1183 સમરસ ગ્રામપંચાયતોને 63 કરોડ આપી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અર્બન સંકલ્પનાને જોશભેર આગળ લઈ જવા મુખ્યમંત્રીની પ્રતિબદ્ધતા
અબતક,રાજકોટ
તાજેતરમાં રાજકોટની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સુશાસન સપ્તાહના સમાપન પર્વમાં રાજકોટના જુદા જુદા વિકાસકાર્યો માટે રાજ્ય સરકારે રૂ.216 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે તેવી જાહેરાત કરીને લોકોના દિલ જીતી લીધા હતા. મુખ્યમંત્રીએ આ પ્રસંગે એવી લાગણી પણ વ્યક્ત કરી હતી કે રાજકોટવાસીઓ ભવ્ય સ્વાગત કરીને વટ પાડી દીધો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આ નિખાલસતા રાજકોટવાસીઓના હૃદયને સ્પર્શી ગઇ છે તેમણે લોકોને ભાજપ સરકારના સુશાસનની ખરા અર્થમાં પ્રતીતિ કરાવી છે. મુખ્યમંત્રીએ સુશાસન પર્વનો રાજ્ય કક્ષાનો સમાપન સમારોહ રાજકોટમાં યોજીને રાજકોટવાસીઓને ગૌરવ પણ અપાવ્યું છે તેમ મુખ્યમંત્રીની સહૃદયતા માટે આભાર પ્રગટ કરતાં રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું.
રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું છે કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈએ રાજકોટના સૌ નાગરિકોએ કરેલા ભવ્ય અભિવાદન-સ્નેહ બદલ સૌનો ઋણ સ્વીકાર કરી રાજકોટ મહાનગરને નૂતનવર્ષ ર0રરની કેટલીક ભેટરૂપે કરોડોના વિકાસ કામોની જાહેરાત કરી હતી. રાજકોટ મહાનગરમાં ડ્રેનેજ, સ્ટોર્મ વોટર, ડ્રેનેજ, ફાયર સેફટી સિસ્ટમ, પબ્લીક હેલ્થ લેબોરેટરી તથા અર્બન મોબિલીટીના 170 કામો માટે 187 કરોડ રૂપિયા મંજૂર કરવાની સાથે મુખ્યમંત્રી શહેરી સડક યોજનાના રૂ.30 કરોડના કામો માટે સૈદ્ધાંતિક મંજુરી આપી હતી.
રાજકોટને આંગણેથી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના રૂપિયા 216 કરોડના 14,143 આવાસોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું છે. વળી, આશરે 14,680 લાભાર્થીઓને રૂપિયા 61 કરોડની આવાસ બાંધકામ સહાય તેમજ મનરેગાના 128 કરોડના 17,835 કામોના લોકાર્પણ-ખાતમુહૂર્તની ભેટ મળી છે તે માટે મુખ્યમંત્રી તરીકે નિમિત્ત બનવા તેમણે પોતાની જાતને ભાગ્યશાળી સમજી હતી. સામાન્ય રીતે આવા વિકાસકાર્યોની ભેટ મળે ત્યારે લોકો સરકારનો આભાર માનતા હોય છે પરંતુ રાજકોટમાં મુખ્યમંત્રીએ પોતાની સરળતાનો પરિચય આપીને પોતે ભાગ્યશાળી છે તેવું કહયું હતું.
રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ 25 હજાર બહેનોને 2440 સ્વ સહાય જુથો મારફતે રૂપિયા 10 કરોડની કુલ સહાય આપી સ્વાવલંબનથી આત્મનિર્ભરતાનો સુશાસનનો માર્ગ કંડાર્યો છે. તેમણે ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના રૂ. 227 કરોડના ખર્ચે કુલ 10,042 કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની ભેટ રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં આપી છે. સુશાસન માત્ર ગુજરાતના શહેરો જ નહી પણ ગામડાના લોકો – છેવાડાના માનવી સુધી પહોચ્યું છે, તેની પ્રતીતિ કરાવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇએ આપેલો નવતર વિચાર – ” : આત્મા ગામનો સુવિધા શહેર” એ ગુજરાતે સાકાર કર્યો છે.
તાજેતરમાં ભારત સરકારે જે ગુડ ગવર્નન્સ ઇન્ડેક્ષ જાહેર કર્યો તેમા ગુજરાત પ્રથમ ક્રમે છે. અર્થતંત્ર, માનવ સંસાધન, માળખાકીય સવલતો, સુરક્ષા, સામાજીક કલ્યાણ અને ન્યાય જેવા માપદંડોને આધારે ગુજરાતે દેશના અન્ય રાજ્યો કરતા આગવું ગુડ ગવર્નન્સ પ્રસ્થાપિત કરી બતાવ્યું છે. ગુજરાતનું ગુડ ગવર્નન્સનું આ મોડલ શહેરોની સાથે સાથે ગામડાઓમાં પણ વ્યાપક બન્યું છે.
તેમણે કહ્યું હતું કે, આધુનિક અને સુવિધાસભર ગામડાઓ ગુજરાતની ઓળખ બન્યા છે. ગુજરાતના 10 હજારથી વધુ ગામડાઓમાં નાણાપંચની ગ્રાન્ટમાંથી થતા તમામ કામોનું આયોજન, ચુકવણી અને સમિક્ષા ઇ-ગ્રામ સ્વરાજ પોર્ટલ મારફતે ઓનલાઇન કરવામાં આવે છે. ગ્રામ પંચાયતો વિકાસના હાઇવે પર ગતિમાન બનાવવા માટે આઇવે- ભારત નેટનું વિશાળ માળખુ ગુજરાતમાં ઉપલબ્ધ બન્યું છે. આવકના પ્રમાણપત્ર, અન્ય દાખલા, બીલ ભરવા, સરકારી સહાયના ફોર્મ ભરવા જેવી સુવિધાઓ લોકોને કોમ્પ્યુટર મોબાઇલથી આંગળીના ટેરવે ઉપલબ્ધ બને તેવી સરકારની નેમ છે. શહેરની જેમ ગામડાના લોકોને પણ બધી જ યોજના-સુવિધાઓનો લાભ ઓનલાઇન મળી રહે તે માટે ગુજરાતમાં 14 હજાર થી વધુ ગ્રામ પંચાયતોમાં ઇ-ગ્રામ સેન્ટર્સ કાર્યરત કર્યા છે.
તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સમરસ ગ્રામ પંચાયતને લોકશાહીની ઉત્તમ પ્રણાલી કહી છે. સામાજીક સમરસતાની સાથે ગામડાઓનું આર્થિક ઉત્થાન પણ થાય તે સરકારની નેમ છે. ગ્રામ પંચાયતોની તાજેતરની ચૂટણીમાં રાજ્યની 1183 ગ્રામ પંચાયત સમરસ થઇ છે, આમા 116 મહિલા સમરસ ગ્રામ પંચાયતો છે. આવી બધી સમરસ ગ્રામ પંચાયતોને રૂપિયા રાજ્ય સરકારે 63 કરોડનું અનુદાન આપીને આ ગામોને વિકાસ માટેનો નવો રાહ ચિંધ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશને પી.એમ શહેરી અને ગ્રામીણ આવાસ યોજનાની ભેટ આપી છે. ગુજરાતમાં આ યોજના હેઠળ રેકોર્ડ બ્રેક આવાસ બન્યા છે. ગુજરાતમાં 2 લાખ 92 હજાર ગ્રામીણ આવાસો આ યોજના હેઠળ બનાવ્યા છે. 1 લાખ 33 હજાર ગ્રામીણ આવાસોનું બાંધકામ પ્રગતિમાં છે. આવા આવાસોને 14680 લાભાર્થીઓને આવાસ બાંધકામ સહાય આપી છે. આવાસ યોજનામાં એફોર્ડેબલ હાઉસિંગનો નવતર અભિગમ ઉમેરી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટને લાઈટ હાઉસ યોજનાની ભેટ આપી છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજકોટને આપેલી આ નવા વર્ષની ભેટ છે અને લોકોએ તેને ખરા હૃદયથી સ્વીકારી છે તેમ રાજુભાઈ ધ્રુવે અંતે જણાવ્યું હતું.