બે શો વચ્ચે 30 મિનિટનો વિરામ: 60 ટકાની કેપેસીટીમાં પ્રેક્ષકો બેસાડાશે: કોરોનાની ગાઇડલાઇન અને કરફ્યુના સમયને ધ્યાનમાં રાખી સિનેમાઓ શરૂ
શહેરમાં કોરોનાની મહામારી બાદ ફરવા લાયક સ્થળો અને મનોરંજનના સ્થળો ઠપ્પ થઇ જતાં રંગીલા રાજકોટમાં જાણે અંધારૂ છવાઇ ગયું હોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ ધીમે-ધીમે હવે રાજકોટ ફરી ધબકતું થતું દેખાઇ રહ્યું છે જેમાં આજથી રાજકોટના ઘણાં સિનેમા ઘરો ફરી શરૂ કરવામાં આવ્યા છે. સિનેમા ઘરોમાં બે શો વચ્ચે 30 મિનિટનો વિરામ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે તો થિયેટરોમાં 60 ટકાની કેપેસીટી સાથે પ્રેક્ષકોને બેસાડવાની મંજૂરી મળી છે. સિનેમા ઘરોમાં કોરોનાની ગાઇડ લાઇન અને કર્ફ્યુ સમયને ધ્યાનમાં રાખી મૂવીના શો ગોઠવવામાં આવ્યા છે.
કોરોનાની મહામારી હળવી થતાં રંગીલું રાજકોટ ફરી રંગમાં રંગાતુ દેખાઇ રહ્યું છે. સરકારની ગાઇડ લાઇન બાદ હવે થિયેટરોને શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. જેથી રાજકોટ આજથી બે સિનેમા ઘરો શરૂ થયાં છે. જેમાં ગેલેક્સી સિનેમા અને રિલાયન્સનો સમાવેશ છે.
ઓગષ્ટથી સિનેમા ફરી શરૂ કરીશું : અજય બગડાય (કોસ્મોપ્લેક્ષના માલીક)
રાજકોટના કોસ્મોપ્લેક્સ થિયેટરના માલીક અજય બગડાયએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજથી થિયેટરોને ખુલ્લા મુકવાની મંજૂરી આપવામાં આવી છે જેનાથી સંચાલકોને ખૂબ રાહત થઇ છે. પરંતુ ઘણાં થિયેટરોમાં મેઇન્ટીંગ અને આવનાર સમયમાં થિયેટરો ચલાવવા માટેના પ્લાનીંગ કરતા હોવાથી ઘણાં થિયેટરો ઓગષ્ટ માસથી શરૂ થવા જઇ રહ્યાં છે. 5મી ઓગષ્ટથી કોસ્મોપ્લેક્સ થિયેટર પણ શરૂ કરવામાં આવશે.
એસ.ઓ.પી.ના પાલન સાથે ગેલેક્સીના દ્વાર ખોલ્યા: રશ્મીકાંતભાઈ ભાલોડીયા
ગેલેક્સી ટોકિઝના માલીક રશ્મીકાંત ભાલોડીયાએ જણાવ્યું કે, ગુજરાતમાં આજથી 20 થી 25 સ્ક્રીન ખૂલે છે. જેમાં રાજકોટમાં ગેલેક્સી અને આઇનોક્સ શરૂ થવાના છે અને દરેક જગ્યાએ મોટર કોમ્બેટ ઇંગ્લીશ મૂવી હિન્દી ડબ્ડ વર્ઝનમાં લાવે છે. રોજના ચાર શો આપવામાં આવશે. સરકારની તમામ ગાઇડ લાઇનનું પાલન કરવામાં આવશે. હજુ આવતા દિવસોમાં ફાસ્ટ એન્ડ ફ્યુરીયસ આવવાનું છે. માટે જેમ-જેમ નવા ફિલ્મો આવશે તે ફિલ્મો લોકો માટે મુકીશું. ગેલેક્સી સૌથી પહેલા લેટેસ્ટ ટેકનોલોજી અપનાવે છે. લોકોને સારી સુવિધા મળે તે માટે પ્રયત્નો કરીએ છીએ.
જેમાં બે દિવસ પહેલાં પૂરા થિયેટરને સેનેટાઇઝ કરી કોરોનાની ગાઇડ લાઇન પ્રમાણે તમામ નિયમોનું પાલન કરવામાં આવશે. ઓગષ્ટ માસથી હોલીવૂડના મૂવી અને બોલીવૂડના અક્ષય કુમારની બેલબોટમ ફિલ્મ થિયેટરમાં રિલીઝ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી પ્રેક્ષકોમાં અને થીયેટરોના સંચાલકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આઇનોક્સમાં મૂવીના શો શરૂ કરવામાં આવ્યા છે. રાજકોટમાં ફરી એકવાર સિનેમા ઘરો શરૂ થતાં પ્રેક્ષકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. થિયેટરોમાં હવે એક શો પૂરો થયાં બાદ 30 મિનિટનો બ્રેક રાખવામાં આવશે. તો કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી થિયેટરમાં 60 ટકા પ્રેક્ષકોથી સીટ ભરવામાં આવશે.
સિનેમા ઘરો ફરી શરૂ થતાં થિયેટરોના માલિકોને પણ રાહતનો અનુભવ થયો છે. જો કે ટિકિટના દરોમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. શહેરના બે સિનેમા ઘરો આજથીજ મૂવીના શો શરૂ કર્યા છે. તો અન્ય સિનેમા ઘરોના સંચાલકોએ ઓગષ્ટ માસથી થિયેટર ખોલવાનું નક્કી કર્યું છે. શરૂ થતાં થીયેટરોમાં હાલ કર્ફ્યુના સમયને ધ્યાનમાં રાખીને 4 શો ચલાવવાનું નક્કી કર્યું છે. જેમાં સવારે 10:30 કલાકે ત્યાર બાદ બપોરે 1:00 કલાકે, 3:30 કલાકે અને છેલ્લો શો 7:00 કલાકે શરૂ કરવામાં આવશે. દરેક શો પૂરા થયા પછી સ્ક્રીનને સેનિટાઇઝ કરવામાં આવશે તેમજ એન્ટ્રી સમયે પ્રેક્ષકોનું ટેમ્પરેચર માપવામાં આવશે.