પોલીસ યુનિયનના સપક અધિકારી તેમજ યુનિયનના નેતા તથા નવા ડીજીપી રીબેરોએ સધીયારો આપતા પોલીસદળનું મોરલ ઉંચુ રહ્યુુંં

બીજે દિવસ ફોજદાર જયદેવે આ કબ્જે થયેલ અઢી બોટલ ઈગ્લીશ દારૂ જે ખરેખર વિદેશનો સ્કોચ વ્હીસ્કી હોય તે કસ્ટમની દ્રષ્ટીએ પણપ્રતિબંધીત હોય તે ખરેખર દાણભરીને લાવ્યા હતા કે દાણચોરીની જ બોટલો હતી તે તપાસ કરવા રાજકોટની કસ્ટમ ઓફીસમાં મુદામ માણસથી કોન્સ્ટેબલની સાથે જ કસ્ટમની રોડ વીંગ આર.સી.પી. રોડ ચેકીંગ પાર્ટીના ત્રણ ઈન્સ્પેકટરો બળદેવસિંહ રાણાની આગેવાનીમાં મુળી આવ્યા તેમણે આ માલ ખરેખર વિદેશી દારૂ જ હોય અને તેનો કોઈ ટેક્ષ ભરેલ ન હોય તેઓ જરૂરી કાર્યવાહી માટે કેસ કાગળોની નકલો, કોર્ટની મંજૂરીથી મુદામાલની દારૂની બે બોટલો સાથે લઈ જઈ ઘટતી કાર્યવાહી કરી પેનલ્ટી સાથે કસ્ટમ ટેક્ષના નાણા વસુલેલા અને બાદમાં બોટલો પરત સીલ પેક મુળી પોલીસ સ્ટેશનમાં મોકલી આપેલ.

બીજે જ દિવસે સલાયા (જી.જામનગર) પોલીસ સ્ટેશનના ફોજદાર જયદેવ પાસે આવ્યા કોલેજ કાળનો પરિચય હતો તેથી બંને ચેમ્બરમાં એકલા બેઠા હતા ત્યારે તેમણે જયદેવને મીત્રતાની દુહાઈ આપીને પુછયું કે ખરેખર તમે શરદભાઈની કાર રોકાવી પરંતુ તેમાં સ્ત્રી હતી તેવું સમાચાર પત્રોમાં આવે છે. તો તમેતો ગાડી રોકેલી જાતે જોયેલુ, પંચનામું કરેલુ તો ખરેખર તમને કારમાં સ્ત્રી હોવા બાબત શું સાચુ લાગે છે? જયદેવે કહ્યું મેં જે છાપામાં મારૂ નિવેદન આપ્યું છે તેજ સાચું છે તે કારમાં છઠ્ઠી વ્યકિત બેસી શકે તેવી કોઈ શકયતા કે જોગવાઈ જ નહતી. તે કારમાં કોઈ સ્ત્રી હતી જ નહિ.

જયદેવે સલાયા ફોજદાર ને પુછયું કે તમે છેક અહી સુધી ફકત આ બાબત માટે જ કેમ ધકકો ખાધો? સલાયા ફોજદારે કહ્યું શરદભાઈના ધર્મપત્ની મારા માસીયાઈ બહેન છે. અને તેઓ સીતાજી જેવા પતિ પરાયણ અને અતિશય ધાર્મિક છે. આ છાપામાં સ્ત્રીના સમાચાર આવે છે તેથી તેમને અતિશય દુ:ખ લાગ્યું છે અને ખરેખર સત્ય હકિકત શું છે તે જાણવા માટે તેમના મનની શાંતિ માટે મને મોકલ્યો છે. જયદેવને થયુંકે રાજકીય જાહેર જીવનમાં રહેનાર વ્યકિતઓના કુટુંબીજનોની માનસીક સ્થિતિ પણ કેવી કરૂણ હોય છે? જો દરેક જાહેર જીવનમાં રહેલી વ્યકિત ગૃહિણીની આ માનસીક મનોવ્યથા ના ઉદાહરણને ધ્યાને રાખે તો તેમના ઘર સંસારમાં રામરાજય સ્થપાઈ જાય!

ત્રીજા દિવસે રાજકોટ જીલ્લાનાં જસદણના સર્કલ પોલીસ ઈન્સ્પેકટર એમ.એસ.કારા જયદેવને મળ્યા અને જયદેવને કહ્યું બાપુ કોઈ બાબતે મુંઝાવાનું નહિ તમામ મિત્રો વતી તેમણે મકકમ અને કોઈ પણ સંજોગોમાં અડીખમ ઉભા રહેવા અને મીત્રોનો સાથ સહકાર હોવાની વાત કરી. જયદેવે આભાર માન્યો.

જયદેવને તેના ફરજ કાળમાં અનેક વિટંબણા અને મુશ્કેલીઓનો સામનો કરવો પડેલો તેના અનુભવે એ બહુ અગત્યની બાબત જણાયેલ છે કે સફળતાના સમયે તમને અભિનંદન આપવા વાળા ઘણા મળી રહેશે પરંતુ મુશ્કેલીના સમયે ફકત એટલા જ શબ્દો ‘અમો તમારી સાથે જ છીએ મુંજાતા નહિ’ કહેવા વાળા જવલ્લે જ નીકળે છે. બાકી તો પેલી દીલીપકુમારની હિન્દી ફિલ્મ ‘લીડર’ જેવું ‘સુખ કે સબ સાથી દુ:ખમે ન કોઈ…એ મેરે રામ તેરો નામ એક જ સાચો, દુસરો ન કોઈ… થઈ. જેવો જ અનુભવ થયો છે. ખરેખર મુશ્કેલી ના સમયે કોઈ પણ વ્યકિતને આશ્ર્વાસનના બે શબ્દો તો કહેવા જ જોઈએ. જેથી જે તે વ્યકિત ફરીથી પોતાનો પુ‚ષાર્થ ચાલુ કરવા સમર્થ બને છે.

બાદ હળવદના ફોજદાર અને કાયદે આઝમગુજરાત પોલીસ યુનિયનના પ્રમુખ ગજરાજ જયદેવને મળ્યા અને કહ્યું બાપુ ‘ગુજરાત પોલીસ દળ’ તમારી સાથે છે. જયદેવે આભાર માન્યો જયદેવને મનમાં થયું કે બે મુખ્ય નેતા એક યુનિયનના પાયોનીયર સપક ઈન્સ્પેકટર કારા અને એક હાલના નેતા ફોજદાર ગજરાજ બે જણાતો રૂબરૂ આવી મળી ગયા. જયદેવનો આત્મ વિશ્ર્વાસ એકદમ વધી ગયો. ગજરાજે જયદેવ સાથે કેસની ચર્ચા કરી. જયદેવે કહ્યું કે બધુ આમ તો બરાબર છે.પરંતુ લોકલ રાજકારણ ને કારણે જો ખાતાના અધિકારીઓ આ કેસમાં વાંધા વચકા કાઢે તો મુશ્કેલી થાય તેમ છે. કેમ કે ડોકટરે નાલાયકી કરી આરોપીઓના શારીરીક તપાસણી ફોર્મ ‘બી’ સાવ નીલ આપ્યા છે. ગજરાજે કહ્યું બાપુ જે કાંઈ થાય છે તે ઈશ્ર્વરની ઈચ્છાથી સારા માટે થાય છે. આગળ તો જુઓ શું થાય છે?

દરમ્યાન મુળીના સરકારી ડોકટરની આરોપીઓ તરફેની એક પક્ષીય કાર્યવાહીને કારણે સમાચાર પત્રોમાં ખૂબ જ ચર્ચાઓ થતા જીલ્લા આરોગ્ય અધિકારીએ આ ડોકટરની તાત્કાલીક મુળીથી બદલી કરી પાટડી બજાણા બાજુ કચ્છના નાના રણનાં કાંઠે કોઈ નાના આરોગ્ય કેન્દ્રમાં મુકી દીધા અને મુળી દવાખાનાનો વધારાનો હવાલો સાયલાના મેડીકલ ઓફીસર ડોકટર મહિપતસિંહ પરમારને સોંપી દીધો,ડોકટરનો તાત્કાલીક ન્યાય થઈ ગયો!

તે સમયે સીવીલ સર્વીસ યુનિયનની રોસ્ટર અંગેની હડતાળ તો કરૂણાજનક રીતે ભાંગી પડેલી કર્મચારીઓ ફરજ પર હાજર થઈ જતા વહીવટી તંત્રતો રાબેતા મુજબનું થઈ ગયેલું પરંતુ આ આંદોલનની આડ અસર (બાય પ્રોડકટ) અમદાવાદના કોમી તોફાનો કોઈ હિસાબે બંધ થતા નહતા. જેથી તે સમયે મુંબઈના જાંબાઝ અને પ્રખ્યાત પોલીસ કમિશ્નર રીબેરોની નિમણુંક ગુજરાત-રાજયના પોલીસ વડા તરીકે ખાસ કિસ્સામાં થઈ અને ત્યારે જોગાનું જોગ સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢનો પ્રખ્યાત તરણેતરનો મેળો ચાલુ હતો. રીબેરોએ આ મેળાની મુલાકાત લીધી. હળવદના ફોજદાર ગજરાજે (યુનિયન નેતા)આ મેળા બંદોબસ્તમાં હતા ત્યાંજ રીબેરોની શુભેચ્છા મુલાકાત લીધી અને મુળીના ફોજદારે સંસદ સભ્ય વિરૂધ્ધ કરેલ કાયદેસરની કાર્યવાહી અને મુળીના ડોકટરે કરેલી નાલાયકીની રજુઆત કરી અને તટસ્થ તથા ઉદાહરણીય હુકમ કરવા વિનંતી કરી અને રીબેરોએ આ પ્રશ્ર્ન પૂરતો જ નહિ પરંતુ સમગ્ર ગુજરાત રાજયનાં પોલીસ દળને સંદેશો આપ્યો કે નિર્ભયતાથી મોટા ચમરબંધીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરોચિંતા કરવાની કોઈ જરૂર નથી અને તે સમયે ગુજરાત પોલીસ દળનું જે મનોબળ મજબુત થયું હતુ તેવું પછી કયારેય થયું નથી.

પરંતુ આ પોલીસ વડા રીબેરોના સંદેશાની સીધી અસર મુળીના રાજકારણ ઉપર પડી. તાલુકા પ્રમુખ બનારાજાને થયું પતી ગયું હવે ‘ફોજદારને દોડવું હતુ અને ઢાળ મળી ગયો’ની માફક કોઈને હવે દાદ કે જવાબ પણ નહિ દે ભારે કરી. બનારાજાને હાથમાં આવેલો મોટો મોકો સરી પડતો જણાયો. પણ રાજકારણીઓનો ખુરશી પ્રેમ તો પોતે જીવે ત્યાં સુધીનો હોય જ પરંતુ મર્યા પછી ભવિષ્યની પેઢી માટે પણ તે અગાઉથી જ વ્યવસ્થા જીંદગીના આખરી શ્ર્વાસ સુધી કરતા હોય છે. તેઓ ખુરશી ટકાવવા મેળવવાના પ્રયાસોમાં કયારેય નાસી પાસ થતા નથી જેમ સંસ્કૃત શ્ર્લોક છે નેકે ‘અંગમ્ ગલીતમ્ પલીતમ્ મુંડમ, દશનવિહીનંજાતંતુંડમ’ વૃધ્ધો યાતી ગુહિત્વાદંડમ તદપિન મુશ્રતિ આશા પીંડમ ॥એટલે કે અંગ ગળી જાય, માથેથી વાળ ચાલ્યા જાય શરીરના ગાત્રો ગળી જાવ અને અવયવો કામ કરતા બંધ થાય વૃધ્ધ થઈ વાંકો વળી દંડો લઈને ચાલે તો પણ આશા રૂપી (ખુરશી) પીંડને છોડી શકતો નથી તેમ!

દરમ્યાન ચોથે દિવસે રાજયનાં આરોગ્ય મંત્રી વલ્લભભાઈ પટેલનો કોઈક કાર્યક્રમ મુળી તાલુકાની સરહદે આવેલ મોરબી તાલુકાના ગામ જેતપર ખાતે હતો મુળી તાલુકા પ્રમુખ બનારાજા જેતપર ગામે પહોચી ગયા જેતપર ગામે કાર્યક્રમ પુરો થયા પછી બનારાજાએ આરોગ્ય મંત્રીને મળી સંસદ સભ્ય ઉપર મુળી ફોજદારે ખોટી રીતે દારૂનો કેસ કર્યાની ફરિયાદ કરી તથા વધુમાં પોતાનો પક્ષ પ્રેમ તથા પોતાની હોંશીયારી પણ વર્ણવી કે ભલે સંસદ સભ્ય તથા તેમના મિત્રો પીધેલા હતા અમોએ તો ફોજદારને અંધારામાં રાખી ડોકટરને સમજાવી ને એક સાવ સીધા સાદા અને સાવ સ્વામીનારાયણ વ્યકિત અને હોસ્પિટલના કલાર્કનું લોહી લેવડાવી લેબોરેટરીમાં મોકલવા ગોઠવણી કરી દીધી છે. એટલે લોહીમાં ગમે તેમ તપાસ કરે તો પણ આલ્કોહોલના કોઈ ટકા જ ન આવે કેમકે પેલો કલાર્ક તો સાદુપાન પણ ખાતો નથી. સંસદ સભ્ય વિગેરેનું લોહીતો દેખાડા ખાતર લીધું હતુ. આરોગ્ય મંત્રી વલ્લભભાઈએ બનારાજાને તેમની આ કાર્યવાહી માટે અભિનંદન આપ્યા (દેખાવ પુરતા જ) અને ખોટી ખોટી શાબાશી પણ આપી. પરંતુ આતો રાજકારણ જિલ્લે જિલ્લે રાજકીય સમીકરણો એક જ પક્ષના સભ્યો હોવા છતા પણ અલગ અલગ હોય છે. બનારાજાની આ વાત સાંભળી ને આરોગ્ય મંત્રી વિચારમાં પડી ગયા, બુધ્ધીજીવી અને મૃત્સદી મંત્રીએ તેમની કારને ગાંધીનગરને બદલે જૂનાગઢ ફોરેન્સીક સાયંસ લેબોરેટરીમાં જવા દીધી. ન્યાય સહાયક પ્રયોગ શાળા જૂનાગઢ ખાતેથી તે સમયે દારૂ પીધેલ આરોપીના લોહીની તપાસણીનો પૃથ્થકરણ અહેવાલ પાંચ છ મહિને આવતો પરંતુ આરોગ્ય મંત્રીની આ એફએસએલની વિજીટ ને કારણે મુળીના આ સંસદસભ્ય વાળા દારૂના કેસનો જ (બીજા અગાઉના કેસોના નહિ) પૃથ્થકરણ અહેવાલ પાંચ છ દિવસમાંજ તૈયાર થઈ ગયો અને એક અઠવાડીયામાં જ ચમત્કારીક રીતે મુળી સરકારી દવાખાને ડો.મહિપતસિંહ પરમારને મળી ગયો !

આ ચમત્કારનું કારણ જયદેવને તે સમયે હળવદથી પ્રસિધ્ધ થતા અઠવાડીક સમાચાર પત્ર ‘સત્યાચાર’ વાંચતા જાણવા મળેલું તે દા‚ના કેસ થયા પછી મુળી તાલુકા પ્રમુખ બનારાજા મોરબીના જેતપર ગામે આરોગ્ય મંત્રીને મળેલા તેમની આરોગ્ય મંત્રી સાથે વાતચીત કરતા જ કાર સીધી જૂનાગઢ એફ.એસ.એલ. તરફ રવાના થયેલી અને તે સમાચાર ઉપરાંત આ આખા કેસની વિગતથી જ આ ‘સત્યાચાર’ છાપુ તેના તંત્રી લેખ રૂપે જ તેમના તંત્રી હરીપ્રસાદ શુકલ એ આખે આખુ રસપ્રદ શૈલીમાં અને વ્યંગાત્મક શૈલીમાં રાજકારણ અને રાજકારણીઓની મીલીભગત વિગેરે બાબતોથી લખેલું હતુ તેવાંચવાથી ખરી હકિકત જયદેવને જાણવા મળેલી.

આ દારૂના કેસમાં અરોપીઓએ જે તે વખતે એવો ખુલાસો કરેલો કે પોતા પાસે દારૂની પરમીટ છે પણ પરમીટ સાથે નથી જેથી આ ગુન્હાની તપાસમાં આમુદો પણ તપાસનો વિષય હતો. ત્યારે સમગ્રસૌરાષ્ટ્રમાં દારૂની પરમીટો રાજકોટ ખાતે ભાવનગરના ઉતારામાં આવેલી પ્રાદેશીક નશાબંધી અને આબકારી ખાતાની કચેરીમાંથી આપવામાં આવતી હતી જેથી તપાસમાં ત્યાં જવાનું હતુ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડાએ સીપીઆઈ દીનકરને આ દારૂના ગુન્હાની તપાસમાં જયદેવને મદદ કરવા અને સાથે જવા હુકમ કર્યો. જયદેવને તે મદદની કોઈ જરૂર ન હતી આતો ‘ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળા મારવા’ જેવી વાત થઈ જયારે જયદેવને માણસોની તાતી જરૂરત હતી ત્યારે તમામના કાન આંખ અને બુધ્ધી અલોપ થઈ ગયા હતા હવે જયદેવને કોઈ મદદની જરૂર ન હતી એટલે કે સમય ચાલ્યો ગયો હતો ઘોડા તબેલામાંથી નાસી જ ગયા હતા પછી તાળા મારવાનો કોઈ અર્થ હતો નહિ. પરંતુ પોલીસ ખાતામાં હંમેશા કાષ્ટવત જડતા પૂર્વક ‘બોસ ઈઝ ઓલવેઝ રાઈટ’, જયદેવ અને દીનકરની બંને જીપો રાજકોટ ત્રીકોણબાગ પાસે ભાવનગરના ઉતારામાં આવી જયદેવે આ પાંચ આરોપીઓના નામ લખેલી યાદી તૈયાર કરી જો કોઈ ને પરમીટ ઈસ્યુ થયેલ હોય તો તેનીસંપૂર્ણ વિગત જણાવવા લખેલુ હતુ પરંતુ આ કચેરીમાં આ યાદીને કોઈ પકડવા તૈયાર થતુ નહતુ બધા ફેંકાફેંક કરતા હતા અમારા મુખ્ય અધિકારી હજુ આવ્યા નથી વિગેરે વિગેરે જયદેવે હાજર ઈન્ચાર્જ ને કહ્યું ‘ભાઈ જેના નામ વાળા પત્રથી પણ તમે ડરો છો તેને મુળી પોલીસે પકડી કાયદેસર કાર્યવાહી કરેલ છે. કાંઈક માણસ બનો અને આખરે એક રજીસ્ટ્રી બ્રાંચનાં કારકુન (બીચારો)ને બોલાવી ઈન્વર્ડ નંબર નાખી યાદીની ઓ.સી. પાછી આપવા હુકમ થયો ! અને રૂબરૂમાં કહ્યું કે તપાસવું પડશે પછી એટલે તમને ટપાલથી માહિતી મોકલી દઈશુ! જયદેવની તો જવાબદારી પુરી થઈ સીપીઆઈ દીનકર આ બધુ સાક્ષી ભાવે જોતા હતા.

જયદેવે મુળીના માજી ફોજદાર ગોસાઈ પાસેથી લાયસન્સ વાળી પર્સનલ બંદૂકતો વેચાતી લઈ લીધી હતી પરંતુ કાર્ટીસ ખાલી થઈ ગયા હતા. તેથી હવે રાજકોટ આવ્યા જ છીએ અને ત્રીકોણ બાગ ખાતે જતે વખતનો પ્રખ્યાત હથીયાર દારૂગોળાનો શોરૂમ ‘લાલ સ્ટોર’ આવેલો હતો તેથી તે કામ પણ પૂ‚ કરવાનું વિચાર્યું. આ લાલ સ્ટોરનાં માલીક અને લાયસન્સદાર એક પારસી બાનુ હતા બંને જીપો લાલસ્ટોરે આવી. કાઉન્ટર ઉપર આ પારસીબાનુ જ હતા તેઓ આધેડ ઉંમરનાં પરંતુસાડી બ્લાઉઝમાં એકદમ જાજરમાન લાગતા હતા કેમકે પુરી ઉંચાઈ અને એકદમ વ્હાઈટ સ્ક્રીન અને ઈન્દીરા ગાંધી સ્ટાઈલના બોબકટ હેર! પારસી લોકોની બોલી મીઠી લહેકા વાળી અને થોડીસુરતી પ્રકારની હોય ધડીક તો સાંભળવાનું મન થાય જ. જયદેવે સ્ટોરમાં જઈ કાર્ટીસ અને વિવિધ પ્રકારના હીયારો જોવાનું શરૂ કર્યું

કાઉન્ટર ઉપર સીપીઆઈ દીનકરે પારસી બાનુ સાથે વાતચીત નો દોર ચાલુ રાખ્યો. જયુભા તેમની પાસે જ ઉભા હતા. યુનિફોર્મ ધારી અધિકારીઓ હોય પારસીબાનુએ જયુભાને જ પુછયું કે કયાંથી આવોછો? આથી જયુભાએ કહ્યું સુરેન્દ્રનગરના મુળી પોલીસ સ્ટેશનથી આ સાંભળીને પારસી બાનુમાં તેજી આવી ગઈ ચહેરાના હાવભાવ બદલાઈ ગયા અને નીખાલસ ભાવે અને પારસી લહેકામાં બાનુ બોલ્યા ‘વાહ મરદ ફોજદાર, ભાયરો માણસ કહેવાય આવાની દેશમાં જરૂરત છે. પણ પેલો ફાતરો નાલાયક સીપીઆઈ દીનકર નાસી ગયો. સાલો હીજરો કયાં ગયો? તેની સામે જ ઉભેલા સીપીઆઈ દીનકરની હાલત આ વાત સાંભળીને કાપો તો લોહી ન નીકળે તેવી થઈ ગઈ! પરંતુ જયુભાની હાલત તેનાથી વધારે ખરાબથઈ તેને મુશ્કેલી એ પડીકે ખખડીને આવેલ હાસ્યને કેમ રોકવું ? જયુભાજીમ કચરીને મોઢુ ફેરવી ગયા કે જાણે કાંઈ સાંભળતા નથી દીનકરે બેસી ગયેલા અવાજે ગળુ ખંખેરતા ખંખેરતા બાનુને સમજાવ્યા કે છાપા વાળા વધારી ને ખોટી રીતે આવુ લખતા હોય છે. તેથી પારસી બાનુ બોલ્યા ‘એમ કાંઈ છાપા વારા સાવ જુઠી વાત થોરી છાપામાં છાપે? આ સાંભળીને જયુભાથી રહેવાયું નહી અને ખોટી ઉધરસ ખાતા ખાતા જીપ પાસે ચાલ્યા ગયા. જયદેવે કાઉન્ટર ઉપર બાનુ પાસે આવ્યો અને કાર્ટીસનું બીલ બનાવવા પોતાનું લાયસન્સઆપ્યું લાયસન્સમાં નામ વાંચીને પારસી બાનુએ જયદેવ સામે જોઈને કહ્યું ‘વાહ ! ફોજદાર જયદેવ ભાયરો માણસ આમ હોવું જોઈએ’ જયદેવને આગળની વાતની કોઈ ખબર હતી નહિ જયદેવે નાણા ચૂકવી બીલ લઈ જીપમાં બેઠો જયદેવે રવાના થતા પહેલા સીપીઆઈને રાજકોટમાં જમવું હોય તો આગ્રહ કર્યો પણ તેમણે સખ્ત રીતે ના પાડી માણસોની ઈચ્છા જમી લેવાની હતી પણ અધિકારી નજમે તો પછી ફોજ પણ રવાના થઈ.

બંને જીપો રવાના થતા જ જયુભા એ પહેલા મુકત રીતે ખખડીને હસી લીધું અને હજુ હસવાનું ચાલુ હતુ જયદેવે પુછયું શું છે? વાત કરો અમે પણ મજા કરીએ. અને જયુભાએ લાલ સ્ટોર ઉપર પારસીબાનુએ મુકત પણે મારેલા ડાયલોગ્ઝની વાત કરી જયુભાએ ડાયલોગ્ઝમાં થોડી કોમેડી અને કોમેન્ટ કરી વાતને વધાર રસપ્રદ બનાવી. ‘ખીદમદ ખુદા કો ભી પ્યારી’ તેમ જયદેવને પોતાના વખાણ તો ગમ્યા જ. પરંતુ જયદેવને તે વાતનું દુ:ખ થયું કે સીપીઆઈ દીનકરને કેટલુ દુ:ખ લાગ્યું હશે કે તેણે જમવાની પણ ના પાડી દીધી. કોઈ સ્ત્રી જયારે પૂરૂષને હીજડો કહે તેનાથી પછી તે પૂરૂષ માટે બીજુ મોટું અપમાન ની તે વાસ્તવિકતા જયદેવ સમજતો હતો પરંતુ આ દુ:ખ દૂર કરવાનો કોઈ ઉપાય પણ નહતો!

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.