ક્લીનચીટ બાદ ફરી ડિરેકટરોની દહેશત વધી: ૧૧૨૪ કરોડના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા
રજનીગંધા પાનમસાલાની ૧૯૦ કરોડની વેટ ચોરીનું કૌભાંડનો આંકડો સતત વધી રહ્યો છે. સીઆઇડી ક્રાઇમ આ મામલે તપાસ કરી રહી છે અને સીઆઇડીએ કોર્ટમાં રજૂ કરેલી વિવિધ એફિડેવીટમાં આ આંકડો સતત વધી રહ્યો હોવાનું જણાવ્યું છે. સીઆઇડી ક્રાઇમના જણાવ્યા અનુસાર રજનીગંધા પાનમસાલાનું ટોટલ કૌભાંડ ૭૪૮ કરોડ પર પહોંચ્યું છે. જે પૈકી કંપનીએ ફક્ત ૧૩૭ કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. ત્યારે હજુ કંપનીને ૬૧૧ કરોડ રૂપિયા ભરવાના નીકળે છે. બીજી તરફ આ કેસમાં કંપનીના ડિરેક્ટરો સહિતના સાત સત્તાધીશોએ હાઇકોર્ટમાં કરેલી જામીન અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી છે. ત્યારે હવે ૬૧૧ કરોડ રૂપિયા કંપની ભરે છે અથવા સરકાર કરી રીતે વસુલ કરે છે તે જોવાનું રહ્યું.
રજનીગંધા પાનમસાલાના ૧૯૦ કરોડ વેટ ચોરી કૌભાંડમાં અનિલકુમાર અગ્રવાલ, અજયકુમાર ગુપ્તા, અનિલકુમાર ડિરેક્ટરો સહિતના જવાબદાર વ્યક્તિઓની ધરપકડ થાય તેવી દહેશત વ્યક્ત કરી હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે, પોલીસે લગાવેલી કલમ માની લેવાય તો પણ ગુજરાત મુલ્યવર્ધિત અધિનિયમની કલમ ૮૫ મુજબ છ મહિનાની સજા અને ૨૦ હજાર દંડ થાય છે, આ ગુનો સમાધાન લાયક છે, આ કેસમાં ૧૩૭ કરોડ રૂપિયા ભરાઇ ગયા છે જેની રિસીપ્ટ પણ છે, ત્યારે આગોતરા જામીન આપવા જોઇએ. જો કે, સીઆઇડી ક્રાઇમે એફિડેવીટ કરી એવો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો કે, રજનીગંધા પાન મસાલાના ૧૯૦ કરોડના વેટ ચોરી કૌભાંડમાં ૧૧ બોગસ કંપનીઓનો મોટો રોલ છે. આ બોગસ કંપનીઓના બેંક ખાતામાંથી ધરમપાલ સત્યપાલ કંપનાના બેન્ક એકાઉન્ટમાં તથા તેની ગૃપ કંપનીઓના બેન્ક એકાઉન્ટમાં ૧૧૨૪ કરોડ રૂપાના શંકાસ્પદ વ્યવહારો થયા હોવાનું તાપસમાં ખુલ્યું છે. જેમાં કંપનીએ મોકલેલ માલ અને ચુકવેલ પૈસામાં મસ મોટો તફાવત હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યું છે. ૯૦૦ કરોડના માલ ગુજરાત ખાતે બીલ વગર સ્થાનીક બજારમાં વેચી ૧૩૮ કરોડ તથા વ્યાજ સાથે ૧૯૦ કરોડની વેટ ચોરી કરી છે, ૧૧ બોગસ કંપની દ્વારા માલ હરિયાણા, રાજસ્થાન દિલ્હી ખાતેની કંપનીમાં વેચી હોવાનું ફક્ત પેપર પર દર્શાવ્યું છે, ૧૧ કંપનીઓની તપાસ કરતા તે જગ્યાએ કોઇ જ માલીકો પણ મળી આવ્યા નથી, આરોપીઓએ વેટ ચોરીનું સુઆયોજીત કાવરતું રચ્યું હતું. હવે ટોટલ વેટ ચોરીનો આંક ૭૪૮ કરોડ પર પહોંચી ગયો છે જે પૈકી ૧૩૭ કરોડ કંપનીએ ભર્યા છે અને હજુ ૬૧૧ કરોડ બાકી છે ત્યારે આરોપીઓને જામીન ન આપવા જોઇએ.