રાજુ ધ્રુવે લોકસભા, ધારાસભા, મહાનગરપાલિકા તેમજ જિલ્લા પંચાયત સહિતની દરેક ચૂટણીમાં પ્રચાર-પ્રસારની જવાબદારી ખૂબ જ કાળજીપૂર્વક નિભાવી છે
આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છની આઠ બેઠકોના પ્રચાર-પ્રસારની તમામ જવાબદારી સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવક્તા રાજુભાઇ ધ્રુવને સોંપવામાં આવી છે. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાજગત સાથે મૈત્રીપૂર્ણ અને આત્મીય સબંધો ધરાવતાં રાજુભાઇ ધ્રુવની શક્તિ અને ક્ષમતામાં વિશ્વાસ મૂકી ભાજપે આ મહત્વની જવાબદારી સોંપતા રાજુભાઇ ધ્રુવ પર અભિનંદનની વર્ષ થઈ રહી છે. રાજુભાઇ ધ્રુવે નમ્રતાપૂર્વક આ જવાબદારીનો સ્વીકાર કરી પોતાના પર મૂકવામાં આવેલા વિશ્વાસ બદલ પક્ષના મોવડીઓનો આભાર માન્યો હતો.
ભાજપની અને કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકારની સકારાત્મક બાબતો જનતા સુધી પહોંચાડવા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા અતિ અગત્યનું અને મહત્વનું માધ્યમ છે. નોંધનીય છે કે,શ્રી ધ્રુવ છેલ્લાં અઢી દાયકાથી ભાજપના મીડિયા ટીમના પાયાના કાર્યકર્તા તરીકે સેવાઓ આપતાં રહ્યા છે એટલું જ નહીં ઘણા લોકોને ખ્યાલ નહીં હોય કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમના જીવનની પ્રથમ ચૂંટણી રાજકોટથી લડ્યા હતા ત્યારે પણ પ્રચાર-પ્રસાર ની મીડિયા કન્વીનર-પ્રવક્તા તરીકે ની જવાબદારી રાજુભાઈ ધ્રુવને સોંપવામાં આવી હતી. તેઓ ૨૦૧૭ વિધાનસભા ની ચૂંટણી માં ભાજપ માં પ્રદેશ પ્રવક્તાની વિશેષ જવાબદારી સંભાળી ચૂક્યા છે.
ભાજપના રાષ્ટ્રીય નેતાઓ, વડાપ્રધાનથી માંડીને કેન્દ્રિય પ્રધાનો તેમજ ગુજરાત ભાજપના તથા પ્રદેશ ભાજપના અગ્રણીઓ અને મુખ્યમંત્રીશ્રીઓ સહિત અનેક પ્રધાનોની પત્રકાર પરિષદોનું અગણિત સંખ્યામાં તેઓ સફળતાપૂર્વક આયોજન કરી ચૂક્યા છે. આ સિવાય ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના વાઇસ ચેરમેનની જવાબદારી પણ ત્રણ વર્ષ માટે તેઓ સંભાળી ચૂક્યા છે.
રાજૂ ધ્રુવ આ પહેલા ગુજરાત પ્રવાસન નિગમમાં ડીરેક્ટર તરીકે જવાબદારી સંભાળી ચૂક્યા છે. કચ્છનો ધરતીકંપ હોય કે કંડલાનું વાવાઝોડું હોય કે ભાજપની રાષ્ટ્રીય કારોબારી હોય કે પ્રદેશ કારોબારી હોય.. આ તમામ જવાબદારી સૂપેરે પાર પાડનાર રાજુભાઇ ધ્રુવે ૨૦૦૨ વિધાનસભા,૨૦૦૪ લોકસભા, ૨૦૦૭ વિધાનસભા, ૨૦૦૯ લોકસભા ,૨૦૧૨ વિધાનસભા,૨૦૧૪ લોકસભા તેમજ અનેક પેટા ચૂંટણીઓ ની સાથે મહાનગરપાલિકા તેમજ જિલ્લા પંચાયત સહિતની દરેક ચૂટણીમાં પ્રચાર-પ્રસારની જવાબદારી ખૂબ જ કાળજી દાખવીને નિભાવેલ હોય તેથી જ પાર્ટી એ આ લોકસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છની તમામ બેઠકોની અતિ આવશ્યક જવાબદારી અને મહત્વપૂર્ણ જવાબદારી તેમને સોંપેલ છે.