કઠોર પરિશ્રમ થકી પોતાનું અને માતા-પિતાનું સપનું કર્યું સાકાર
હવે નિધી અઢીયા માત્ર એર ઇન્ડિયા બોઇંગ મેક્સ ફ્લાઇટ ઉડાડશે: પરિવારમાં આનંદની લાગણી: શુભેચ્છાવર્ષા
રાજકોટ માટે આજે ગૌરવવંતી ક્ષણ છે. રાજકોટની દીકરી કેપ્ટન નિધી અઢીયા આજે ઇન્ટરનેશનલ પાયલોટ બની ગઇ છે. હવે તે માત્ર બોઇંગ મેક્સ ફ્લાઇટ જ ઉડાડશે. તેને એર ઇન્ડિયા જોઇન કર્યું છે. કઠોર પરિશ્રમ થકી નિધીએ પોતાનું બાળપણનું અને માતા-પિતાનું સપનું સાકાર કર્યું છે.
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન બિપીનભાઇ અઢીયા અને માલતીબેન અઢીયાની લાડકવાયી દીકરી નિધી અઢીયાએ માત્ર પરિવાર જ નહિં પરંતુ રાજકોટ શહેરને ગૌરવ અપાવ્યું છે. કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ હોતો નથી. આ ઉક્તિને નિધી અઢીયાએ એરલાઇન્સની દુનિયામાં અક્ષરસ: સાચી પાડી છે.
નાનપણથી આકાશને આંબવાની ઇચ્છા ધરાવતી નિધી હવે ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડાડશે. કેપ્ટન નિધી અઢીયાએ પાયલોટ બનવાનું પોતાનું ડ્રીમ સીએઇ ઇન્ડિગોના ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર તરીકે કરી હતી. ત્યારબાદ તેને અચિવમેન્ટ હાંસલ કરતા સ્પાઇસ જેટમાં પાયલોટ બની હતી. તેને સખત મહેનતના સહારે પોતાના એક પછી એક સપનાને સાકાર કર્યા છે. તે ઘણા સમયથી ઇન્ડિયન એરલાઇન્સમાં સેવા આપી રહી છે.
એરલાઇન્સ અને એરઇન્ડિયા થકી તેને પોતાનું સપનું સાકાર કર્યું છે. તેના માતા માલતીબેન અઢીયાનું એવું સપનું હતું કે પુત્રી નિધી અઢીયા પાયલોટ બને. નાનપણથી જ તેને આ લાઇનમાં આગળ વધવા માટે સતત પ્રેરણા આપવામાં આવતી હતી. તે રાજકોટ જ નહિં પરંતુ સમગ્ર ગુજરાતમાં એવી પ્રથમ મહિલા છે કે જેને ઇન્ટરનેશનલ પાયલોટ બનવાનું બહુમાન પ્રાપ્ત થયું હોય. આજે તેને ઇન્ટરનેશનલ પાયલોટની ડિગ્રી મળી છે. સાથે તેને એરઇન્ડિયા જોઇન કર્યું છે. હવે તે લોકલ ફ્લાઇટ ઉડાડશે નહિં. ઇન્ટરનેશનલમાં પણ માત્ર બોઇંગ મેક્સ ફ્લાઇટને ઉડાન કરાવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેપ્ટન નિધી અઢીયાના દાદા કાંતિભાઇ જેઓ સ્વતંત્રતાની લડતમાં જોડાયા હતા. તે રાજકોટના ખૂબ જાણીતા એવા જય સીયારામ પેંડાવાલાની દોહિત્રી અને રઘુનંદનભાઇ તથા જયંતભાઇની ભાણેજ છે. માત્ર પાયલોટ બનવું તે પણ એક મોટી ઉપલબ્ધિ ગણાવી શકાય. આવામાં કેપ્ટન નિધી અઢીયાએ રાજકોટ જ નહિં પરંતુ સૌરાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે અને ઇન્ટરનેશનલ પાયલોટ બનવાનું બહુમાન હાંસલ કર્યું છે. અઢીયા પરિવારના આંગણે આજે જાણે સોનાનો સુરજ ઉગ્યો હોય તેવી ખુશાલી જોવા મળી રહી છે. નિધી પર દેશભરમાંથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
કોરોના વેક્સિન લઇને ઉડાન ભરનાર નિધી એકમાત્ર મહિલા પાયલોટ હતી
વૈશ્ર્વિક મહામારી કોરોનાના ખાત્મા માટે ભારત સરકારના સહયોગથી પુનાવાલાએ વેક્સિનની શોધ કરી હતી. જ્યારે દેશમાં કોરોના વેક્સિન મોકલવાની શરૂઆત કરવામાં આવી ત્યારે કેપ્ટન નિધી અઢીયા એકમાત્ર એવી મહિલા પાયલોટ હતી કે જેને વેક્સિનના ડોઝ સાથે ફ્લાઇટને ઉડાન ભરાવી હોય. વેક્સિનનો મોટો જથ્થો લઇ તે પુનાથી હૈદ્રાબાદ ગઇ હતી. આ ઘટનાથી પણ રાજકોટવાસીઓની છાતી ગદ્ગદ ફૂલી ગઇ હતી. ફરી એક વખત નિધીએ રાજકોટને ગૌરવ પ્રદાન કર્યું છે.
રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ સાથે ઇન્ટરનેશનલ પાયલોટ પણ મળી
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગત 27મી જુલાઇના રોજ હિરાસર ખાતે બનેલા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજ દિવસે કેપ્ટન નિધી અઢીયાને ઇન્ટરનેશનલ પાયલોટની પદવી એનાયત કરવામાં આવી હતી. ટૂંકમાં 27મી જુલાઇનો દિવસ રાજકોટ માટે ખરા અર્થમાં યાદગાર બની રહેશે. હાલ નિધી છેલ્લા 10 વર્ષ દિલ્હીમાં છે. હવે તેને અન્ય સિટી ફાળવવામાં આવે તેવી સંભાવના છે. રાજકોટમાં પણ ઇન્ટરનેશનલ એરપોર્ટ બની ગયું હોય નિધીને અહિં પણ મૂકાય તેવી શક્યતા હાલ નકારી શકાતી નથી.
5500 કલાક પ્લેન ઉડાડવાનો બહોળો અનુભવ
છેલ્લા 10 વર્ષથી એરલાઇન્સમાં જોડાયેલી કેપ્ટન નિધી અઢીયા પાસે 5500 કલાક પ્લેન ઉડાડવાનો બહોળો અનુભવ છે. અલગ-અલગ બે એરલાઇન્સ કંપનીમાં તે સેવા આપી ચુકી છે. કોઇપણ પાયલોટ પાસે પ્લેન ઉડાડવાનો 5500 કલાકનો અનુભવ ખરેખર સારો કહી શકાય. એક મહિલા તરીકે ઇન્ટરનેશનલ પાયલોટ બની નિધીએ એ વાત સાબિત કરી દીધી છે કે જો તમે ધારો તો કોઇપણ વસ્તુ અશક્ય નથી.