નર્સીંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ અને ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા યુવાનના આપઘાતથી પરિવારમાં અરેરાટી
શહેરની ભાગોળે આવેલા ગોંડલ રોડ પરના વાવડીના વ્રજલીલા એપાર્ટમેન્ટમાં પટેલ યુવાને પોતાની જાતે ઇન્જેકશન લગાવી આપઘાત કર્યાનું પોલીસમાં નોંધાયું. નર્સીંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા પટેલ યુવાનના આપઘાતથી પરિવારમાં અરેરાટી સાથે શોક છવાયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વાવડીના વ્રજલીલા એપાર્ટમેન્ટમાં રહેતા અને નર્સીંગનો અભ્યાસ કરતા તેજસ ચંદુભાઇ બાંભોલીયા નામના ૨૩ વર્ષના પટેલ યુવાને પોતાના ફલેટમાં પોતાના ડાબા હાથે ઇન્જેકશન લગાવી આપઘાત કર્યાનું તાલુકા પોલીસમાં નોંધાતા પી.એસ.આઇ. એસ.આર.સોલંકી અને રાઇટર ફિરોજભાઇ સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.મૃતક તેજસ બાંભોલીયાના મોટા ભાઇ મિતેશ અને તેની પત્ની સાથે કાલાવડના મોટા ભાડુકીયા ગામે વતનમાં આટો દેવા ગયા હતા અને સાંજે પરત આવ્યા ત્યારે તેજસ બાંભોલીયા બેડ‚મમાં પલંગ પર બેભાન હાલતમાં પડયો હતો અને બાજુમાં ઇન્જેકશન મળી આવ્યા હતા. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો ત્યારે ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યાનું જાહેર કર્યુ હતું. તેજસ નસીંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને સીનર્જી હોસ્પિટલમાં નોકરી કરતો હતો અને નર્સીગના અભ્યાસ બાકી હોવાથી સર્ટી મળ્યું ન હોવાથી છેલ્લા ઘણા સમયથી નર્વસ રહેતો હોવાનું મિતેશ બાંભોલીયાએ જણાવ્યું હતું. આમ છતાં તેના આપઘાત અંગે તાલુકા પોલીસે વિશેષ તપાસ હાથધરી ઇન્જેકશનમાં કયાં પ્રકારની દવા હતી તે અંગેની માહિતી મેળવવા પેનલ તબીબ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. દવા કયાંથી ખરીદ કરી તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.