કાલે રાષ્ટ્રવાદી જન ચેતના પાર્ટીના અધ્યક્ષ દિવ્યેશ ચાવડાના હસ્તે ખેસ પહેરી સામેલ થશે
રાજકોટમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં પત્રકાર જગતમાં રાજકીય બાબતોનાં નિષ્ણાત તરીકે જાણીતા એવા વિખ્યાત પત્રકાર- તંત્રી જિજ્ઞેશ કાલાવડિયા પોતાના 500થી વધુ વિવિધ ક્ષેત્રના આગેવાન, એક્ટીવિષ્ટ સાથીઓ સાથે રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટી (રાજપા)માં રવિવારે યોજાનારા એક રાજકીય સમારોહમાં સામેલ થવા જઇ રહ્યા છે. ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા જીજ્ઞેશ કાલાવડિયાએ વાતચીત કરતા જણાવ્યું હતું કે છેલ્લા બે દાયકાથી સૌરાષ્ટ્રમાં પત્રકારત્વની સાથે સાથે તેમણે અને સેવાકીય અને સામાજીક ક્ષેત્રોમાં ખેડાણ કરેલું છે. તેઓએ વિવિધ સેવાકીય પ્રકલ્પોનાં માધ્યમથી લાખો યુવાનોના પથ દર્શક બની અઢારેય વરણમાં એક લોક ઉપયોગી વ્યક્તિ તરીકે નામના મેળવેલ છે. ગુજરાત યુવા પરિષદ, વિવેકાનંદ કેરિયર એકેડમી સહિતનાં સોપાનો દ્વારા તેઓએ અનેક યુવાનોને પોલીસ તંત્ર સરકારી નોકરીઓ અને વિવિધ ક્ષેત્રોમાં કાર્યાન્વિત કર્યા છે.
અખબારી કારકિર્દીમાં તેમના વડપણ હેઠળ તૈયાર થયેલા અનેક યુવાનો-યુવતીઓ આજે ગુજરાત સહિત દેશભરના મિડિયા હાઉસમાં ઉચ્ચ પદો પર કાર્યરત છે. 2010માં જ્યારે અન્ના હજારેએ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન શરૂ કર્યું ત્યારે સૌરાષ્ટ્રમાં એ જન લોકપાલ આંદોલનનું નેતૃત્વ કરી તેઓએ અનેક આંદોલનાત્મક કામગીરીને અંજામ આપ્યો હતો. ત્યારબાદ આમ આદમી પાર્ટીના સર્જન વખતે તેઓની રાષ્ટ્રીય સ્તે ભૂમિકા રહી હતી. તેઓ દ્વારા જ ગુજરામાંથી આમ આદમી પાર્ટીના તમામ સંસ્થાપક સદસ્યો નક્કી કરાયા હતા. જેમાંથી મોટાભાગના આજે પણ જિજ્ઞેશ કાલાવડિયા સાથે જોડાયેલા છે. આપ તેની મૂળભૂત સ્વરાજની વિચારધારામાંથી ભટકી જતા તેઓએ 2014માં આપ છોડી રાજકીય ક્ષેત્રમાં ટૂંકા ખેડાણ બાદ રાજનિતિને ગુડબાય કહી દીધું હતું.
આજે આઠ વર્ષના વિરામ બાદ તેઓ ફરી રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટીના માધ્યમથી સક્રિય રાજનિતિ શરૂ કરી રહ્યા છે ત્યારે તેઓએ જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિ પાટીદાર આંદોલન બાદ બદલાયેલી પરિસ્થિતીમાં ગુજરાતમાં રાજનિતિના નામ પર દરેક પક્ષો માત્ર જાતિવાદ અને કોમવાદ આધારિત રાજનિતિમાં ચોગઠાં ગોઠવી રહ્યા છે ત્યારે ગુજરાતના લોકોને બદલાવનો વિશ્ર્વાસ અપાવવા તેઓ રાજનિતિમાં ફરી સક્રિય થઇ રહ્યો છે. રવિવારે રાજકોટ ખાતે એક સાદા રાજકીય સમારોહમાં રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટીના અધ્યક્ષ દિવ્યેશભાઇ ચાવડાના હસ્તે ખેસ પહેરી તેઓ તેમના ભગતસિંહ ક્રાંતિ દળ, અખિલ ભારતીય કિસાન સેના, ગુજરાત યુવા પરિષદના લડાયક સાથીઓ અને એક્ટીવિષ્ટો, સામાજીક આગેવાનો સાથે રાજપામાં સામેલ થશે.