ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકારે ૫૦થી વધુ ચીની મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મૂકવાનાં પગલાંને ભારતની કૂટનીતિનું એક નવું પાસું ગણાવતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ચીની એપ્સ પર જે પ્રતિબંધ મૂક્યો છે તે પ્રતિબંધથી ભારતને થોડું પણ નુકસાન થવાનું નથી પરંતુ ચીનના ટ્રેડર્સના હિતોને ચોક્સથી નુકસાન પહોંચશે એ રીતે જોવા જતા આ એક મોટો અને પ્રશંસનીય નિર્ણય છે. ચીની એપ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય ભારતનાં હિતમાં છે. આ નિર્ણય ચીની વેપારીઓ અને ચીન માટે ભારતની તરફથી એક અગત્યનો સંદેશ છે કે ભારતની સેના જેમ જ ભારતની સરકાર પણ હવે એટલી મજબૂત અને શક્તિશાળી બની ગઈ છે કે દરેક મોરચે તેમના પ્રતિસ્પર્ધીઓને જડબેસલાક જવાબ આપવા સક્ષમ છે.
૫૯ જેટલી ચાઈનીઝ એપ રાતોરાત બંધ કરીને નરેન્દ્રભાઈ મોદીની સરકારે માત્ર પોતાના ઇરાદાને જ વ્યક્ત કર્યો નથી પરંતુ ચીનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, દેશની માત્ર સરહદ પર જ નહીં દેશનાં તમામ ક્ષેત્રોમાંથી પણ ચાઈનીઝ ન્યૂસન્સ ખતમ કરી દેવા સરકાર અને સેના બંને સતર્ક અને સજ્જ છે. ભારત સરકારે ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકીને ચીનનાં ખૂબ મોટા બજારના દરવાજા બંધ કરી દીધા છે. જ્યારે ઇન્ડિયન યુઝર્સ અચાનક ચીની એપ્લિકેશનોનો ઉપયોગ કરવાનું બંધ કરી દેશે તો તેમની આવકમાં ખાસ્સી એવી નુકસાની થશે. મોટાભાગની એપ્લિકેશનની કમાણી માટે યુઝર્સને વચ્ચે-વચ્ચે જાહેરાતો દેખાડે છે.
ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવાથી ભારતને થોડી પણ અસર થશે નહીં. જે યુઝર્સ આ એપ્સનો ઉપયોગ કરતા હતા તેમને હવે બીજો વિકલ્પ શોધવો પડશે જે માર્કેટમાં કંઇ ઓછા નથી. બીજું આ પ્રતિબંધને કારણે ઘણા ભારતીય ડેવલપર્સ એપ્સ બનાવવા માટે ઉત્સાહિત થશે. કેટલાંયે તો પોતાની એપ્સમાં મેક ઇન ઇન્ડિયા લખવાનું પણ શરૂ કરી દીધું છે. એ રીતે જોવા જઈએ તો ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂકવાનો પ્રધાનમંત્રી મોદીજીનો નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ અને ફાયદાકારક છે.