લગ્ન પ્રસંગના વીડિયો શુટીંગની સીડી આપી બીલની ઉઘરાણી કરતા બંને વચ્ચે થયેલી માથાકૂટમાં વરરાજા સહિતના શખ્સોએ માર મારી લૂંટ ચલાવ્યાના આક્ષેપ
શહેરના કિશાનપરા ચોક અને દુધની ડેરી પાસે રહેતા ફોટો ગ્રાફરે બામણબોર ખાતે લગ્ન પ્રસંગમાં કરેલા વીડિયો શુટીંગની સીડી આપી બીલની ઉઘરાણી કરતા બંને વચ્ચે થયેલા ઝઘડાના કારણે વરરાજા સહિત આઠ થી દસ જેટલા શખ્સોએ બંને ફોટો ગ્રાફરની આંખમાં મરચુ છાટી રૂ.૮ હજારની લૂંટ ચલાવ્યાના આક્ષેપ સાથે બંને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બામણબોરના રણજીત નામના યુવકના લગ્ન પ્રસંગ હોવાથી ગત માર્ચ માસમાં કિશાનપરા ચોકમાં રહેતા સુલતાન નુરમામદ ખેચલીયા અને દુધની ડેરી પાસે રહેતા હનિફ રહીમ ભટ્ટી નામના ફોટો ગ્રાફરે વીડિયો શુટીંગનું કામ કર્યુ હતું.
લગ્ન પ્રસંગના વીડિયો શુટીંગની સીડી તૈયાર કરી બંને યુવાનો ગઇકાલે બામણબોર રણજીતભાઇને દેવા માટે ગયા હતા અને વીડિયો શુટીંગના રૂ.૧૧ હજારની ઉઘરાણી કરી હતી.
વરરાજા રણજીતભાઇ સીડીના રૂ.૧૧ હજાર પોતાની પાસે ન હોવાથી સુલતાન ખેચલીયા અને હનિફ ભટ્ટીએ સીડી આપી ન હતી અને પેમેન્ટ રાજકોટ આવીને કરી જાવ ત્યાર બાદ સીડી આપવામાં આવશે તેમ કહી બામણબોરથી રાજકોટ આવવા નીકળી ગયા હતા.
બંને યુવાનો બામણબોરથી ત્રણ-ચાર કીમી રાજકોટ તરફ પહોચ્યા ત્યારે તેની પાછળ ત્રણ-ચાર બાઇક અને એક કારમાં દસ થી બાર જેટલા શખ્સો ઘસી આવ્યા હતા અને બંનેની આંખમાં મરચાની ભૂક્કી છાંટી રણજીતે લગ્ન પ્રસંગની સીડી પડાવી લીધી હતી અને તેની સાથે રહેલા અજાણ્યા શખ્સોએ ખિસ્સામાં રહેલા રૂ.૮ હજાર રોકડા પડાવી ભાગી ગયા હતા.
રણજીત સહિતના શખ્સોએ લોખંડની ચેન અને લાકડીથી બેરહેમીથી માર મારતા બંનેને સારવાર માટે અહીંની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.