ગેસકીટથી તિજોરી તોડવાનો પ્રયાસ: સીસીટીવી ફુટેજની મદદથી હત્યારાની શોધખોળ
શહેરમાં જન્માષ્ટમીના તહેવાર પૂર્વે ચોર, ગઠીયા અને લૂંટારાઓની રંજાડ વધી ગઇ હોય તેમ ગતરાતે શહેરની મધ્યમાં આવેલી હેડ પોસ્ટ ઓફિસના ચોકીદારની કરપીણ હત્યા કરી ગેસકીટની મદદથી તિજોરી તોડવાનો પ્રયાસ થયાનું પ્રકાશમાં બહાર આવતા સનસનાટી મચી ગઇ છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ હડમતીયા જંકશન ગામના વતની અને જામનગર રોડ પર નંદનવન સોસાયટીમાં રહેતા ભરતસિંહ પ્રવિણસિંહ જાડેજા નામના ગરાસીયા પ્રૌઢ હેડ પોસ્ટ ઓફિસે ગતરાતે નોકરી પર ગયા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ગળુ કાપી કરપીણ હત્યા કર્યા બાદ પોસ્ટ ઓફિસની તિજોરી તોડનવાનો પ્રય૩સ થયાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
હેડ પોસ્ટ ઓફિસના ચોકીદાર ભરતસિંહ જાડેજાની લોહી લુહાણ હાલતમાં લાશ પડી હોવાની હેડ પોસ્ટમેન દામજીભાઇ ચાવડાએ જોતા તેઓએ એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. જોઇન્ટ પોલીસ કમિશનર ભટ્ટ, ક્રાઇમ બ્રાન્ચના એસીપી ડો.હર્ષદ પટેલ, એ ડિવિઝન પી.આઇ. યાદવ, પી.એસ.આઇ. એલ.એલ.ચાવડા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
પોસ્ટ ઓફિસના મેઇન ગેઇટ પાસે આવેલી ચોકીદારની ઓરડીમાં ભરતસિંહ જાડેજાની લોહી લુહાણ હાલતમાં લાશ પડી હતી. લૂંટારાઓએ મુખ્ય દરવાજાની ચાવી શોધી અંદર ઘુસી ગયા હતા. બીજા માળે આવેલી ટ્રેઝરર બ્રાન્ચનો દરવાજો તોડી નાખી સ્ટ્રોંગ ‚મમાં રહેલી બે તિજોરી અને એક કબાટ ગેસકીટથી તોડી મોટી રકમની લૂંટ ચલાવવા પ્રયાસ થયો હતો.
લૂંટારાઓએ બે તિજોરી અને કબાટના દરવાજા ગેસકીટથી તોડી નાખ્યા હતા પણ રોકડ રકમ હાથ ન લાગતા લૂંટારાઓ પોતાની સાથે લાવેલા ગેસના બે બાટલા અને ગેસકીટના મશીન પોસ્ટ ઓફિસમાં જ છોડીને ભાગી ગયાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસે આજુબાજુના સીસીટીવી ફુટેજ મેળવ્યા હતા તેમજ ડોગ સ્કવોડ અને એફએસએલ સ્ટાફની મદદ લઇ હત્યા અને લૂંટના પ્રયાસની ઘટનાનો ભેદ ઉકેલવા વિવિધ દિશામાં તપાસ હાથધરી છે.
મૃતક ભરતસિંહ જાડેજા છેલ્લા દસેક વર્ષથી પોસ્ટ ઓફિસમાં ચોકીદાર તરીકે ફરજ બજાવે છે તેમને સંતાનમાં એક પુત્ર હોવાનું અને બે ભાઇઓમાં મોટા હોવાનું જાણવા મળે છે. ભરતસિંહ જાડેજાના ભાઇ મહેન્દ્રસિંહ જાડેજા પણ તેમના વતન હડમતીયા ગામે પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા હોવાનું જાણવા મળે છે.