સ્કૂલેથી મુંબઇ દાદફીના ઘરે પહોંચ્યા: રાજકોટ પોલીસ બંને બાળકોને લઇ મુંબઇથી રવાના થઇ
શહેરના શ્રધ્ધા સ્કૂલમાં અભ્યાસ કરતા બે તરૂણ વયના સગા ભાઇઓ લાપતા બનતા પોલીસ સ્ટાફ અને પરિવારજનોમાં દોડધામ થઇ ગઇ હતી. ગુમ થયેલા બંને બાળકોના મુંબઇ ખાતે રહેતા દાદીના ઘરે પહોચ્યાની પોલીસને જાણતા પોલીસ સ્ટાફ મુંબઇ જઇ બંને બાળકોને લઇ રાજકોટ આવવા રવાના થઇ છે.
પીપળીયા હોલ પાસે સહકારનગરમાં રહેતા અને માલવીયાનગર વિસ્તારમાં આવેલી શ્રધ્ધા સ્કૂલમાં ધોરણ ૭ અને ૬માં અભ્યાસ કરતા રૂષિ ભરતભાઇ દવે (ઉ.વ.૧૨) અને નાનો ભાઇ દર્શન (ઉ.વ.૧૧) ગઇકાલે સવારે સાઇકલ લઇને સ્કૂલે જવા નીકળ્યા બાદ બંને વિદ્યાર્થીઓ શાળાએ ન આવ્યા હોવાથી સ્કૂલ સંચાલકો દ્વારા તેના ઘરે જાણ કરી હતી. તેજ શાળામાં અભ્યાસ કરતા તેના અન્ય એક ભાઇ દેવ સ્કૂલમાં તપાસ કરી ત્યારે બંને ભાઇઓ શાળામાં ન હોવાનું અને ઘરે નાસ્તાનો ડબ્બો લેવા જવાનું કહીને સાઇકલ લઇને જતા રહ્યાનું બહાર આવ્યું હતું.
માલવીયાનગર પોલીસે સવારે ગુમ નોંધ નોંધી ન હોવાથી અપહૃતના પરિવારજનો ડીસીપી બલરામ મીણા પાસે પહોચ્યા હતા. બંને બાળકોના અપહરણ થયાની માલવીયાનગર પોલીસે નોંધ કરી તપાસ હાથધરી હતી તે દરમિયાન અપહૃતના પરિવારને બંને બાળકોની સાઇકલ ગુરૂકુળ પાસેથી રેઢી મળી આવી હતી. પોલીસ તપાસ દરમિયાન અપહૃતના દાદી મુંબઇ ખાતે રહેતા હોવાથી ત્યાં તપાસનો દોર લંબાવ્યો હતો. બંને બાળકો મુંબઇ દાદીના ઘરે પહોચી ગયાની પોલીસને જાણ થતા પોલીસ સ્ટાફ મુંબઇ દોડી ગયો હતો અને બંને બાળકોને લઇ રાજકોટ આવવા રવાના થયા છે.