ભાજપ સ્થાપના દિવસ નિમિત્તે પક્ષનાં દરેક કાર્યકરને શુભેચ્છા પાઠવતા રાજુભાઈ ધ્રુવ
ભારતીય જનતા પાર્ટીના ૩૯મા સ્થાપના દિવસ નિમિત્તે પક્ષના સિનિયર અગ્રણી અને સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવક્તા શ્રી રાજુભાઈ ધ્રુવે એક નિવેદનમાં જણાવ્યું છે કે, સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ સમગ્ર દેશમાં કોંગ્રેસના શાસન દરમિયાન હિન્દુત્વ વિરોધી માનસિકતા ઊભી કરવાના અત્યંત બદઈરાદાભર્યા પ્રયાસો કરવામાં આવ્યા હતા. આવા સમયે જનસંઘ-ભાજપનાં સૂર્યોદયથી દેશની એકતા, અખંડિતા, રાષ્ટ્રવાદ અને લોકશાહીને નવજીવન મળી શક્યું.
ઈ.સ. ૧૯૫૨ની સામાન્ય ચૂંટણીમાં લોકસભાની માત્ર ત્રણ બેઠકો મેળવનાર જનસંઘ ૧૯૬૨ સુધીમાં દેશનો પ્રમુખ રાજકીય પક્ષ બની ગયો હતો. ઈ.સ. ૧૯૬૮માં પંડિત દીનદયાળજીનાં નિધન બાદ અટલ બિહારી વાજપાઈજીએ જનસંઘની કમાન સંભાળી. પોતાના આગવા અંદાજ અને અનુભવને આધારે અડવાણીજી અને પાર્ટી કાર્યકરોએ દેશમાં કટોકટી લાદીને લોકશાહીની હત્યા કરનાર ઇન્દિરા ગાંધીની સરમુખત્યારશાહી શાસન વ્યવસ્થાનો પ્રચંડ વિરોધ કર્યો. પરિણામે કોંગ્રેસની કપરી હાર થઈ. મોરારજી દેસાઈ પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન અને અટલ બિહારી વાજપાઈ વિદેશમંત્રી બન્યા હતા. થોડા વર્ષો બાદ જનસંઘના કાર્યકરોએ ભાજપ એટલે કે ભારતીય જનતા પક્ષની સ્થાપના ૬ એપ્રિલ ૧૯૮૦ના રોજ કરી. ૩૮ વર્ષ બાદ આજે ભાજપ રાષ્ટ્રવાદી વિચારધારા,સુરાજ્ય શાસનપદ્ધતિ અને પરંપરાગત મૂલ્યોની જાળવણી કરનાર વિશ્વનો સૌથી મોટો રાજનૈતિક પક્ષ બની ગયો છે.
રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું છે કે, દરેક ધર્મ,સંપ્રદાય અને સમાજ માટે સમભાવ તેમજ રાષ્ટ્ર માટે સેવાભાવ રાખનાર ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર હોવાનું ગૌરવ એ દેશહિત માટે જીવન સમર્પિત કરવાનું ગૌરવ છે. ભાજપની પંચનિષ્ઠાઓ – સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ,લોકતંત્ર, એકાત્મ માનવદર્શન, સર્વધર્મ સમભાવ અને મુલ્ય આધારિત રાજનીતિએ ભારતની ઐતિહાસિક,અને સાંસ્કૃતિક ધરોહરનો વિશ્વને પરિચય આપ્યો છે.
દેશની અંદર સ્થપાયેલું શાંતિ અને સુરાજ્યનું વાતાવરણ એ ભારતીય જનતા પક્ષનાં સુશાસનનું પરિણામ છે.૨૦૧૪માં ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ દેશનાં વડાપ્રધાન બન્યા એ પહેલાંનાં ભારત અને આજનાં ભારતની તુલના કરતાં આપોઆપ ખ્યાલ આવી જાય છે કે, ક્યા પ્રકારે કેન્દ્રમાં ભાજપ સરકાર અને ભાજપ શાસિત રાજ્યોએ વિકાસની હરણફાળ ભરી છે. અલબત્ત, દેશને કોંગ્રેસ દ્વારા થયેલી હાનિઓની ભરપાઈ કરવામાં પણ ભાજપ મોખરે રહ્યું છે. કોંગ્રેસનાં શાસનમાં દેશ વૈશ્વિક કક્ષાએ દરેક ક્ષેત્રમાં પાછળને પાછળ ધકેલાઈ રહ્યો હતો ત્યારે ભાજપનાં સામાન્ય કાર્યકરોએ દેશની ધૂરા સંભાળીને વિશ્વભરમાં ભારતને ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે. આજે ભારત અને ભાજપ એકબીજાનો પર્યાય બની ચૂક્યા છે.
ભાજપનું સંગઠન રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રીય અખંડતા,રાષ્ટ્રીય ઓળખ અને રાષ્ટ્રીય શક્તિ સાથે સંકળાયેલું છે. ભાજપની વિચારધારા સૌને સમાન ગણવાની અને સૌને સન્માનભર્યા હક્ક આપવાની છે. પક્ષનાં સિદ્ધાંતોનાં મૂળમાં જ દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ, અરવિંદ ઘોષ,બાળ ગંગાધાર તિલક,સુભાષચંદ્ર બોઝ, વીર સાવરકર અને સરદાર વલ્લભભાઈ પટેલની રાષ્ટ્રહિતની રાષ્ટ્રવાદી વિચારધારા સિંચાયેલી છે.
ઈ.સ. ૧૯૫૧માં શ્યામાપ્રસાદ મુખર્જીનાં નેતૃત્વમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં દ્વિતીય સરસંચાલક ગુરુજીની પ્રેરણાથી જનસંઘની સપના કરવામાં આવી હતી. ત્યારબાદ ઈ.સ. ૧૯૫૩માં શ્યામાપ્રસાદ મુખર્જીનાં કાશ્મીર બચાવો આંદોલન દરમિયાન જેલવાસ અને શંકાસ્પદ રાજકીય હત્યા બાદ ખરા અર્થમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયે જનસંઘનો કાર્યભાર સંભાળ્યો. તેમણે જનસંઘનો સંગઠનાત્મક અને વૈચારિક પાયો નાખી દેશને એક શુદ્ધ રાષ્ટ્રવાદી સંગઠનની ભેટ આપી.
આ બંને વિરાટ વિભૂતિઓની છત્રછાયામાં શ્રી અટલ બિહારી વાજપાઈ અને લાલકૃષ્ણ અડવાણીજી મૂલ્યગત નૈતિક રાજનીતિના પાઠ શીખ્યા. રાષ્ટ્રવાદ, એક ભારત, શ્રેષ્ઠ ભારત અને સામાજીક ભાઈચારાની વિચારધારાને આજે કેન્દ્રમાં ભાજપ સરકારના વડાપ્રધાન શ્રી નરેદ્રભાઈ મોદી અને પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી અમિતભાઈ શાહ તેમજ ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણીનાં નેતૃત્વમાં પક્ષના તમામ સનિષ્ઠ કાર્યકર્તાઓ અને અગ્રણીઓ આગળ વધારી રહ્યા છે. તેમ અંતમાં શ્રી રાજુભાઈ ધ્રુવે જણાવી ભાજપ સ્થાપના દિન નિમિત્તે તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,