સૌરાષ્ટ્રભરમાં ગાંજાના છુટક વેંચાણ કરતા હોવાની કબુલાત: સુરતના સપ્લાયરની શોધખોળ

શહેરના સંવેદનશીલ જંગલેશ્ર્વર વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે પોલીસે બે મહિલા સહિત ચાર શખ્સોને ઝડપી ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા અદાલતે ગાંજાના ધંધાર્થી નામચીન દંપતિને ચાર દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. દંપતિ સુરતથી ગાંજો મંગાવતા હોવાની આપેલી કબુલાતના આધારે પોલીસે સુરતના સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે.

જંગલેશ્ર્વર ગાંધીચોકમાં રહેતી નામચીન મદીના ઉર્ફે સાવરણી ઓસમાણ જુણેજા નામની મહિલાએ ગાજાનો મોટો જથ્થો મંગાવ્યાની બાતમીના આધારે એસઓજી અને ભક્તિનગર પોલીસે ગત મોડી રાત્રે સંયુક્ત દરોડો પાડયો છે. પોલીસે રૂ.૨૧.૪૭ લાખનો કિંમતના ૩૫૭ કિલો ગાંજો, બોલેરો, હોન્ડા સિટી કાર, એક્ટિવા અને પિસ્તોલ સહિત રૂ.૩૪ લાખનો મુદ્દામાલ કબજે કરી ચાર શખ્સોની નાર્કોટીકસના ગુનામાં ધરપકડ કરી છે.જંગલેશ્ર્વરમાં તાજેતરમાં જ સવા કિલો ગાંજા સાથે ઝડપાયેલી અમીનાની પુત્રી મદીનાએ ગાંજાનો જથ્થો મંગાવ્યાની બાતમીના આધારે પોલીસે ફકીરનો વેશ ધારણ કરી ગાંજો ખરીદવા ગ્રાહકના સ્વાંગમાં દરોડો પાડયો હતો.

પોલીસે ૧૦ કિલોના ૨૦ પાર્સલ એટલે કે ૨૦૦ કિલો ગાંજો તેમજ અગાઉ મંગાવેલ ૧૭૦ કિલો ગાંજો મળી કુલ ૩૭૦ કિલો ગાંજો મળી આવતા મદીના ઓસમાણ જુણેજાના પતિ, ઓસમાણ જુણેજા, તેની પુત્રી અને એક સગીર બાળકને ઝડપી લીધા છે. બાળક પાસે પ્લાસ્ટીકની કોથળીમાં ગાંજાનો પેકિંગ કરાવવામાં આવી રહ્યું હતું. મદીના અને તેના પતિ ઓસમાણની પુછપરછ દરમિયાન ૨૦૦ કિલો ગાંજો ગઈકાલે સુરતથી આવ્યો હોવાની કબુલાત આપી હતી.

પોલીસે મદીના અને તેના પતિ ઉસ્માન જુણેજાને ચાર દિવસના રિમાન્ડ પર મેળવી તેઓ ગાંજાનું સમગ્ર સૌરાષ્ટ્રમાં વેંચાણ કર્યાની કબુલાત આપી હતી. પોલીસે સુરતના ગાંજાના સપ્લાયરને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.