રાજ્યની છ મહાપાલિકા માટે ઉમેદવારો નક્કી કરવા સોમવારથી બુધવાર સુધી પ્રદેશ ભાજપ ચૂંટણી સમિતિની બેઠક

સેન્સ દરમિયાન નિરીક્ષકો સમક્ષ આવેલા નામો પૈકી વોર્ડ વાઈઝ ચાર-ચાર નામોની ચાર પેનલ બનાવી પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરાશે:ભાજપ બે યાદીમાં ઉમેદવારોના નામો જાહેર કરે તેવી સંભાવના

રાજકોટ સહિત રાજ્યની ૬ મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન આગામી ૨૧મી ફેબ્રુઆરીના રોજ યોજાવાનું છે આગામી સોમવારે મહાપાલિકાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં ની સાથે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ જશે દરમિયાન છ મહાનગર પાલિકાઓની ચૂંટણી માટે ઉમેદવારોના નામ ફાઈનલ કરવા ૧ થી ૩ ફેબ્રુઆરી દરમિયાન પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે જેમાં રાજકોટની ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટે ઉમેદવાર નક્કી કરવા મંગળવારે સવારે ૯:૩૦ કલાકે પાર્લામેન્ટરી બોર્ડ મળશે બુધવારથી લઈ શુક્રવાર સુધીમાં અલગ અલગ બે કે ત્રણ યાદીમાં ભાજપ ઉમેદવારોના નામની સત્તાવાર ઘોષણા કરી દેશે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના તમામ ઉમેદવાર એકી સાથે ઉમેદવારી નોંધાવે તેવું હાલ દેખાઈ રહ્યું છે.

આ અંગે વધુ માહિતી આપતા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાના ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટે ચૂંટણી લડવા ઇચ્છુક કાર્યકરો અને સંભવિત  ઉમેદવારોને સાંભળવા માટે ગત સોમવારે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં પ્રદેશમાંથી આવેલા ૧૨ નિરીક્ષકોની ચાર ટીમો દ્વારા અલગ-અલગ ચાર સ્થળોએ અલગ-અલગ વોર્ડના સંભવિત  અને કાર્યકરોને સાંભળવામાં આવ્યા હતા.કમળના પ્રતીક પરથી ચૂંટણી લડવા માટે ૬૬૮ થી વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી છે.દરમિયાન ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટે ઉમેદવારો ફાઇનલ કરવા આગામી મંગળવારના રોજ ગાંધીનગર ખાતે સવારે ૯:૩૦ કલાકે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં રાજકોટનો વારો લેવામાં આવશે.જેમાં શહેર ભાજપ પ્રમુખ ઉપરાંત મહામંત્રી દેવાંગભાઈ માકડ,જીતુભાઈ કોઠારી અને  કિશોરભાઈ રાઠોડ ,સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી અને લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ મંત્રી તથા  પૂર્વ મેયર બીનાબેન આચાર્ય,રાજકોટ શહેરના પ્રભારી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત ૧૨ નિરીક્ષકો પણ પાર્લામેન્ટરી બોર્ડમાં હાજર રહેશે.સેન્સ દરમિયાન નિરીક્ષકો સમક્ષ ચૂંટણી લડવા માટે દાવેદારી કરનાર જે કાર્યકરોના જે નામ આવ્યા છે તેમાંથી પ્રદેશ ભાજપની સુચના મુજબ વોર્ડ વાઈઝ  ચાર-ચાર નામોની ચાર પેનલ બનાવવામાં આવશે.એટલે કે એક વોર્ડની ચાર બેઠક માટે કુલ ૧૬ સંભવિતોના નામ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડ કોને ટિકિટ આપવી તેનો આખરી નિર્ણય કરશે.

મહાપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ ૬ ફેબ્રુઆરી નિર્ધારિત કરવામાં આવ્યો છે.ભાજપ પાર્લામેન્ટરીબોર્ડની બેઠક ૩ ફેબ્રુઆરી સુધી ચાલશે. ત્યારબાદ ભાજપ ક્રમશ:  શુક્રવાર સુધીમાં ઉમેદવારોના નામની ઘોષણા કરશે. રાજકોટ માટે એકીસાથે ૭૨ ઉમેદવારોના નામ જાહેર કરવાના બદલે બે કે ત્રણ યાદીમાં ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવે તેવું હાલ લાગી રહ્યું છે.ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત બાદ શહેરમાં ચૂંટણી લક્ષી માહોલ જામશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.