- રિક્ષામાં અપહરણ કરી મનહરપુર લઇ જઇ રાતભર મારી મુક્ત કરવાના બદલમાં રૂપિયા 1 લાખની માગણી કરાઇ
- યુનિર્વસિટી પોલીસ ઇક્કો કારમાં એક લાખ આપવા આવ્યાનો સ્વાંગ રચી ત્રણ શખ્સોને ઝડપી લીધા
- પાડોશી શખ્સોએ ચોરીનો આડ મુકી અપહરણ કરી માર માર્યો: અપહરણકારોના નામ છુપાવવા અજાણ્યા શખ્સોએ માર માર્યાની પોલીસ સમક્ષ સ્ટોરી રજુ કરી
ઘંટેશ્વર પાસે 25 વારીયા પ્લોટના બે યુવાન અને શાસ્ત્રીનગરના એક શખ્સ યુવકને રૈયાધાર પાસે પાણીના ટાંકા પાસેથી ચોરીનો આળ મુકી ચાર શખ્સોએ રિક્ષામાં અપહરણ કરી મનહરપુર લઇ જઇ રાતભર બેરહેમીથી માર મારી ત્રણેયને મુક્ત કરવાના બદલામાં એક લાખની માગણી કરતા યુનિર્વસિટી પોલીસે પેમેન્ટ આપવા ઇક્કો કારમાં જઇ ચાર શખ્સો પૈકી ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. ઘવાયેલા ત્રણેય યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઘંટેશ્ર્વર પાસે 25 વારીયા પ્લોટમાં રહેતા બકુલ કેશાભાઇ સોલંકી (ઉ.વ.19), રાહુલ તુલશી દેતાણી (ઉ.વ.18) રામાપીર શાસ્ત્રીનગરમાં રહેતા ચંદ્રેશભાઇ નારવીભાઇ ગૌસ્વામી નામના 40 વર્ષના રિક્ષા ચાલક ગતરાતે રૈયાધાર પર પાણીના ટાંકા પાસે હતા ત્યારે રિક્ષામાં આવેલા ચાર અજાણ્યા શખ્સોએ કામે આવવાનું કહી રિક્ષામાં મનહરપુર લઇ ગયા બાદ ત્રણેય યુવાનને કેમ ચોરી કરી તેમ કહી લાકડીથી માર માર્યો હતો.
રાત આખી માર માર્યો હતો અને એક લાખની માગણી કરી હતી.ચારેય શખ્સોએ બકુલ પાસે તેના જ મોબાઇલમાંથી મનિષા સાથે વાત કરાવી હતી અને એક લાખ મનહરપુર આપી જવા જણાવ્યું હતું. આથી મનિષાબેન પોતાના પાડોશીની મદદથી યુનિર્વસિટી પોલીસ મથકે રાવ કરતા પી.આઇ. એ.બી.જાડેજા સહિતના સ્ટાફ અપહરણકારોને એક લાખ આપવા અંગે વાતચીત કરી ઇક્કો કારમાં ગયા હતા. ત્યારે ઘટના સ્થળે ઉપસ્થિત ચાર અપહરણકારો પૈકી ત્રણને ઝડપી લીધા હતા. એક શખ્સ ભાગી છુટયો હતો. પોલીસે ત્રણેય યુવાનોને મુક્ત કરાવ્યા બાદ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.