ગેહલૌત દંપતી ‘અબતક’ના મોંઘેરા મહેમાન
‘અબતક’ના પ્રજાલક્ષી અભિગમને વખાણ્યાં
રાજકોટવાસીઓ સ્માર્ટ બને એટલે સિટી આપોઆપ સ્માર્ટ બની જશે, અહીં નોકરી કરવાનો આનંદ જ અલગ
જેમનું નામ સાંભળતા જ ગુન્હેગારોને પરસેવો વળવા માંડે છે અને ડરથી પણ થર-થર ધ્રુજવા લાગે છે તેવા રાજકોટના જાંબાઝ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌત તેઓના ધર્મપત્ની સંધ્યાબેન ગેહલૌત સાથે ‘અબતક’ મીડિયા હાઉસના મોંઘેરા મહેમાન બન્યા હતા.
‘અબતક’ની શુભેચ્છા મુલાકાત દરમિયાન તેઓએ પોતાના બાળપણથી લઈ અત્યાર સુધીથી અંતરંગ વાતો કરી હતી. બાળપણ કેવુ રહ્યું, આઈપીએસ કેમ બન્યા, હાલ કેવી રીતે ફરજ અદા કરી રહ્યા છે. સીએમના હોમ ટાઉનમાં નોકરી દરમિયાન કેવી રીતે એલર્ટ રહી કામ કરવુ પડે છે. તે અંગે વિસ્તૃત અને ખુલ્લા મને ચર્ચા કરી હતી.
રાજકોટને સ્માર્ટ સિટી બનવા વાસ્તવમાં હજી શું કરવાની આવશ્યકતા છે. રાજકોટવાસીઓ મનભરીને જીંદગીને જીવે છે. આ શહેર ખરેખર રંગીલું છે તેવું જણાવ્યું હતું. ‘અબતક’ના મેનેજીંગ એડિટર સતિષકુમાર મહેતા અને સ્ટાફ પરિવાર સાથે પોતાની કારકિર્દીના યાદગાર અનુભવો પણ શેર કર્યા હતા.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌતે કાયદો અને વ્યવસ્થા વચ્ચેનો તફાવત સમજાવતા જણાવ્યું હતુ કે, કાયદો અને વ્યવસ્થા શું છે તે ઓછા લોકોને ખબર હોય છે. વ્યવસ્થા એટલે સામાજીક વ્યવસ્થા થાય છે. સમાજની વ્યવસ્થા બરાબર રીતે જળવાઈ રહે તે જવાબદારી પણ પોલીસની હોય છે. સામાજીક સમસ્યાઓ સાથે પોલીસને સીધો સંબંધ છે. ઉદાહરણ તરીકે પાણીનું વિતરણ ન થયું જેના કારણે સમાજને તકલીફ ઉભી થઈ ત્યારે આ સમસ્યાને લઈને વિરોધ દર્શાવવા લોકો રોડ ચકકાજામ કરે તો તે પ્રશ્ન સીધો પોલીસ પાસે આવી જાય છે.
કોઈ પણ પ્રશ્ન હોય તેમાં પોલીસનો મહત્વનો રોલ હોય છે. પોલીસે તમામ સરકારી વિભાગો સાથે સંકલન કરીને ચાલવાનું હોય છે. ઘણી વખત પોલીસ અધિકારીઓ કહેતા હોય છે કે સર આ આપણા ખાતાનું કામ નથી અન્ય વિભાગનું છે.ત્યારે હું કહુ છુ કે કોઈ પણ વિભાગને લગતો પ્રશ્ન હોય તેનું નિરાકરણ નંહી આવે તો તે પ્રશ્ન છેલ્લે પોલીસ વિભાગ પાસે જ આવશે. જેથી આપણી પાસે પ્રશ્ન આવે તે પૂર્વે જ તેનું નિરાકરણ થઈ જાયતેવા બનતા પ્રયાસો કરવા જોઈએ.
શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલૌત ખોટી અરજીઓ વિશે કહ્યું હતુ કે ખોટી અરજીઓ બ્લેક લીસ્ટ કરવાનો સરકારનો આદેશ હતો બાદમાં સરકારે તમામ અરજીઓની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. કોઈ પણ અરજદાર એક અરજી કરીને અનેક જગ્યાએ નકલ રવાના કરે છે.
નકલ રવાના થયેલી જગ્યાએથી અમારે ત્યાં અરજીનો પ્રત્યુતર માંગવામાં આવે છે. અમે તેઓને અરજીનો પ્રત્યુતર પણ આપીએ છીએ. આ પ્રોસેસમાં સમય, સ્ટેશનરી, અને શ્રમનો પુષ્કળ વપરાશ થાય છે. જેથી લોકોને અપીલ છે કે સાચી રજૂઆત જ કરવી જેથી પોલીસ પોતાનો સમય અન્ય સાચા લોકોની સમસ્યા નિવારવામાં વાપરી શકે.
અનુપમસિંહ ગેહલૌતે તેમના બાળપણ વિશે કહ્યું કે તેઓ નશીબદાર છે કે, તેઓનું બાળપણ ખૂબ યાદગાર રીતે વિત્યું છે. ગંગાનદીનાં કિનારે તેઓનું ઘર હોવાથી દર વખતે તેઓ કુંભ મેળાનો લાભ લેતા હતા. મહોલ્લામાં એક સરખી ઉંમરનાં ૫૦ થી ૬૦ બાળકોની ગેંગ હતી તે સમયમાં સદનશીબે ટીવી, મોબાઈલની માયાજાળ ન હતી. જેથી બપોરનાં સમયે કંચા ત્યારબાદ નાગોલ જેવી રમતો રમતા હતા.
ઘરની નજીક આવેલ પ્રયાગ રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ ગેંગ માટે ક્રિકેટ રમવાનું ફેવરીટ સ્થળ હતુ. ઉપરાંત ટ્રેનનાં ડ્રાઈવરને પાન અને ચા બતાવતા એટલે તે ટ્રેન રોકી દેતા અને અમને દૂર સુધી ટ્રેનની ચકકર મરાવતા હતા.
આગળની પેઢીના લોકો જે ક્ષેત્રમાં આજે છે. તે સેલ્ફ મેડ છે.તેઓ પોતાની ક્ષમતાએ આગળ આવેલા છે. જયારે આજની પેઢીમાં એ ગુણ ઓછા થતા જોવા મળે છે.
વધુમાં અનુપમસિંહે તેના અભ્યાસ વિશે જણાવ્યું કે તેઓ બાળપણથી જ કલાસ ફર્સ્ટ રહેતા હતા. એન્જિનીયરીંગમાં પ્રવેશ મેળવ્યો ત્યારે બીજા વર્ષથી જ યુપીએસસીની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તેઓના નજીકનાં મિત્રોનું ગ્રુપ હતુ. જે આખુ ગ્રુપ આઈપીએસ બનવાનું સ્વપ્ન સેવતું હતુ બધા નામની આગળ આઈપીએસ લખતા હતા. સખત મહેનત બાદ ગ્રુપના ૨૭ મિત્રોએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી. બાદમાં તેઓ એક સાથે બસમાં મૈસુરી ટ્રેનીંગમાં ગયા હતા.
અનુપમસિંહે ટીમ વર્ક વિશે કહ્યું કે પોલીસ ખાતામાં ટીમ વર્ક સાથે ડેરીંગ ખૂબ જરૂરી છે. લો એન્ડ ઓર્ડરની સ્થિતિમા હજારોનાં ટોળા સામે માત્ર ૧૫ થી ૨૦ પોલીસ કર્મીઓ હોય તો તેઓએ ટીમવર્કથી કામ કરી પરિસ્થિતિને કાબુમાં લેવાની હોય છે. આવા સમયે પોલીસે ડેરીંગ પણ રાખવાનું હોય છે. હજારોના ટોળા સામે મકકમતાથી ઉભુ રહેવાનું હોય છે. આ ઉપરાંત અધિકારીઓ વચ્ચે અન્ડર સ્ટેન્ડીંગ અને કોમ્યુનિકેશન પણ મજબુત હોવું જોઈએ.
ઘણી વખત ઉપરી અધિકારી દ્વારા તમે જોઈ લેજો એટલો જ આદેશ આપવામાં આવે છે. ત્યારે જો અન્ડર સ્ટેન્ડીંગ સ્ટ્રોંગ હોય તો નીચેના અધિકારી ઉપરી અધિકારીનો હેતુ શું છે તે બરાબર સમજી જાય છે. અને તે રીતે જ પરિસ્થિતિ સામે પગલા લે છે. જો નિચેના અધિકારી સમજવામાં ભૂલ કરે અને અનઈચ્છનીય પગલા લઈ બેસે તો તેના માટે જવાબદાર ઉપરી અધિકારી જ રહે છે.
હાલ રાજકોટ પોલીસમાં મોટાભાગની ટીમ નવી છે. ૪૨ પ્રોબેશનલ પીએસઆઈ ૨૭ પ્રમોશન મેળવેલ પીએસઆઈ નવા છે. માત્ર ૧૦ થી ૧૨ પીએસઆઈ જુના છે. ત્યારે એ રીતે વ્યવસ્થા ગોઠવવી અનિવાર્ય બને છે કે નવા અધિકારી શીખે સાથે કોઈ નુકશાન પણ સર્જાય નહિ.
રંગીલા રાજકોટના લોકોની વાત કરતા અનુપમસિંહ ગેહલૌતે જણાવ્યું હતુ કે મે અનેક શહેરોમાં નોકરી કરી પણ રાજકોટ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો રમત ગમતના કાર્યક્રમો તેમજ અહીના ટ્રસ્ટ, શાળાઓ, સંસ્થાઓ બધા કાર્યરત રહે છે. ખરેખરી તો જે કામ કરતા એન.જી.ઓ ગરીબ વિસ્તારમાં કાર્યરત કરતા જોવા મળ્યા છે. અહીના લોકોને જોયને ખબર પડે છે રાજકોટવાસીઓ પાસેથી જાણવા લાયક ઘણુ બધુ છે.
સ્માર્ટ સીટીની વાત કરતા અનુપમસિંહ ગેહલૌતે જણાવ્યું હતુ કે માત્ર રોડ રસ્તા કે અન્ય સુવિધાથી શહેર સ્માર્ટ નહી બને પરંતુ લોકો જો સ્માર્ટ બનશે તો આપોઆપ શહેર સ્માર્ટ બની જશે. ટુંક સમયમાં જ પાર્કિંગની સમસ્યા હલ થાય તે માટે રાજકોટ શહેરમાં ૪૨ ટ્રાફીક સિંગ્નલો મૂકવામાં આવશે. અને જયા આ સિગ્નલો લાગશે તથા સાથોસાથ સ્પીકર પણ મૂકવામાં આવશે. એટલે કંટ્રોલ રૂમથીજ લોકોને સૂચના આપવામાં આવશે. ભવિષ્યમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ, ૬ લાઈન કોઝ-વે હાઈવે, નવી અધતનન રેલવે તો આગામી પાંચ વર્ષમાં સ્માર્ટ રાજકોટ બની જશે.
પોતાના શોખને બતાવતા અનુપમસિંહ ગેહલૌતે જણાવ્યું હતુ કે નાનપણથી મને જંગલમાં ફરવું અને પહાડ પર ચડવું અને ફોટોગ્રાફીનો પણ ખૂબજ રસ છે. તમામ પ્રકારની રમતો રમવાનો મને ખૂબજ શોખ છે. મને એક પણ કૂટેવ નથી જમવા બાબતે હું ચલાવતો નથી આખો દિવસ ઓફીસ પર જ વિતાવવાનો હોય છે. બપોરે જમવાનું પણ ઓફીસે જ આવે છે.
પોતાની યાદગાર પળને બતાવતા અનુપમસિંહ ગેહલૌતે જણાવ્યું હતુ કે, ૧૯ વર્ષક સર્વીસ પૂરી કરી રાજકોટ આવવાનું થયું ત્યારે રાજકોટવાસીઓને જોઈને લાગ્યું કે જીંદગીની સારી રીતે તો રાજકોટના લોકો જ જીવે છે. બીજી વાતમાં રાજકોટમાં શરૂઆતથીજ એક ચેલેન્જ રહી છે. ટીમ વર્કની પૂરી મહેનતથી ખૂબજ સફળતા મળી છે. સ્ટોન કીલરના બનાવ ઘણા ફોન આવતા, લોકો બહાર જતા પણ ડરતા હતા.
સ્ટોનકિલરને પકડવા માટે મે અને પોલીસ સ્ટાફે ભગવાન પાસે મનત માગી હતી. અને ધણાખરા કેસોમાં પણ ભગવાનની મદદથી પણ આરોપી પકડાઈ જતા હોય છે.એવા સમયમાં બધા જ પોલીસ કર્મીઓ ટેન્શનમાં હતા પરંતુ અહીના લોકોનો ભરોસો અને પોલીસ ટીમની મહેનતથી અમે સ્ટોન કીલરને પકડવામાં સફળ રહ્યા સ્ટોન કિલરને પકડવાનો બધો જ જશ રાજકોટ શહેર પોલીસને જાય છે.
પોતાના પુત્ર વિશે વાત કરતા અનુપમસિંહ ગેહલૌતે જણાવ્યું હતુ કે મોટો પુત્ર હાલ ઈજનેરમાં આગળ વધી રહ્યો છે. જોકે, બંને પુત્રની ઈચ્છા આઈપીએસ ઓફીસર બનવાની જ છે. અને મારા બંને પુત્રને જેમાં પણ આગળ વધવું હશે તેમાં જવા પૂરેપૂરી છૂટછાટ આપી છે.
‘અબતક’ની મુલાકાત દરમિયાન પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલૌત સાથે આવેલા તેમના ધર્મપત્ની સંધ્યાબેન ગેહલૌતે જણાવ્યું હતુ કે, ‘અબતક’ની મુલાકાતે જવાનું સાંભળીને જ હું ઉત્સાહીત થઈ ગઈ હતી. સામાન્ય રીતે રીપોર્ટર સાથે મુલાકાત થતી હોય છે. આજે સાથે આવવાનો મોકો મળ્યો ખુબજ સારૂ લાગ્યું,.
અનુપમસિંહ જન્મદિવસ ઘણીવાર ભૂલી જતા હોય છે. પણ મેરેજ એનીવરસરીની શુભેચ્છા આપવાનું કયારેય ભૂલતા નથી.મારા પિતા પણ પોલીસ અધિકારી જ હતા તો ત્યારે મનમાં એજ વિચાર હતો કે દોડાદોડીવાળા જીંદગીમાં આગળ નથી વધવું પરંતુ લગ્ન પછી બધુ અલગ જ બન્યું જે વિચારો પહેલા હતા. તેમાં ફેરફાર થયો. જે રીતે લોકો પોલીસમેન વિશે વિચારતા હોય તેનાથી અલગ જ છે. પોલીસ ખૂબજ મહેનતું હોય છે.પોલીસ અધિકારીઓના પરિવારોને ઘણી વખત રજા પર ગયા હોય અને તુરંત જ પરત આવવું પડતુ હોય છે. ઘણી વખત ફલાઈટ લેન્ડ થયા બાદ તુરંત રીટર્ન ફલાઈટમાં આવવું પડતુ હોય છે.
સ્ત્રી સશકિતકરણની વાત કરતા સંધ્યાબેન ગેહલોતે જણાવ્યું હતુ કે સ્ત્રી આજે બધી જ વાતમાં આગળ છે. પુરૂષ ફીઝીકલી મજબુત છે. જયારે સ્ત્રી મનથી મજબુત છે.રંગીલા રાજકોટવાસીઓની વાત કરતા સંધ્યાબેન ગેહલૌતે જણાવ્યું હતુ કે, રાજકોટનું નામ જ રંગીલું છે કંઈક ને કંઈક અલગ અહી થતુ રહે છે.અહીના લોકો મન મૂકીને જીંદગી જીવી રહ્યા છે. ખાસ તો, જન્માષ્ટમીમાં શાળાઓમાં ૮ દિવસની રજામા બાળકો ખૂબજ મજા કરે છે.
ખાસ, વાત રાજકોટની એ જ છે કે એટલુ મોટુ શહેર છે કે તમામ વસ્તુઓ અહીથી મળી જશે. ઉપરાંત નાનુ શહેર પણ કહી શકાય કેમકે કોઈપણ ખૂણે જવું હોય તો જલ્દીથી પહોચી શકાય જયારે બીજા શહેરોમાં આ વસ્તુ શકય નથી. અને બીજી વસ્તુ રાજકોટ વાસીઓમાં ફાવશે, દોડશે અને ગમશે છે. રાજકોટના લોકો બધુ પરિસ્થિતિને આધીન બધુ કરી લેતા જોવા મળે છે.
લગ્નકાળના દિવસો યાદ કરતા સંધ્યાબેન ગેહલૌતે જણાવ્યું હતુ કે, જયારે અમારા લગ્ન નકકી થયા બાદ થોડા દિવસ અનુપમથી મને ખૂબજ ડર લાગતો જયારે એ વાત કરતા ત્યારે મનથી થતુ કે ખૂબજ સારો સ્વભાવ છે. અત્યાર સુધી આ જ સ્વભાવ રહ્યો છે.
‘ગંગાજલ’ મારી ફેવરિટ ફિલ્મ: ગેહલૌત
‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાતે આવેલા રાજકોટના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌતે જણાવ્યું હતું કે, પોલીસ પર અનેક ફિલ્મો બની છે. ૧૦ ટકા ફિલ્મને બાદ કરવામાં આવે તો ૯૦ ટકા ફિલ્મોમાં પોલીસને ઈમાનદાર બતાવવામાં આવ્યા છે. પોલીસ પર અત્યાર સુધીમાં જેટલી ફિલ્મ બની છે તેમાં મારી સૌથી ફેવરિટ ફિલ્મ ગંગાજલ છે. કારણકે આ ફિલ્મમાં ખૂદ પ્રજા પોલીસને મદદ કરે છે અને કોઈ ખોટુ કામ કરતું હોય તો તેને શબક શિખવાડવા ઈચ્છે છે. જો ખરેખર જનતા પોલીસનો સાથ આપે તો પોલીસની અડધો અડધ કામગીરી આસાન થઈ જાય.
બંને પુત્રો આઈપીએસ બનવા ઈચ્છે છે
પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના બંને પુત્રોપિતાની માફક આઈપીએસ બની દેશની સેવા કરવા માંગે છે. જોકે બંને પુત્રોને પોતાની રિતે કારકીર્દી પસંદ કરવા માટે ગેહલૌત દંપતીએ પૂરી આઝાદી આપી છે. કોઈપણ પ્રકારનું દબાણ તેઓના પર કરવામાં આવતું નથી અનુપમસિંહ ગેહલૌત પોતે એન્જિનીયરનો અભ્યાસ કર્યો હતો. દરમિયાન જયારે તેઓની ટ્રેનીંગ ચાલતી હતી ત્યારે જ આઈપીએસ તરીકે સિલેકટ થયા હતા તેઓના બંને પુત્રો પણ પિતાના રસ્તે ચાલી રહ્યા છે.
કાર્યક્રમ ગમે તે હોય ‘અબતક’ની હાજરી અચૂક હોય: પોલીસ કમિશનર
પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલૌતે જણાવ્યું હતુ કે, રાજકોટ શહેરમાં કોઈપણ સરકારી કાર્યક્રમ હોય, સામાજીક કાર્યક્રમ હોય કે પછી ધાર્મિક કાર્યક્રમ હોય ‘અબતક’ના પ્રતિનિધિની હાજરી ત્યાં અચૂક હોય જ છે. કોઈ કાર્યક્રમમાં
એક માત્ર રિપોર્ટર હાજર હોય તો તે ‘અબતક’ નો છે જે ખરેખર ખૂબજ સારી બાબત છે. તેઓના ધર્મપત્નીએ પણ આ વાતમાં સુર પૂરાવ્યો હતો અને કહ્યુંં હતુ કે સાચી વાત છે અત્યાર સુધી મેં જેટલા કાર્યક્રમોમાં હાજરી આપી ત્યાં અચૂક ‘અબતક’ હાજર જ હોય છે. ‘અબતક’ના પ્રજાલક્ષી અભિગમને ગેહલૌત દંપતિએ વખાણ્યો હતો અને આસમાની પ્રગતિની શુભેચ્છા પાઠવી હતી.
સીએમ હોમ ટાઉનમાં કામ કરવાનું પ્રેશર નહીં, અઢળક બેનીફીટ મળ્યાં
મુખ્યમંત્રીના હોમ ટાઉનમાં જયારે તમે ફરજ બજાવતા હોય ત્યારે થોડુ વધારે એલર્ટ રહેવું પડે છે. તે વાત સાચી હોય છે. પરંતુ મને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હોમટાઉન એટલેકે રાજકોટમાં કામ કરવામાં કોઈપણ પ્રકારનાં પોલીટીકલી પ્રેશરનો સામનો કરવો પડતો નથી. એટલું જ નહી અઢળક બેનીફીટ મળ્યા છે. રાજકોટની વસતી ૧૮ લાખ આંબી ગઈ છે. છતા પોલીસમાં હજી ૧૯૮૧નું મહેકમ ચાલતુ હતુ દરમિયાન નવા મહેકમ માટે રાજય સરકારમાં દરખાસ્ત મૂકવામાં આતા તે ફટાફટ મંજૂર થઈ ગઈ શહેરમાં નવા બે ડીસીપી પણ મૂકાયા છે. અને અલગ અલગ સ્થળે પોલીસ સ્ટેશન બનાવવા રાજય સરકાર દ્વારા જમીન પણ ફાળવી દેવામાં આવી છે. રાજકોટ પોલીસની એકપણ દરખાસ્ત હાલ રાજય સરકારમાં પેન્ડિંગ નથી જે સીએમના હોમ ટાઉનમાં કામ કરવાનો સૌથી મોટો બેનીફીટ છે.
બાળપણમાં ખૂબ જ મોજ કરી
મારૂ બાળપણ ખૂબજ મોજીલુ રહ્યું હતુ અત્યારની જેમ મોબાઈલ, ટીવી કે ઈન્ડોર ગેઈમમાં બાળપણ નથી વિત્યુ. બાળપણમાં અમે દશ-બાર કલાક બહાર રખડતા હતા અને રમતાહતા. નારગોલ, લખોટી, સહિતની રમતો રમતા હતા કોઈના ઘેર બાંધકામ ચાલતુ હાય તો રેતી પણ ખૂંદતા હતા. અત્યારે બાળક એક પગથીયા પરથી કુદકો મારે તો માતા પિતા ઈન્કાર કરે છે. અમે બીજા માળેથી રેતીમાં કૂદતા હતા. મોજથી જીવતા હતા. અભ્યાસમાં હું પહેલીથી ખૂબજ હોંશિયાર હતો. આઈપીએસ બનવા માટે દિવસમાં સતત ૧૩ કલાક મહેનત કરી છે.
સ્વાદીષ્ટ ભોજન મારી સૌથી મોટી નબળાય: સી.પી.
આમ તો મને એક પણ પ્રકારનું વ્યસન નથી. પરંતુ સ્વાદીષ્ટ રસોઈ મારી સૌથી મોટી નબળાય છે. અલગ અલગ વ્યંજનો ખાવા મારો શોખ છે. કયારેક ઘેર ખિચડી જેવી સાદી રસોઈ બનાવે તો હું કહું છું કે આ શું નોકરિયાત માણસો માટેનું ભોજન બનાવ્યું છે. મને ખૂદને પણ સારૂ ભોજન બનાવતા આવડે છે. ક્રિકેટ, ફૂટબોલ, બેડમિન્ટન, કેરમ સહિતની કોઈપણ પ્રકારની રમતો હું રમુ છું છેલ્લા થોડા સમયથી કામની વ્યવસ્તતાના કારણે કસરત માટે પૂરતો સમય મળતો નથી.
ગેહલૌત દંપતીની ‘કેમેસ્ટ્રી’ ગજબની… કુછ તુમ કહો…કુછ હમ કહે…