પૂર્વ વડાપ્રધાન, ભારતરત્ન અટલ બિહારી વાજપેયીજીનાં નિધન પર ઘેરો શોક પ્રગટ કરવાની સાથે ભાવાંજલિ અર્પણ કરતાં ભાજપ અગ્રણી, પક્ષના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રવક્તા અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, લોકલાડીલા અટલજીની વિદાયથી દેશનું સામાજિક અને રાજકીય જાહેરજીવન રાંક બન્યું છે. રાજનીતિ, સાહિત્ય, સંચાલન તેમજ પત્રકારત્વ જેવા ક્ષેત્રોમાં સ્વ. અટલજીની કમી કોઈ પૂરી કરી શકશે નહીં.
સ્વ. વાજપેયીજી સાથેના સંસ્મરણો વાગોળતાં ધ્રુવે જણાવ્યું છે કે, અટલજી સાથે રાજકોટથી લઈ દિલ્હી સુધીની ઘણી બધી યાદો આજે સ્મૃતિપટ પર તરવરી રહી છે. જ્યારે જ્યારે તેઓએ રાજકોટની મુલાકાત લીધી ત્યારે તેમની વિનમ્રતા, સાલસતા અને મહાનતાનો અત્યંત નિકટથી પરિચય મેળવવાનો લ્હાવો મળ્યો છે.
તેઓ અત્યંત સામાન્ય રહીને માનવીય મહાનતાની ટોચે બિરાજતા તેના અનેક કિસ્સા નજરે નિહાળ્યા છે. અટલજીની ચિર વિદાય સાથે એ કિસ્સા, પ્રસંગો, નજરે તરવરે છે અને આંખો છલકાઈ આવે છે. અટલબિહારી વાજપેયીજીનાં નિધનથી ફક્ત ભારતીય જનતા પાર્ટી જ નહીં પ્રત્યેક ભારતીય નાગરિક અને ભારતને જાણનાર દુનિયાભરની દરેક વ્યક્તિ આજે શોક અને દુ:ખની લાગણી અનુભવી રહી છે.
અટલજી સાથેના કેટલાંક અવિસ્મરણીય પ્રસંગો યાદ કરતાં ધ્રુવે જણાવ્યું છે કે, ૧૯૯૭-૯૮માં અટલજી સ્વામિનારાયણ ગુરુકૂળની સુવર્ણજયંતી અવસરે રાજકોટ પધાર્યા હતા. ત્યારે કેશુભાઈ પટેલ તેમને મળવા આવવા માગે છે તેવો સંદેશો પાઠવતાં તુરત જ અટલજી બોલી ઉઠ્યા કે, કેશુભાઈને તો ઘૂંટણની તકલીફ છે; એમને મળવા હું જઈશ, એમને અહીં સુધી ધક્કો ખવડાવવો નથી.
આમ છતાં, કેશુભાઈ આવતાં અટલજીએ તમે કેમ તકલીફ લીધી? હું તમને મળવા આવી જ રહ્યો હતો! એવું કહી એમને મીઠો ઠપકો આપ્યો હતો. સામે પક્ષે કેશુભાઈએ પણ આપ તો અમારા સન્માનનીય રાષ્ટ્રીય નેતા છો, ગમે તેવી તકલીફ હોય તો પણ આપને મળવા આવવું જ પડે! એવું કહી અટલજીની લાગણીપૂર્ણ સરળતા સામે ભાવભરી સાલસતા અને સૌજન્ય દાખવ્યું હતું.