આજે વિશ્વ દુધ દિવસ

દેશી ભઠ્ઠીથી લઈને આધુનિક મશીન દ્વારા થતું વ્યાપક ઉત્પાદન: માવાના પેંડા, થાબડી પેંડા, કણીદાર પેંડા, રજવાડી પેંડા, કેસર પેંડા, એલચી, ચોકલેટ વિવિધ સ્વાદના પેંડા રાજકોટની ઓળખ સમાન બન્યાં

1 જૂને સમગ્ર વિશ્વમાં દૂધ દિવસ ઉજવાઈ રહ્યો છે અને તેનો હેતુ દૂધ તથા ડેરી પ્રોડક્ટના ઉત્પાદન અને ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. કારણકે દૂધ અને ડેરી પ્રોડક્ટસ રોજીંદી જરૂરિયાતો સાથે અર્થવ્યવસ્થામાં પણ મહત્ત્વનો હિસ્સો ધરાવે છે, ત્યારે આ દિવસ નિમિત્તે રાજકોટની વિશ્વસ્તરે જાણીતી ડેરી પ્રોડક્ટ પેંડા વિશે વિગતે વાત કરીએ.

રાજકોટ રંગીલું શહેર ગણાય છે, અહીંની પ્રજા ઉદ્યમી, ખંતીલી અને આનંદી છે. રાજકોટના અનેકવિધ ઉદ્યોગો અને ઈનોવેશન્સ દેશ-દુનિયાને આકર્ષે છે. મીઠાઈમાં ગણના પામતાં પેંડા ક્ષેત્રે પણ રાજકોટમાં ઈનોવેશન થયા છે. સમગ્ર દેશમાં દૂધમાંથી સીધા જ પેંડા બનાવવાનો પ્રયોગ અને શરૂઆત રાજકોટમાંથી જ સન 1933માં થઈ હતી. જે આજે પણ ચાલુ છે. રાજકોટના દૂધના પેંડા આજે દુનિયાભરમાં પ્રખ્યાત છે. આ ઉપરાંત માવાના પેંડા, થાબડી પેંડા, કણીદાર પેંડા, રજવાડી પેંડા, કેસર પેંડા, એલચી, ચોકલેટ.. વગેરે વિવિધ સ્વાદના પેંડા રાજકોટની ઓળખ સમાન બન્યા છે.

જ્યારે રાજકોટમાં દેશી ભઠ્ઠી પર હાથેથી પેંડાનું ઉત્પાદન કરનારા નાના એકમો આશરે 100 જેટલા હોવાનો અંદાજ છે. પેંડા બનાવતા કારીગરોને નોંધપાત્ર મહેનતાણું અપાય છે. એક કારીગરને તેમની હથરોટી મુજબ આશરે રૂપિયા 700થી 1000 રૂપિયા રોજના ચૂકવાતા હોય છે.

રાજકોટ શહેરમાં આશરે 500 જેટલા રીટેઇલર્સ હશે, જેઓ પેંડા તેમજ અન્ય ડેરી પ્રોડક્ટ્સનું વેચાણ કરતા હોય છે.મહત્ત્વનું છે કે, પેંડા ઉત્પાદન માટેની મશીનરીમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સબસીડી પણ મળતી હોય છે.

રાજકોટ જિલ્લામાં પેંડાનું મહત્તમ ઉત્પાદન રાજકોટ શહેરમાં જ થાય છે. જેમાં દૂધના પેંડા, ફાડેલા દૂધના કણીદાર પેંડા, થાબડી પેંડા તેમજ માવાના પેંડા મુખ્ય છે. ઉપરાંત રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલું કુવાડવા ગામ રજવાડી પેંડા, કણીદાર પેંડા તથા માવાના પેંડાના ઉત્પાદન માટે જાણીતું છે. અહીં પેંડાનું ઉત્પાદન કરતા સામાન્ય રીતે, ઉનાળામાં દૂધની આવક ઘટતી હોય છે, સાથે ગરમીના કારણે પેંડાનો વપરાશ પણ ઓછો હોય છે. આ દરમિયાન જો વધારાની જરૂરિયાત ઊભી થાય તો બ્રાન્ડેડ કંપનીના પેકીંગ દૂધનો પેંડાના ઉત્પાદનમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે.

પેંડા ઉપરાંત રાજકોટમાં દૂધ તેમજ અન્ય ડેરી પ્રોડક્ટસનું ઉત્પાદન અને વપરાશ નોંધપાત્ર છે. ડેરી ઉત્પાદકોના એક અંદાજ મુજબ, રાજકોટમાં રોજની સરેરાશ પાંચથી છ લાખ લીટર કરતાં વધારે દૂધની ખપત છે. જેમાં રોજિંદા ઘરવપરાશ ઉપરાંત વિવિધ ડેરી પ્રોડક્ટસ જેમ કે, પેંડા, દહીં, છાશ, પનીર, ઘી તેમજ અન્ય મીઠાઈ સહિતની વસ્તુઓ બનાવવામાં દૂધનો ઉપયોગ સામેલ છે.  હવે તો રાજકોટથી પેંડા ઉપરાંત, દૂધપાક, ખીર, બાસુંદી, રબડી વગેરે પરંપરાગત ભારતીય મીઠાઈઓની પણ વિદેશની બજારોમાં નિકાસ થવા લાગી છે. આમ રાજકોટનો ડેરી ઉદ્યોગ પણ સમયની સાથે વિકાસની હરણફાળ ભરી રહ્યો છે.

મહિને 2.40 કરોડના પેંડાનું ઉત્પાદન રાજકોટમાં થાય છે:કલ્પેશ ડોબરીયા

રાજકોટ ડેરી મર્ચન્ટ એસોસિએશનના સભ્ય તથા ડેરી પ્રોડક્ટ્સના ઉત્પાદક   કલ્પેશ ડોબરિયાના મત મુજબ, રાજકોટમાં સીઝન અને માગ મુજબ પેંડાના ઉત્પાદનમાં વધઘટ થતી હોય છે. પરંતુ વાર્ષિક સરેરાશ જોઈએ રોજના આશરે બે ટન (2000 કિલો) જેટલા પેંડાનું ઉત્પાદન થતું હોવાનું કહી શકાય. આ પેંડા ઉત્પાદનમાં રોજનું આશરે 25 હજારથી 30 હજાર લીટરથી વધુ દૂધ વપરાશમાં લેવાતું હોવાનો અંદાજ છે. નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો, એક કિલો પેંડાનો સરેરાશ ભાવ રૂપિયા 400 ગણીએ તો, રોજના આશરે રૂપિયા 8 લાખ અને મહિને રૂપિયા 2.40 કરોડના પેંડાનું ઉત્પાદન રાજકોટમાં થાય છે.

અન્ય મીઠાઈઓનું ઉત્પાદન અને વેચાણ અલગ! રાજકોટ એક માત્ર એવું શહેર છે કે જ્યાં સીધા દૂધમાંથી જ પેંડા બને છે. આજે દેશના અન્ય રાજ્યો સાથે વિદેશમાં પણ રાજકોટના પેંડા નિકાસ થવા લાગ્યા છે.  કલ્પેશભાઈ ડોબરિયાના જણાવ્યા પ્રમાણે, રાજકોટમાં આશરે 10થી વધુ હોલસેલર્સ પેંડા ઉત્પાદકો છે, જ્યાં આધુનિક મશીનરી મારફતે પેંડાનું ઉત્પાદન થાય છે. અલબત્ત આ એકમોમાં પેંડાને ઢાળવાથી લઈને આકાર આપવાનું કામ માનવ કારીગરો દ્વારા જ થાય છે, પરંતુ દૂધને ઉકાળવા માટે દેશી ચૂલા કે ભઠ્ઠીના બદલે સ્ટીમ આધારિત મશીનરીનો ઉપયોગ થવા લાગ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.