વોકળા સફાઈની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સેનિટેશન ચેરમેન અશ્વિન પાંભરનો આદેશ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન અંતર્ગત ચાલી રહેલ વોંકળા સફાઈની કામગીરીનું સેનિટેશન સમિતના ચેરમેન અશ્વિનભાઈ પાંભરે ચેકીંગ કર્યું હતું.
આ વર્ષે ચોમાસાની ઋતુ વહેલી શરૂ થાય તેવા અહેવાલ આવી રહ્યા છે. જેથી ચોમાસા દરમ્યાન જુદા જુદા વિસ્તારોમાં પાણી ન ભરાઈ તે માટે મહાપાલિકા દ્વારા શહેરમાં વોંકળા સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને આજે સેનિટેશન સમિતના ચેરમેન અશ્વિનભાઈ પાંભરે વોંકળા સફાઈની કામગીરીની સ્થળ મુલાકાત લીધી હતી.
સેનિટેશન કમિટીના ચેરમેને જણાવ્યુ હતું કે, શહેરમાં કુલ નાના ૨૯ અને મોટા ૨૩ વોંકળાઓ આવેલા છે. જેમાં ૨૫ નાના અને ૧૭ મોટા વોંકળાની સફાઈ થઇ ગયેલ છે. ૧ એપ્રિલથી આજ સુધીમાં ૨૦૯ ડમ્પરના તેમજ ૨૦૬ ટ્રેક્ટરના ફેરા મળી અંદાજીત કુલ ૨૨૯૬ ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ છે. ચોમાસાની ઋતુ દરમ્યાન શહેરમાં રસ્તોઅમાં પાણી ન ભરાઈ જેના અનુસંધાને શહેરના તમામ વોંકળાની સફાઈ ઝડપથી પૂર્ણ થાય તે માટે સંબંધક અધિકારીને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામા આવી છે.