનાર ત્રિકમજી મહારાજની રજૂઆતથી મંદિરના પુરોત્થાનનું કાર્ય હાથમાં લીધું હતું. આ સાથે હાલમાં જામસાહેબ દ્વારા કિલેશ્ર્વર મંદિરના વિકાસ કાર્યો થઈ રહ્યાં છે.
કિલ્લેશ્ર્વર મંદિરના પ્રાંગણમાં પ્રાચીન રેવતી કુંડ આવેલ છે અને બરડા ડુગરમાંથી આવતી કિલગંગા નદી ખળભળ કરતી વહે છે. પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને જોડતો ઉંચો ટેકરીવાળો બરડો ડુંગર અને તેના અભ્યારણ્યમાં પરંપરાગત પશુપાલન વ્યવસાય સાથે વસવાટ કરતા માલધારીઓની ભાતીગળ લોકસંસ્કૃતિ સહિત ૮૦૦ પ્રકારની કિંમતી વનસ્પતિ નદીઓના કોતરો તેના વચ્ચે મીઠા પાણીના વીરડાનું દ્રશ્ય કુદરતની અસિમ સુંદરતાને ઉજાગર કરે છે. વન્ય પ્રાણીઓથી સમૃધ્ધ બરડા અભ્યારણ્ય ગીર અને ગિરનાર પછી વિસ્તારની દ્રષ્ટિએ સૌરાષ્ટ્રનાં ત્રીજા ક્રમનો કુદરતી ભેટ જેવો વિરલ પ્રદેશ છે. બરડો ડુંગર કિંમતી આયુર્વેદિક વનસ્પતિઓથી પણ સમૃધ્ધ છે.
શહેરી ભૌતિક સુખ-સુવિધાનો ત્યાગ કરી કિલેશ્ર્વર મહાદેવના સાનિધ્યમાં જામસાહેબ દ્વારા બરડા ડુંગર અને તેની આસપાસ વસતા માલધારી ભાઈ-બહેનો કિલ્લેશ્ર્વર મંદિરના ટ્રસ્ટ અંતર્ગત સ્વરોજગારી અને સ્વાવલંબનનું કામ આપવામાં આવી રહ્યું છે. પ્રખર શિવભક્ત જામસાહેબ જીવમાં જ શિવની સેવા કરવાના કાર્યના ભાગ‚પે આ વિસ્તારનાં માલધારીઓને વ્યસન મુકત કરવાનું કાર્ય કરી રહ્યાં છે. મંદિરની સ્વચ્છતા પર્યાવરણની જાળવણી, વૃક્ષારોપણ, યાત્રિકોની આગતા-સ્વાગતા વગેરે કામગીરી માલધારી ભાઈઓ-બહેનો દ્વારા કરવામાં આવે છે. આ મંદિરની સ્વચ્છતાની, વ્યવસ્થાપન અને પર્યાવરણની જાળવણીની કામગીરી પ્રેરણાદાયી છે. જામસાહેબે શિવરચિત સૃષ્ટિને સમર્પિત થઈ પ્રજાકીય સેવા કરવાનું ભગીરથ કાર્ય અન્ય રાજવીઓ માટે પણ દ્રષ્ટાંતરુપ છે એવું રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું.
આ મુલાકાત પ્રસંગે આગેવાનો રઘુવીરતસિંહ વાળા, ઈન્દ્રજીતસિંહ જાડેજા, સી.પી.જાડેજા, રાજભા જાડેજા, પરેશભાઈ સોની, ભગીરથસિંહ જેઠવા, ચીફ ઈજનેર ચૌબલ, અધિકારી પાઠકભાઈ, અરવિંદભાઈ જોશી, મિલન રામી અને સાહિલ જોશી વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.