90 વર્ષની ઉંમર હોવા છતાં યુવાનને શરમાવે તેવી સ્કૂતિ ધરાવતા પ્રેમ પ્રકાશજીએ વિવિધ રાજકીય પક્ષોના રાષ્ટ્રીય નેતાઓ સહિત અનેક વડાપ્રધાનો સાથે કામ કર્યુ છે
અબતક, રાજકોટ
દેશના પત્રકાર જગતમાં જૂની પેઢીના વરિષ્ઠ પત્રકારો પૈકીના અને વિશુદ્ધ પત્રકારત્વની વિચારધારા ધરાવતા દેશના દિગ્ગજ પત્રકાર અને એશિયન ન્યુઝ ઇન્ટરનેશનલ (એ.એન.આઈ.) ન્યૂઝ એજન્સીના સ્થાપક એવા પ્રેમ પ્રકાશજી અનસૂરિન્દર કપૂરજી, તાજેતરમાં રાજકોટ આવ્યા હતા આ પ્રસંગે ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન દેશ અને દુનિયામાં પ્રવર્તમાન પત્રકારત્વના વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી.
રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે તાજેતરમાં દેશના પત્રકાર જગતના વરીષ્ઠતમ અગ્રણીઓને મળવાનું બન્યું હતું.. સુપ્રસિદ્ધ ન્યૂઝ એજન્સી અગઈંના ફાઉન્ડર-સ્થાપકો પ્રેમ પ્રકાશજી અને સુરીંદર કપૂરજી રાજકોટ આવ્યા ત્યારે સર્કિટ હાઉસ ખાતે સ્નેહપૂર્ણ આત્મીયતા સાથે મીડિયા જગત અને તેની પ્રગતિ અને દેશ અને સમાજ ઉપર તેની અસર વિશે ઊંડાણ થી વિચાર વિમર્શ થયો હતો. તેમની સાથેની ગોષ્ઠી દરમિયાન દેશ અને દુનિયામાં ચાલી રહેલા મીડિયા ટ્રેન્ડ વિશે વાતચીત થઈ હતી.
50 વર્ષ અગાઉ સ્થાપવામાં આવેલ દક્ષિણ એશિયાની સૌથી મોટી સમાચાર એજન્સી એશિયન ન્યૂઝ ઇન્ટરનેશનલના પ્રેમ પ્રકાશજી સ્થાપક-ફાઉન્ડર છે પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે દેશના તમામ વડાપ્રધાનની સાથે રહી એમણે રિપોર્ટિંગ કર્યું છે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજી સાથે આત્મીયતા અને આદરપૂર્ણ સંબંધ ધરાવનાર પ્રેમપ્રકાશજી દેશના વિવિધ પક્ષોની નવી-જૂની પેઢીના અનેક રાજકીય લોકો સાથે નિકટતા ધરાવે છે. અટલબિહારી બાજપેયીજી, અડવાણીજી તથા સહિત તમામ ભાજપ વરીષ્ઠો સાથે ઘનિષ્ટ સંબંધ ધરાવતા પ્રેમપ્રકાશજી ભાજપના વરિષ્ઠ રાષ્ટ્રીય નેતા અડવાણીજી સોમનાથથી અયોધ્યા સુધીની ઐતિહાસિક રથયાત્રાના શુભારંભ માટે આવ્યા ત્યારે તેમની સાથે પ્રેમ પ્રકાશજી પણ આવ્યા હતા અને યાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી મીડિયા કવરેજ કર્યું હતું.
પ્રેમ પ્રકાશજી 90 વર્ષની ઉંમરના હોવા છતાં તેમનામાં કોઈ યુવાનને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ, જ્ઞાન ની ઓજસ્વીતા,આંખોમાં ચમક અને પ્રોત્સાહક પોઝિટિવ એટિટયુડના દર્શન થયા વગર રહેતા નથી. થોડા સમય પહેલા શ્રી પ્રેમ પ્રકાશજીનું એક પુસ્તક પણ પ્રસિદ્ધ થયું છે.જેની વિશ્વભરમાં ચર્ચા પણ થઈ હતી.