મહિલાના નામે ફેસબુક એકાઉન્ટ બનાવી રૂ.૬ લાખ અને કારની માગણી કરતા મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ: ભચાઉના શખ્સ સામે ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાતો ગુનો
શહેરના નાના મવા સર્કલ પાસે રહેતી ગરાસીયા મહિલાના ફેશબુકના માધ્યમથી પરિચયમાં આવેલા ભચાઉના ગરાસીયા શખ્સે મહિલાનો ફોટો એડીટીંગ કરી મહિલાના નામે ફેશબુક એકાઉન્ટ બનાવી સમાજમાં બદનામ કરવાની ધમકી દઇ રૂ.૫ લાખ પડાવ્યા બાદ વધુ રકમ અને કારની માગણી કરતા કંટાળી મહિલાએ ઘેનના ટિકડા ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યા અંગેનો ભચાઉના શખ્સ સામે ગુનો નોંધાતા ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નાના મવા સર્કલ પાસે રહેતા યુવરાજસિંહ બલભદ્રસિંહ રાણાએ ભચાઉના હરીચંદ્રસિંહ ઉર્ફે હરદીપસિંહ બી વાઘેલા સામે બ્લેક મેઇલીંગ કરી રૂ.૫ લાખ બળજબરીથી પડાવ્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ભચાઉના હરીચંદ્રસિંહ વાઘેલાએ ૧૫ થી ૧૬ વ્યક્તિનું ફેકબુક મેસેજર બનાવ્યું હતું. તેમાં યુવરાજસિંહ રાણાના પત્ની જોડાયા હતા. હરીચંદ્રસિંહ વાઘેલાએ પોતાના પત્ની દિલ્હી ખાતે યુપીએસસીની તૈયારી કરે છે અને તેના માટે રાજપૂત સમાજને શોભે તેવી સાડી અને ચિજવસ્તુની ખરીદી કરવાની છે અને રાજકોટ માટે પોતે અજાણ્યા હોવાનો મેસેજ કર્યો હતો.
હરીચંદ્રસિંહ વાઘેલાએ ગત તા.૫-૬-૧૮ના મોબાઇલમાં વાત કરી પોતે માધાપર ચોકડીએ આવ્યાનું જણાવતા યુવરાજસિંહ રાણાના પત્નીએ પોતાના ઘરનું સરનામું આવતા તે ઘર આવી ગયો હતો અને તેને શહેરમાં રાજપૂત સમાજને શોભે તેવી સાડીઓ સહિતની ચિજવસ્તુ કયાં મળશે તેવી દુકાનના સરનામાં આપ્યા બાદ હરીચંદ્રસિંહ વાઘેલાએ રિક્ષા કયાંથી મળશે તેવું પુછતા તેમને લીફટમાં નીચે મુકવા ગયેલા ગરાસીયા મહિલાના ખંભા પર હાથ રાખી હરીચંદ્રસિંહ વાઘેલાએ પોતાના મોબાઇલમાં સેલ્ફી લીધી હતી.
ગરાસીયા મહિલા સાથેના ફોટાનું હરીચંદ્રસિંહ રાણાએ મહિલાના નામનું ફેશબુક એકાઉન્ટ બનાવ્યું હતું અને બ્લેક મેઇલીંગ કરવાનું શરૂ કરી રૂ.૬ લાખ અને સ્વીફટ કારની માગણી કરી હતી. ફોટા વાયરલ કરવાની ધમકી દેતા યુવરાજસિંહ રાણાએ સમાજના ડરથી હરીચંદ્રસિંહ વાઘેલાના ભચાઉ ખાતેના બેન્ક એકાઉન્ટમાં રૂ.૫ લાખ ટ્રાન્સફર કરાવ્યા હોવા છતાં બ્લેક મેઇલીંગ કરવાનું અને બદનામ કરવાની અવાર નવાર ધમકી દેતા ગરાસીયા મહિલાએ વધુ પડતી ઘેનની ટિકડીઓ ખાઇ લેતા તેણીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે હરીચંદ્રસિંહ વાઘેલા સામે ગુનો નોંધી પી.આઇ. એચ.એમ.ગઢવી અને પી.એસ.આઇ. ડી.પી. ઉનડકટ સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.