વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસના સંક્રમણ ને ભારતમાં ફેલાતું અટકાવવા અગમચેતીનાં પગલા રૂપે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનનાં કારણે ભારતમાં વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં કોરોનાથી ઓછા સંક્રમણ સાથે માનવ મૃત્યુ ઓછું થવા પામ્યુ હતું. પરંતુ વિશાળ વિસ્તારનાં કારણે દેશભરમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન બહાર આવતા રહે છે. જેથી કેન્દ્ર સરકારને લોકડાઉનના સમયગાળામાં સતત ચોથી વખત વધારો કરવો પડયો છે. વધતા લોકડાઉનના સમયગાળાના કારણે પહેલેથી મંદ પડેલા દેશના અર્થતંત્રને ભારે નુકશાની વેઠવી પડી રહી છે. જેથી કેન્દ્ર સરકારે માંદગીના બિછાને પડેલા અર્થતંત્રને ધબકતુ કરવા વિસ્તાર પહેલા શહેરથી બહારનાં અને હાલમાં શહેરના ઔદ્યોગિક એકમોને અમુક શરતોને આધીન ફરીથી પ્રારંભ કરવાની મંજૂરી આપી છે.
આ મંજૂરીના પગલે સૌરાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસમાં પાયો નાખનારા રાજકોટના ભક્તિનગર ઔદ્યોગિક વસાહતના મોટાભાગના ઔદ્યોગિક એકમો ધમધમવા લાગ્યા છે.ઉપરાંત, શહેરની સૌપ્રથમ જી.આઇ.ડી.સી. આજી જી.આઇ.ડી.સી. ઉપરાંત વાવડી, કોઠારીયા સહિતના ઔદ્યોગિક ઝોનના મોટાભાગના ઉધોગોનો ફરીથી પ્રારંભ થયો છે. પરંતુ આ ઉદ્યોગોને પર પ્રાંતિય મજૂરોની વતન તરફની હિજરત, અપૂરતી ટ્રાન્સપોર્ટ સુવિધા સહિત અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જેની અબતકની ટીમ દ્વારા આ ઔદ્યોગિક ઝોનનું ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટીંગ કરીને સ્થિતિનો કયાસ મેળવ્યો હતો.
નિયત કર્મચારી મર્યાદામાં કાર્ય કરવું પ્રથમ પડકાર પરંતુ ઓટોમેશન તરફ વળવાની સુવર્ણ તક: ફાલ્કન પંપ પ્રા.લી.
ઔદ્યોગિક એકમોની વાત કરીએ ત્યારે કૃષિ ક્ષેત્ર સાથે સંલગ્ન ઉદ્યોગોની પરિસ્થિતિ વિશે વાત કરવી આવશ્યક છે ત્યારે રાજકોટના વાવડી ઔદ્યોગિક વસાહત ખાતે આવેલા ફાલ્કન પંપ પ્રા. લી. કે જે કૃષિ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતાં પંપના ઉત્પાદન સાથે સંકળાયેલા છે અને તેની સાથે ડોમેસ્ટિક સબમર્શિબલ પંપ તેમજ ઇન્ડસ્ટ્રીયલ પંપનું પણ ઉત્પાદન કરે છે તેની મુલાકાત અબતકની ટીમ દ્વારા લેવામાં આવી હતી.
જેમાં એકમના ડિરેકટર ધીરજભાઈ સુવાગિયાએ જણાવ્યું હતું કે લોક ડાઉન પૂર્વે અમારા ક્ષેત્રના ઉદ્યોગો ધમધમતા હતા પરંતુ જ્યારે ફરીવાર આંશિક છૂટછાટ આપી ઉદ્યોગોને ધમધમતા કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે ત્યારે નિયત સમય મર્યાદા અને નિયત કર્મચારી મર્યાદ્દામાં અમારે કામ કરવાનું છે જે પ્રથમ અમારા માટે પડકારજનક હતું પરંતુ હાલ મને કહેતા ખૂબ આનંદ થાય છે કે નિયત કર્મચારી મર્યાદામાં પણ અમે અગાઉ જેટલું જ પ્રોડક્શન કરવા સક્ષમ છીએ. કર્મચારીવર્ગ પણ હાલ ઉત્સાહભેર કાર્યાન્વિત છે જેથી અમારા એકમ પાસે હાલ બે મહિના સુધી કોઈ પણ સમસ્યા નહીં આવે તેવી મને શ્રદ્ધા છે. તેમણે વધુમાં જણાવતાં કહ્યું હતું કે હાલ જે રીતે ઓછા કર્મચારીવર્ગમાં સૌએ કામ કરવાનું છે તો ઉદ્યોગકારોએ હાલ ઓટોમેશન તરફ વળવાની જરૂરિયાત છે કેમકે બની શકે છે કે આગામી દિવસોમાં કર્મચારીઓની ઘટ્ટ રહી શકે છે તો જો ઓટોમેશન તરફ વળી જઈએ તો પ્રોડક્શનમાં કોઈ વધુ સમસ્યા સર્જાશે નહીં. તેમણે પડકારો વિશે જણાવતાં કહ્યું હતું કે હાલ તમામ ઉદ્યોગોમાં મુખ્યત્વે શ્રમિકોની સમસ્યા છે કેમકે તેઓ હાલ વતન તરફ હિજરત કરી રહ્યા છે તેથી તમામ શ્રમિકોને અપીલ કરું છું કે તમે વતનનો મોહ રાખશો નહીં, કર્મભૂમિ આપને રોજી રોટી આપી રહ્યું છે તો આપ અહીં જ રહી કામ કરો જેથી આપને પણ આર્થિક ભીંસ ના સર્જાય. તેમણે અંતે જણાવ્યું હતું કે હાલ સરકાર દ્વારા જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તે ખૂબ જ સરાહનીય પગલું છે અને ખાસ તમામ પ્રકારના ઉદ્યોગોને ધમધમતા કરવામાં આ પગલું ખૂબ જ હકારાત્મક પુરવાર થશે.
સ્થાનિક ઉદ્યોગકારો માટે વૈશ્વિક સ્તરે છવાઈ જવાની સોનેરી તક: કિચ આર્કિટેક્ચરલ પ્રોડકટ પ્રા.લી.
ઉદ્યોગોની કલ આજ ઔર કલની પરિસ્થિતિ વિશે કિચ આર્કિટેક્ચરલ પ્રોડકટ પ્રા.લી.ના ડાયરેકટર નીતિનભાઈ હાપાણીએ જણાવ્યું હતું કે લોક ડાઉન દરમિયાન જ્યોતિ સીએનસી દ્વારા વેન્ટિલેટરના ઉત્પાદનની શરૂઆત કરવામાં આવી ત્યારે તેમાં અનેકવિધ નાના પાર્ટ્સની જરૂરિયાત રહેતી હોય છે તો તેમાં અમે પણ મદદરૂપ થઈ રહ્યા છીએ જેના કારણે અમારૂ એકમ કાર્યરત હતું પરંતુ હવે જે છૂટછાટ આપવામાં આવી છે ત્યારે તમામ વિભાગની શરૂઆત થઈ છે. હાલ મુખ્ય પ્રશ્ન કર્મચારીવર્ગનો છે કેમકે તમામ શ્રમિકો હાલ વતન તરફ દોટ મૂકી રહ્યા છે. જેના કારણે શ્રમિકોની ઘટ્ટ ઉભી થઈ છે. તે ઉપરાંત હાલ રો મટીરીયલની સ્થિતિ પણ નબળી છે કેમકે આંતર રાજ્ય પરિવહનમાં પણ અનેકવિધ સમસ્યાઓ રહેલી છે જેના કારણે રો મટીરીયલની ઉપલબ્ધતા પણ પડકારો રહેલા છે. તેમણે કહ્યું હતું કે કોઈ પણ ઉદ્યોગમાં ડિસ્ટ્રીબ્યુશન ચેઇન અગત્યની હોય છે પરંતુ અમારા અમુક સબવેન્ડર ચાલુ છે અને અમુક બંધ હાલતમાં છે જેના કારણે સપ્લાયને પણ મુસીબતનો સામનો કરવો પડે છે.
તેમણે વધુમાં ઉમેરતા કહ્યું હતું કે અમે નિકાસ સાથે જોડાયેલા છીએ પરંતુ આલ આંતરરાષ્ટ્રીય પરિવહન પણ બંધ હાલતમાં છે જેના કારણે નિકાસ પણ કરી શકાતી નથી. તેમણે અન્ય પડકારો વિશે જણાવ્યું હતું કે હાલ જે રીતે નિયત સમય મર્યાદા કામ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે તેનો અમે કોઈ પણ વિરોધ નથી કરી રહ્યા પરંતુ તેના કારણે પણ અમને સમસ્યાઓ થઈ રહી છે. ભારત ચીનનો વિકલ્પ બનશે કે કેમ તે અંગે તેમણે જણાવતાં કહ્યું હતું કે ચોક્કસ ચાઇનાએ વિશ્વસનીયતા ગુમાવી છે જેનો નિકાસ ક્ષેત્રે ફાયદો ભારતીય ઉદ્યોગકારોને મળનાર છે પરંતુ સ્થાનિક ઉદ્યોગકારોએ ઝડપભેર વૈશ્વિક સ્તરે છવાઈ જવું પડશે કેમકે મારા મત મુજબ જેવી રીતે ફક્ત ૨૦ વર્ષમાં ચાઈનાએ સમગ્ર વિશ્વને પછાડી દીધું છે તો બની શકે છે કે ફરીવાર બે કે ત્રણ વર્ષમાં ફરીવાર ચાઈના બેઠું થઈ જાય તો ઉદ્યોગકારોએ વ્યવસ્થિત પ્લાનિંગ કરી વિરાટ કદમો ભરવા પડશે.
રાહત પેકેજમાંથી સરકાર શ્રમિકોનો ૫૦ ટકા પગાર આપે: પરેશભાઈ વાસાણી
રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશનના પ્રમુખ પરેશભાઈ વાસાણીએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં મુખ્યત્વે નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો આવેલા છે. લોકડાઉનમાં એકાએક બંધ કરીદેવાની આ ઉદ્યોગો ચલાવતા ઉદ્યોગકારોની હાલત મુશ્કે બની હતી પર દિવસ સુધી ઉદ્યોગો સદંતર બંધ રહેવાના કારણે રાજકોટના ઉદ્યોગોને કરોડો રૂા.નું નુકશાન થવા પામ્યું છે. લોકડાઉન દરમ્યાન ઉદ્યોગકારોએ શ્રમિકોને પગાર પણ ચૂકવ્યા છે. હાલમાં સરકારની છૂટથી ઉદ્યોગો થોડાઘણા અંશે કાર્યરત થઈ શકશે. લોકડાઉન દરમ્યાન બંધ હોવા છતાં ઉદ્યોગકારોએ શ્રમિકોને જે પગાર ચૂકવ્યા છે તેમાં ૫૦ ટકા પોતાનો હિસ્સો આપે તો સારી વ્યવસ્થા થઈ શકે તેમ છે. સરકારે ૩ લાખ કરોડ રૂા.ના જે પેકેટ જાહેર કર્યું છે તેમાંથી આ રકમ ફાળવે તો ઉદ્યોગ જગતને લાભ થશે. હાલમાં પ્રોડકશન ખૂબજ ઓછું છે. સપ્લાય ઓછી થવાના કારણે ગ્રાહકો પાસેથી ઉઘરાણી આવતી નથી ઉપરાંત શ્રમિકોને પગાર ચૂકવવા પડે છે. જેથી ઉદ્યોગકારોને ફીકસ ખર્ચા ચાલુ જ છે. જેથી સરકાર રાહત પેકેજમાં આ જોગવાઈ તુરંત કરે તેવી અમારી રજૂઆત છે. સરકારે પહેલા ઉદ્યોગ શરૂ કરવાની મંજૂરી આપી હોય તો પરપ્રાંતીય શ્રમિકો પોતાના વતનમાં ગયા ન હોય હાલમલં તેમને વતનમાં જવાની છૂટ અપાઈ છે. જેથી મોટાભાગના ઉદ્યોગોને મેનપાવરની ભારે મુશ્કેલી પડી રહી છે. ઉદ્યોગોને લોકડાઉન પહેલાની સ્થિતિએ કાર્યરત થતા ત્રણથી છ મહિનાનો સમય લાગશે.
હાલમાં ઉદ્યોગોને નવજીવન મળ્યું પરંતુ ટકવું જરૂરી: કાંતિભાઈ જાવિયા
એડીકો ઈન્ટરનેશનલના પાર્ટનર કાંતીભાઈ જાવિયાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે લોકડાઉન પહેલા ઉદ્યોગો સારી રીતે ચાલતા હતા ગયા હોવાથી ઉદ્યોગો મેનપાવરની ખાધ ઉદભવી છે. પરપ્રાંતીય મજૂરો જે કામ કરતા હતા તે કામ લોકલ મજૂરો કરી શકતા નથી. અત્યારે આ ઉપરાંત સરકાર દ્વારા નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે પેકેજ ફાળવવામાં આવ્યું છે જે અતિ સારી વાત છે. નના ઉદ્યોગકારો ફાયદો થશે જેનાથી ઉદ્યોગોમાં પ્રાણ રેડાશે હાલમાં વિશ્ર્વના અન્ય દેશોમાં પણ કોરોનાના કારણે સ્થિતિ ખરાબ હોય એક સપોર્ટનું કામ ખૂબજ ઓછુ મળે છે. હાલમાં ઉદ્યોગોને નવજીવન મળ્યું છે. તેમાંથી હવે ઉદ્યોગોએ ટકવાનું છે.
માર્ચ એન્ડીંગમાં આવેલા લોકડાઉનના કારણે આર્થિક પ્રશ્નો સર્જાયા: પ્રવિણભાઈ પટેલ
વસંત બ્રાસ વર્કસના પ્રવિણભાઈ પટેલે અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતુ કે લોકડાઉન પહેલા ઉદ્યોગોની સ્થિતિ સારી હતી પરંતુ હાલમાં ખૂલ્યાબાદ રો-મટીરીયલની તંગી પરપ્રાંતીય શ્રમિકો તેમના વતન ગયા છે. જેથી હાલમાં કામગીરી મુશ્કેલ બની છે. ખાસ તો માર્ચ એન્ડીંગના સમયમાં પણ ઘણી મુશ્કેલીઓ આપી છે. ઉઘરાણી અટકી જવાના કારણે ટર્ન ઓવરમાં ભારે મુશ્કેલી છે.
હાલમાં જે ઉત્પાદન થઈ રહ્યું છે તે માલ વેચવાના પ્રશ્ર્નો છે. અને વેચાણ બાદ ઉઘરાણીનો પણ પ્રશ્ર્ન ઉદભવી રહ્યો છે. હાલમાં અમારો ઉદ્યોગ ૫૦ ટકા કરતા ઓછુ કાર્યરત છે. સરકારે પેકેજની જાહેરાત કરી છે. તેના નિયમો આવે પછી જ ખબર પડે કે તેનો અમને કેટલો લાભ મળશે લોકડાઉન પહેલાની સ્થિતિ આવતા ઘણો સમય લાગશે.
સમસ્યાઓને કારણે ઉદ્યોગો સંપૂર્ણપણે કાર્યરત કરવા મુશ્કેલ: રમેશભાઈ ઝાલાવડીયા
રાધિકા હાઈડ્રોલીકસનાં પાર્ટનર રમેશભાઈ ઝાલાવડીયાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે લોકડાઉન પહેલા અમારા ઉદ્યોગોનું કામકાજ ખૂબજ સારૂ ચાલતું હતુ પરંતુ હાલમાં લોકડાઉનમાં છૂટ મળ્યા બાદ વ્યવસાય શરૂ કરવો અતિ મુશ્કેલ બન્યો છે. હાલમાં શ્રમીકો પોતાને વતન જઈ રહ્યા છે. તે પણ મોટો પ્રશ્ર્ન છે.
સરકારનાં રાહત પેકેજમાંથી નાના અને મધ્યમ ઉદ્યોગોને કાંઈક રાહત મળશે તેવી તમામ ઉદ્યોગકારોને આશા છે. હજુ પરિસ્થિતિને થાળે પળતા દિવાળી સુધીનો સમય લાગશે. ખાસ તો શ્રમિકોને ફરી ગુજરાતમાં લાવવાનું પ્લાનીંગ થવું પણ આવશ્યક છે. સરકારના સહકારથી હવે ઉદ્યોગો ધમધમી શકશે.
શ્રમિકો વતન પરત થવા કરતા ઈન્ડસ્ટ્રીઝમાં રહી કામે વળગે તે અત્યંત જરૂરી: હસુભાઈ સોરઠીયા
વાવડી ઈન્ડસ્ટ્રીઝ વસાહત ખાતે યોગી ઈન્ડસ્ટ્રીસના માલિક હસુભાઈ સોરઠીયાએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યુંહતુ કે, શહેરની અંદર અને આસપાસની ઈન્ડસ્ટ્રીઝને સરકાર દ્વારા મંજૂરી મળી ચૂકી છે. ત્યારે ફરી ધમધમવા માટે ઈન્ડસ્ટ્રીઝના શ્રમીકોને વતન પરત થવા કરતા ઈન્ડસ્ટ્રીઝમાં રહીને કામે વળગયું અત્યંત જરૂરી છે. હાલની પરિસ્થિતિ ને જોતા મેનપાવર હવે ખૂબ જરૂરી છે. રોમટીરીયલની જરૂરતો હર હંમેશ રહેશે ઈન્ડસ્ટ્રીઝમાં ત્યારે પરિવહનએ પણ અગત્યની કળી છે. સંપૂર્ણ ઈન્ડસ્ટ્રીઝને શરૂ કરવા વાવડી ઈન્ડસ્ટ્રીઝમાં એસો. બનાવામાં આવ્યું છે. હાલ એક હજાર નાના મોટા ઉદ્યોગકારો એ તેમની ઈન્ડસ્ટ્રીઝનું રજીસ્ટ્રેશન કરાવી ચૂકયા છે.
સરકાર દ્વારા જે દરેક ઉદ્યોગ માટે જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. તે સરાહનીય કામ ગણી શકાય હાલની પરિસ્થિતિ ને જોતા ઈન્ડસ્ટ્રીઝને ખૂબ મોટી રાહત મળી છે. આ નિર્ણયથી દેશભરની ઈન્ડસ્ટ્રીઝને ભવિષ્યમાં ખૂબ મોટો લાભ થઈ શકે છે. હાલ સીઝન પણ શરૂ થઈ ચૂકી છે. જેનો લાભ પણ લય શકાય છે. હાલ બધાજ ઉદ્યોગ એક સમાન થઈ ચૂકયા છે. દરેક ઉદ્યોગ એક બીજાને સહયોગથી આ પરિસ્થિતિમાંથી સરળતાથી પસાર થઈ શકે છે.
સરકાર દ્વારા નાના ઉદ્યોગોને છૂટ મળતા ફરી ઉદ્યોગો ધમધમશે: અતુલભાઈ મણીયાર
અબતક સાથેની વાતચીત દરમિયાન ટોપલેન્ડ એન્જીનીયસ પ્રા..લી.ના વા. પ્રેસીડેન્ટ અતુલભાઈ મણીયાર એ જણાવ્યું હતુ કે અમે ડિઝલ એન્જીન બનાવવાનું કામ કરીએ છીએ. અમારી મલ્ટી પ્રોડકટ કંપની છે. સરકાર દ્વારા ધંધા માટેની છૂટછાટ આપવામાં આવી છે. તે સારી બાબત છે. લોકડાઉન પહેલાની વાત કરૂં તો અમારી કંપની એક સિફટ કમ્પલીટ ચાલતી હતી. અમારા બે પ્લાન્ટ છે. રાજકોટ અને મેટોડા બંને જગ્યાએ બસોથી વધુ લોકો કામ કરતાં અત્યારે પરમીશન આધારીત લોકોને બોલાવવામાં આવે છે.
ડિઝલ એન્જીનના રો-મટીરીયલ લોકલ લેવલથી સપ્લાય થાય છે. ત્યારે હાલ તેમાં પણ થોડા પ્રશ્ર્નો ઉદભવીત થત હોય છે. એક ઉદ્યોગ શરૂ થાય તો તેનાથી ફરક ન પડે બધા જ ઉદ્યોગો સપોર્ટીંગ ઈન્ડસ્ટ્રીઝ શરૂ થતા જ ધંધાને વેગ મળશે. કારણ કે એક ઉદ્યોગની સાથે બીજા ઘણા નાના મોટા ઉદ્યોગો જોડાયેલા હોય જેમકે નના મશીનીંગ કરવા વાળા જોબ વર્કરો નના સપ્લાયરો, કોમ્પોનેન્ટ સપ્લાયરો વગેરે ઈંધણન પૂરજાઓ કમ્પલીટ કરીને પહોચાડે નહી ત્યાં સુધી એસેમ્બલી શકય જ નથી.
કોઈપણ એક યુનીટ બધી જ વસ્તુઓ કરતી હોય તે શકય નથી અત્યારે સરકારે નના ઉદ્યોગોને છૂટ આપી તેથી હવે પહેલાની જેમ ધીમે ધીમે ઉદ્યોગો ધમધમવા માંડશે.
સંપૂર્ણ ઈન્ડસ્ટ્રીઝ કાર્યરત થવા ખૂટતી કડી પરિવહન: રવિરાજ વાઘેલીયા
રાધિકા હાઈડ્રોલીકસનાં પાર્ટનર રમેશભાઈ ઝાલાવડીયાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે લોકડાઉન પહેલા અમારા ઉદ્યોગોનું કામકાજ ખૂબજ સારૂ ચાલતું હતુ પરંતુ હાલમાં લોકડાઉનમાં છૂટ મળ્યા બાદ વ્યવસાય શરૂ કરવો અતિ મુશ્કેલ બન્યો છે. હાલમાં શ્રમીકો પોતાને વતન જઈ રહ્યા છે.
તે પણ મોટો પ્રશ્ર્ન છે. સરકારનાં રાહત પેકેજમાંથી નાના અને મધ્યમ ઉદ્યોગોને કાંઈક રાહત મળશે તેવી તમામ ઉદ્યોગકારોને આશા છે. હજુ પરિસ્થિતિને થાળે પળતા દિવાળી સુધીનો સમય લાગશે. ખાસ તો શ્રમિકોને ફરી ગુજરાતમાં લાવવાનું પ્લાનીંગ થવું પણ આવશ્યક છે. સરકારના સહકારથી હવે ઉદ્યોગો ધમધમી શકશે.