વાસણામાં વેપારીની હત્યાનો મુખ્ય સુત્રધાર રાજુ શેખવાની ધરપકડ
ધંધાકીય હરિફાઇ અને અગાઉ થયેલા હુમલાનું વેરની વસુલાત કરવા રાજકોટમાં થયેલી હત્યાના ગુનામાં જેલમાં રહેલા શખ્સને રૂ.૫૦ લાખની નામચીન રાજુ શેખવાએ સોપારી આપ્યાનું ખુલ્યું ધરપકડ આંક ચાર થયો
અમદાવાદ નજીક આવેલા વાસણા ખાતે ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટરની સાડા ત્રણ માસ પહેલાં થયેલી હત્યાના મુખ્ય સુત્રધાર રાજુ શેખવાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સુરેન્દ્રનગર રામપરડા ગામેથી ધરપકડ કરતા સનસનાટી મચી ગઇ છે. ધંધાકીય હરિફાઇ અને દસેક વર્ષ પહેલાં થયેલા ખૂની હુમલાના કારણે ચાલતી અદાવતના કારણે રૂ.૫૦ લાખની સોપારી આપી હત્યા કરાવ્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. અગાઉ બે હત્યા સહિત અનેક હત્યાના ગુનામાં સંડોવાયેલા રાજુ શેખવાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે રિમાન્ડ પર મેળવી તપાસ હાથધરી છે.
વાસણાના લાવણ્ય સોસાયટીમાં આવેલા મહાદેવ મંદિર ખાતે દર્શન કરવા ગયેલા સુરેશભાઇ જયંતીભાઇ શાહ નામના ટ્રાન્સપોર્ટના કોન્ટ્રાકટરની ગત તા.૧૦-૩-૧૮ના રોજ ફાયરિંગ અને છરીના ઘા ઝીંકી થયેલી હત્યાના ગુનામાં સંડોવાયેલા અમરેલી પંથકના નામચીન રાજેન્દ્ર ઉર્ફે રાજુ જીવકુ શેખવાની મુળી નજીકના રામપરડા ગામના ફાર્મ હાઉસમાંથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ધરપકડ કરી છે.
એફસીઆઇના ટેન્ડરો ભરવાના પ્રશ્ર્ને સુરેશભાઇ શાહ અને રાજુ શેખવા વચ્ચે દસેક વર્ષ પહેલાં ઘર્ષણ થયું હોવાથી રાજુ શેખવા પર ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાજુ શેખવાને કમ્મરમાં ગોળી લાગી હોવાથી તે ચાલી શકે તેમ હતો.
રાજુ શેખવાએ પોતાના પર થયેલા ખૂની હુમલાનો બદલો લેવા સુરેશભાઇ શાહની હત્યાનો પ્લાન બનાવ્યો હતો પણ પોતે એકલાથી હત્યા થઇ શકે તેમ ન હોવાથી રાજકોટમાં પરેશગીરી શિવગીરી ગૌસ્વામીની હત્યાના ગુનામાં જેલમાં રહેલા ઘનશ્યામ કણક અમરેલી જેલમાં હતો ત્યારે તેનો સંપર્ક રાજુ શેખવાએ સંપર્ક કરી રૂ.૫૦ લાખની સોપારી આપી ઘનશ્યામ કણકને પેરોલ પર છોડાવ્યો હતો.
સુરેશભાઇ શાહ કયારે કયાં જાય છે તે અંગેની રેકી કરવાનું સુરેન્દ્રનગર પંથકના એલામખાન જતમલેક અને અમદાવાદના જુહાપુરાના રફીક સુમરાને રાજુ શેખવાએ કામ સોપ્યું હતું. સુરેશભાઇ શાહની દિનચર્યાની વિગતો મેળવી રાજુ શેખવાએ ચોટીલા પંથકના રવિ કાઠી અને ઘનશ્યામ કણકને માહિતી આપ્યા બાદ હત્યાની ઘટનાને અંજામ આપવા માટે રવિ કાઠી અને ઘનશ્યામ કણક વાસણાના મહાદેવ મંદિરે પહોચી ગોળીબાર કર્યા બાદ છરીના ઘા ઝીંકી સુરેશભાઇ શાહની હત્યા કરી હતી.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે એલામખાન જતમલેક અને અમદાવાદના રફીક સુમરાની ૧ એપ્રીલ ધરપકડ કર્યા બાદ ચોટીલાના રવિ નનકુ શાખની સંડોવણી બહાર આવતા તેની ધરપકડ કરતા તેની પૂછપરછમાં રાજુ શેખવાએ રૂ.૫૦ લાખની સોપારી આપી હોવાથી ઘનશ્યામ અરજણ કણકની સાથે મળી હત્યા કર્યાની કબૂલાત આપી હતી.
રવિ કાઠીની કબુલાતના આધારે પોલીસે રાજુ શેખવાને ઝડપી લેવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે અમરેલી, ખાંભા, રાજકોટ અને સુરેન્દ્રનગર પંથકના આશ્રય સ્થાનો પર દરોડા પાડવાનું શરૂ કર્યુ હતી. દરમિયાન તે મુળી તાલુકાના રામપરડા ગામ ખાતેના ફાર્મ હાઉસમાં હોવાની બાતમીના આધારે ધરપકડ કરી રિમાન્ડ પર મેળવી ઘનશ્યામ કણકનો જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટના આધારે કબ્જો મેળવવા તજવીજ હાથધરી છે.
રાજુ શેખવા અમરેલી તાલુકાના લીલીયાની મામલતદાર કચેરીમાં કલાર્ક તરીકે ફરજ બજાવતો ત્યારે સુરેશભાઇ શાહ એફસીઆઇના ટેન્ડર ભરવા આવતો હોવાથી બંનેનો પરિચય થયો હતો.રાજુ શેખવાને સસ્પેન્ડ કરવામાં આવતા તેને પણ એફસીઆઇના ટેન્ડર ભરવાનું શરૂ કર્યુ હતું.
રાજુ શેખવાએ ૧૯૯૩માં સાવરકુંડલાના વોટર વર્કસ કમિટીના ચેરમેન જોરાવરસિંહ ચૌહાણની હત્યા અને એફસીઆઇના નિવૃત મેનેજર બાબુલાલ અંબાલાલ જાદવની હત્યા તેમજ અમરેલી, ચલાલા, ધારી અને સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં અનેક મારામારીના ગુનામાં સંડોવણી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.