ખેડુતોએ પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદન
૯૮-રાજુલા વિધાનસભા વિસ્તારના રાજુલા-જાફરાબાદ અને ખાંભા તાલુકાના ખેડુતોએ પોતાની માંગણીઓ લેખિત સ્વરૂપમાં સરકારના પ્રતિનિધિ પ્રાંત અધિકારીને રૂબરૂમાં આવેદન સ્વરૂપમાં આપવામાં આવી છે. જેમાં જણાવ્યા મુજબ ચાલુ સાલ અપુરતો વરસાદ થવાથી રાજુલા-જાફરાબાદ અને ખાંભા તાલુકામાં ખેતીપાક સદંતર નિષ્ફળ ગયેલ છે તેથી ખેડુતોને પાકવિમો આપો.
રાજુલા-જાફરાબાદ અને ખાંભા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરો અને આ વિસ્તારનાં ખેતમજુરો અને શ્રમજીવી લોકોને રોજીરોટી સહેલાઈથી મળી રહે તે માટે રાહતકામ શરૂ કરાવો. આગામી દિવસોમાં ખેડુતોના માલઢોર માટે ઘાસચારાની તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની પણ તંગી ઉભી થવાની છે તે માટે આગોત‚ આયોજન કરવા, નિરાશ અને નિરૂત્સાહ થઈ ગયેલા ખેડુતોના દેવા માફ થાય અને તેનો અમલ તાત્કાલિક થાય, ખેતીવાડીમાં સિંચાઈ માટે વિજળી સરકારના નિયમ મુજબ અને નિયમિત મળતી નથી તો નિયમિત મળી રહે તે માટે યોગ્ય કરવા તેમજ ચાલુ સાલે ખેતીવાડીને ઉપયોગી દવા તથા વિલાયતી ખાતરના ભાવ ખુબ જ વધી ગયા છે જેથી ભાવોને કાબુમાં કરવા તેમજ ખેડુતોને ટ્રેકટર વિગેરે વાહનોમાં ઉપયોગી ડિઝલ સસ્તુ થાય તે માટે યોગ્ય કરવા આવેદનમાં જણાવ્યું છે.