બોય ફ્રેન્ડને દેણું થતા મદદરૂપ થવા યુવતીએ ડબલ સવારી બાઇકમાં આવેલા બે શખ્સોએ હાથમાં છરી મારી રોકડ સાથેનું પર્સ ઝુંટવી ગયાનું તરકટ રચ્યાની કબુલાત
શહેરના સોની બજાર નજીક ગુજરી બજાર પાસે આવેલી આર.સી.આંગડીયા પેઢીમાં રૂ.૫.૫૦ લાખ ઉપાડીને જઇ રહેલી મહિલા પર બાઇક પર આવેલા બે શખ્સોએ છરીથી હુમલો કરી રોકડ સાથેના પર્સની લૂંટ ચલાવ્યાની ઘટનાનો ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલ્યો છે. લૂંટની ઘટના જાહેર કરનાર યુવતીએ પોતાના બોયફ્રેન્ડને મદદરૂપ થવા લૂંટનું તરકટ રચ્યાની કબુલાત આપી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ટપુ ભવાન પ્લોટમાં રહેતા અને બંગડીનો બિઝનેશ કરતા કિંજલબેન દિપકભાઇ મણીયાર નામની ૨૫ વર્ષની યુવતી પર ગુજરી બજારમાં ડબલ સવારી બાઇકમાં આવેલા શખ્સોએ હાથમાં છરી મારી રૂ.૫.૫૦ લાખની રોકડ સાથેના પર્સની લૂંટ ચલાવ્યાની ધવલ દિપકભાઇ મણીયારે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી
કિંજલબેન મણીયારના કટક ખાતે રહેતા કાકાએ રૂ.૫.૫૦ લાખ રાજકોટના ગુજરી બજારમાં આવેલી આર.સી.આંગડીયા પેઢીમાં મોકલ્યા હોવાથી તેઓ ત્યાં લેવા માટે કિંજલબેન મણીયાર અને તેનો ભાઇ ધવલ મણીયાર આંગડીયા પેઢીની ઓફિસે ગયા હતા. આંગડીયા પેઢીની ઓફિસની બહાર આવ્યા તે દરમિયાન એક્ટિવાની ચાવી ખોવાયાનું કિંજલબેને પોતાના ભાઇ ધવલને જણાવી નજીકમાં ચાવી બનાવવા માટે મોકલ્યો હતો દરમિયાન બાઇક પર ઘસી આવેલા બે શખ્સોએ છરીથી હુમલો કરી રોકડ સાથેનું પર્સ લૂંટી ગયાનું કિંજલબેન મણીયારે પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું.
દિન દહાડે થયેલી રૂ.૫.૫૦ લાખની લૂંટની તપાસ અર્થે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. આર.સી.કાનમિયા અને બી.ટી.ગોહિલ સહિતના સ્ટાફે ગુજરી બજાર વિસ્તારના સીસીટીવી ફુટેજ મેળવી બંને લૂંટારાનું પગેરૂ દબાવ્યું છે. પોલીસે શહેર બજાર જવાના તમામ માર્ગો પર નાકાબંધી કરાવી છે.
કિંજલબેન મણીયારને જણાવેલી સ્ટોરી પોલીસના ગળે ન ઉતરતા ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે પૂછપરછ કરતા તે ટસની મસ ન થતા ઘટના સ્થળના સીસીટીવી ફુટેજ બતાવવામાં આવ્યા હતા બાઇક નંબર અંગે ધવલ મણીયારની પૂછપરછ કરતા બાઇક પોતાના પાડોશમાં રહેતા હાર્દિક જયંતીભાઇ વાળાનું હોવાનું જણાવ્યું હતું.
આથી લૂંટની ઘટનામાં ઘરના જ ઘાતકી હોવાની શંકા વધુ દ્રઢ બની હતી અને કિંજલબેન મણીયારને પોલીસની ભાષામાં પૂછપરછ શરૂ થતા તેણી ભાંગી પડી હતી અને મુળ બગસરા પાસેના હામાપર ગામના વતની હાર્દિક જયંતી વાળા નામના લુહાર યુવક પોતાનો બોયફ્રેન્ડ હોવાની અને તેના પર દેણું વધી જતા મદદરૂપ થવા માટે હાર્દિક વાળા સાથે મળી લૂંટનું નાટક કર્યાની કબૂલાત આપી હતી.
આંગડીયા પેઢીની ઓફિસે સાથે આવેલા ધવલને એક્ટિવાની ચાવી બનાવવા મોકલ્યા બાદ હાર્દિક વાળા જ બાઇક પર આવી રૂ.૫.૫૦ લાખની રોકડ લઇ જતો રહ્યો હોવાની કિંજલબેન મણીયારે આપેલી કબુલાતથી પોલીસને હાશકારો થયો હતો.