- આવનાર વિઘાનસભાની ચૂંટણીમાં ટીકિટની વહેંચણીમાં કોઇ કાર્યકરની નારાજગી જોવા ન મળે તેનું ધ્યાન રાખવાનું છે: સી.આર.પાટીલ
- ભાજપ કાર્યકર્તા,કાર્યાલય,કોર્ષ,કાર્યક્રમ એમ ચાર ક્રમના આઘારે પાર્ટીની કાર્યપદ્ધતી બનતી હોય છે: વિજયભાઇ રૂપાણી
રાજકોટ શહેર ભાજપના ભવ્ય નવનિર્મિત કાર્યાલય કમલમ નું લોકાર્પણ આજરોજ પેજસમિતિના પ્રણેતા અને યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ના વરદ હસ્તે તેમજ પ્રદેશ સંગઠનના મહામંત્રી રત્નાકરજી, કર્ણાટકના પુર્વ રાજયપાલ વજુભાઇ વાળા અને રાજયના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીજીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતુ.
પેજ સમિતિના પ્રણેતા અને પ્રમુખ સી.આર.પાટીલ સંબોધન કરતા જણાવ્યું કે, દિલ્હીનું કાર્યાલય છોડી દઇએ તો આખા દેશમાં આવું કાર્યાલય ક્યાંય બન્યું નથી.આ કાર્યાલય સાદગી અને પુરતી વ્યવસ્થા સાથે બનાવ્યું છે તે બદલ આપ સૌ કાર્યકરોનો આભાર. દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ જ્યારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે નરેન્દ્રભાઇ મોદી સુચના આપી હતી કે આખા દેશમાં દરેક જિલ્લામાં કાર્યાલય બનવું જોઇએ અને પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ ના નેતૃત્વમાં સમગ્ર દેશમાં 700 જેટલા કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. કાર્યકર્તા દ્વારા કાર્યાલયનું નિર્માણ થાય છે તે મહત્વનું છે. ભવ્ય કાર્યાલયના નિર્માણ થયા પછી ભવ્ય વિજય થવો પણ નિશ્ચિત છે.આવનાર સમયમાં આ કાર્યાલય ખૂબ ઉપયોગી સાબિત થશે. આવનાર વિઘાનસભાની ચૂંટણીમાં ટીકિટની વહેંચણીમાં કોઇ નારાજગી જોવા ન મળે તેનું ધ્યાન રાખવાનું છે. ટીકિટની વહેંચણી આપણા વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી અને દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ સાહેબ કરવાના છે તેઓ દરેક સમાજને સાથે રાખી યોગ્ય ઉમેદવારને જ ટીકિટ આપશે તે વિશ્વાસ તેમના પર રાખજો.
પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીજીએ સંબોધન કરતા જણાવ્યું કે, કાર્યાલયનો અર્થ જ છે કાર્યનો આરંભ. ભાજપ પાર્ટી વિથ ડિફરન્સ છે. ભાજપ પાર્ટી કાર્યકર્તા,કાર્યાલય,કોર્ષ,કાર્યક્રમ એમ ચાર ક્રમના આઘારે પાર્ટીની કાર્યપદ્ધતી બનતી હોય છે. બીજા રાજકીય પક્ષોમાં કાર્યકર્તાઓનું મહત્વ નથી એટલે જ કાર્યાલયનું મહત્વ નથી. ભાજપમાં કેન્દ્ર સ્થાને કાર્યકર હોય છે.નવા કાર્યાલયમાં સૌ સંકલ્પ કરીએ દશે દીશામાં પાર્ટીને લઇ જઇશું. પાર્ટીનો વ્યાપ વઘારીએ.
કર્ણાટકના પુર્વ રાજયપાલ વજુભાઇ વાળાએ સંબોધન કરતા જણાવ્યું કે, ભાજપના કાર્યકરનો વ્યવહાર ખૂબ નિખાલસ હોવો જોઇએ. પેજ કમિટિના પ્રમુખ તેમના સભ્યો સાથે અવારનવાર મુલાકાત કરે. પેજ કમિટિના સભ્યો આપણને ફકત મત આપે એવું નહી આપણને મત અપાવે તેવી પ્રેરણા આપવાની છે. ગુજરાતની 182 બેઠક જીતવા પાર્ટીના કાર્યકરોએ ખૂબ મહેનત કરવી પડશે.
આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રી વિનોદભાઇ ચાવડા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, રાજય સરકારના મંત્રી અરવિંદભાઇ રૈયાણી, સાંસદ મોહનભાઇ કુંડારિયા,ધારાસભ્ય ઓ અને રાજકોટ શહેના મેયર પ્રદિપભાઇ ડવ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.