હાલ કલેકટર કચેરીમાં પૂરવઠા અધિકારી અને મ.ભો.યો.ના નાયબ કલેકટરની જગ્યા ખાલી
રાજય સરકાર દ્વારા રાજકોટના ડે. કલેકટરની ખેડા ખાતે અને ભરૂચના ડે. કલકેટરની દેવભૂમિ દ્વારકા ખાતે બદલી કરી છે. રાજયનાં પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગઈકાલે સાંજે બે જીએએસ અધિકારીઓની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ જિલ્લાનાં મધ્યાહન ભોજન યોજનાના નાયબ કલેકટર એમ.કે. પટેલને ખેડા જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે મૂકવામાં આવ્યા છે. ઉપરાંત ભરૂચ જિલ્લાનાં જંબુસરનાં પ્રાંત અધિકારી એ.કે.કલસરીયાને દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે મૂકવામા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ રાજકોટ જિલ્લાના પૂરવઠા અધિકારી યોગેશ જોષીની પણ બદલી કરી નાખવામાં આવી હતી. ત્યારે આ જગ્યા ખાલી થતા તેનો ચાર્જ મધ્યાહન ભોજન યોજનાના નાયબ કલેકટર પટેલને આજે સોપવામાં આવ્યો હતો. જોકે હવે તેમની પણ બદલી થતા રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં મધ્યાહન ભોજન યોજનાના નાયબ કલેકટર અને પુરવઠા અધિકારી બંનેની જગ્યા ખાલી થઈ ગઈ છે.