કરણી સેનાના સૌરાષ્ટ્ર-ગુજરાતના હોદેદારો નિમાયા: ગુજરાતનાં પ્રભારી તરીકે રાજકોટના જે.પી. જાડેજાની નિમણુંક કરાઈ
રાજપુત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા, ક્રિકેટર રવિન્દ્ર જાડેજા, રાજકોટના રાજવી માંધાતા સિંહ, ડી.સી.પી. મનોહરસિંહ જાડેજા, કરણીસેના મહિલા પાંખના પ્રમુખ રિવાબા જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા
રાજપૂત કરણીસેના મહિલા પાંખ દ્વારા રવિવારે સૌરાષ્ટ્રના હોદેદારોનું સ્નેહમિલન સાથે આજે વર્લ્ડકપ રમવા જઈ રહેલા ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા માટે શુભેચ્છા સમારોહનું આયોજન રાજકોટની ફન હોટલ ખાતે કરવામાં આવ્યું હતુ. આ સ્નેહમીલનમાં રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા, ક્રિકેટર રવિન્દ્ર જાડેજા, રાજકોટ રાજવી માંધાતા સિંહ, ડી.સી.પી. મનોહરસિંહ જાડેજા, કરણીસેનાના પ્રમુખ રિવાબા જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
રાજપૂત કરણીસેનાના રવિવારે યોજાયેલા સ્નેહમીલન સમારોહમાં સૌરાષ્ટ્ર-ગુજરાતનાં હોદેદારોની પણ વરણી કરવામા આવી હતી. જેમાં ગુજરાતનાં પ્રભારી તરીકે રાજકોટના જે.પી. જાડેજાની નિમણુંક કરવામાં આવી હતી. અને રાષ્ટ્રીય અધ્યક્ષ અને રવિન્દ્ર જાડેજાના વરદ હસ્તે નિમણુંક પત્ર એનાયત કરાયું હતુ આ ઉપરાંત રાજપુત કરણીસેના મહિલા પાંખના પણ સૌરાષ્ટ્રભરનાં હોદેદારો નિમાયા હતા.
સ્નેહમીલન સમારોહમાં રવિન્દ્ર જાડેજાએ વકતવ્ય આપતા જણાવ્યું હતુ કે મારા મમ્મીનું સપનું હતુ તે મને ઈન્ડિયન ટીમમાં રમતો જોવો. આજે હું ઈન્ડિયન ટીમમાં છુ પણ અફસોસ છે મારી મમ્મી અત્યારે નથી તેઓ તેમના મમ્મીને યાદ કરી ભૂતકાળ વાગોળતા ભાવુક થઈ ગયા હતા.
રજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાએ જણાવ્યું હતુ કે, મને કયારેય ક્રિકેટમાં રસ ન હતો. પરંત જયારથી મને ખબર પડીકે રવિન્દ્ર જાડેજા ક્રિકેટ ટીમમાં રમે છે સમાજનું ગૌરવ છે. ત્યારથી હું ક્રિકેટ જોવા લાગ્યો છું.
રજપૂત કરણી સેના ગુજરાતનાં પ્રમુખ અને રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રિવાબા જાડેજાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, આજે રજપૂત કરણીસેના મહિલા પાંખ દ્વારા સૌરાષ્ટ્ર-ગુજરાતનાં હોદેદારોનું સ્નેહમીલન યોજાયું હતુ સામાજીક કાર્ય કરવા મારા પતિ રવિન્દ્ર જાડેજાને હર હંમેશા મને સાથ મળ્યો છે. અને આજના આ સમારોહ માટે હુ તમામ મહિલા પાંખ અને હોદેદારોને શુભેચ્છા પાઠવું છું.