મુળ મોરબીમાં જન્મેલા અને હાલ રાજકોટ રહેતા જાગ્રત દેત્રોજાએ એક ઐતિહાસિક સિધ્ધી હાસલ કરેલ છે. 10 વર્ષની ઉંમરે તે સ્પેન કાર રેસિંગમાં ચેમ્પિયન બન્યો છે. આજે તેઓએ તેના પિતા સાથે મેયર ડો.પ્રદિપ ડવની મુલાકાત લીધી હતી અને ભવિષ્યમાં ફોર્મ્યુલા નં-1 કાર રેસીંગમાં ચેમ્પિયન બનવાનું પોતાનું સપનું હોવાનું જણાવ્યું હતું.
ફોર્મ્યુલા નં-1 કાર રેસીંગમાં ચેમ્પિયન બનવાનું લક્ષ્યાંક મેયરની શુભેચ્છા મુલાકાત લીધી
મુળ મોરબી નિવાસી અને હાલ શહેરના સાધુ વાસવાણી રોડ પર ડેકોરા ઉત્સવ એપાર્ટમેન્ટમાં રહેતા મયુરભાઈ દેત્રોજાએ વધુમાં જણાવ્યું હતું કે, તેના પુત્ર જાગ્રતને નાનપણથી જ કાર રેસિંગનો જબરો શોખ હતો. છેલ્લા ત્રણ વર્ષથી તે કાર રેસીંગ કરી રહ્યો છે. શરૂઆતમાં બે વર્ષ ભારતમાં બેંગ્લોર, હૈદરાબાદ અને પુનામાં તેઓએ તેને કાર રેસીંગની તાલીમ લીધી હતી.
2019માં નેશનલ ઈન્ડિયા કાર્ટીંગ ચેમ્પિયનશીપમાં ઓલ ઈન્ડિયા લેવલે તે રનર્સઅપ રહ્યો હતો અને 2020થી સ્પેનના વેલનસીયામાં રહી કાર રેસીંગનો અભ્યાસ કરી રહ્યો છે. માત્ર 10 વર્ષની ઉંમરે તે ભારતનો એકમાત્ર એવો કાર ડ્રાઈવર છે જે યુરોપમાં રેસ કરે છે. પોડીયમ પોઝીશનમાં સ્પેનમાં યોજાયેલી રેસીંગમાં તેનો બીજો અને ત્રીજો નંબર મેળવ્યો છે. આગામી દિવસોમાં તે ફોર્મ્યુલા નં-1 ડ્રાઈવીંગ રેસમાં ભારત તરફથી પ્રથમ ચેમ્પિયન બનવા ઈચ્છી રહ્યો છે. સ્પેનમાં તે ધો.4માં અભ્યાસ કરે છે અને સાથે સાથે કાર રેસીંગની પણ પ્રેક્ટિસ કરી રહ્યો છે.
રાજકોટની મુલાકાતે આવેલા જાગ્રત દેત્રોજાએ આજે મેયર ડો.પ્રદિપ ડવની શુભેચ્છા મુલાકાત લીધી હતી. દરમિયાન તેઓએ જાગ્રતને કાર રેસીંગમાં દુનિયામાં ભારતનું નામ રોશન કરે તેવી શુભકામના પાઠવી હતી.
પોતાના પુત્રને કાર રેસીંગનો જબરો શોખ હોય પિતા મયુરભાઈ દેત્રોજાએ રાજકોટમાં કાર રેસીંગના અભ્યાસ માટે પુરતી વ્યવસ્થા ન હોય પોતાના પુત્રને 7 વર્ષથી બેંગ્લોર કે જ્યાં કાર રેસીંગની સર્કિટ કાર્યરત છે ત્યાં અભ્યાસ માટે જોડયો હતો અને 3 વર્ષની મહેનત બાદ આજે તે સ્પેનમાં કાર રેસીંગમાં ચેમ્પિયન બન્યો છે. જાગ્રતે માત્ર દેત્રોજા પરિવારનું જ નહીં પરંતુ રાજકોટનું નામ પણ સ્પેનમાં ગુંજતુ ર્ક્યું છે.