એક દિવસમાં વધુ ૧૩ દર્દીઓના રીપોર્ટ પોઝીટીવ: ૬૦થી વધુ દર્દીઓ સારવારમાં, ૧૪ દર્દીઓની હાલત ગંભીર
રાજકોટમાં સ્વાઈનફલુ પર નિયંત્રણ મેળવવા માટે સઘન પ્રયાસો છતાં સ્વાઈનફલુમાં કહેર વધી રહ્યો હોય તેમ રાજકોટ–મેટોડાની યુવતીનો રિપોર્ટ આવે તે પહેલા જ દમ તોડયો હતો. વધુ ૨૪ કલાકમાં રાજકોટ શહેરની હોસ્પિટલોમાં પાંચ દર્દીઓના મોત નિપજયા છે અને ૧૩ દદીઓના રીપોર્ટ સ્વાઈનફલુ પોઝીટીવ આવતા આંકડો ૩૦૦ને પાર પહોંચી ગયો છે. હાલ ૬૦થી વધુ દર્દીઓ રાજકોટની હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે.
જેમાં ૧૪ દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સ્વાઈનફલુની પરિસ્થિતિ વકરી રહી હોય તેમ અંકુશ મેળવવાના સઘન પ્રયાસો બાદ પણ રોજબરોજ સ્વાઈનફલુના મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે અને દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં ૨૪ કલાકમાં મેટોડાની ૨૫ વર્ષીય યુવતીનો રીપોર્ટ આવે તે પહેલા જ દમ તોડયો હતો. જયારે રાજકોટ શહેરના વેલનાથપરામાં રહેતા ૪૨ વર્ષીય મહિલાનું પણ મોત નિપજયું હતું.
વધુમાં અમરેલીના ૬૫ વર્ષીય વૃદ્ધનું, રાજકોટના ૬૨ વર્ષીય વૃદ્ધા અને અમરેલીના સોનારીયા ગામના ૫૭ વર્ષીય પ્રૌઢનું પણ સારવાર દરમિયાન મોત નિપજયું હતું. એક જ દિવસમાં પાંચ દર્દીઓએ દમ તોડતા સ્વાઈનફલુનો હાહાકાર ફેલાઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.
જયારે એક જ દિવસમાં વધુ ૧૩ દર્દીઓના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. જેમાં શાપર–વેરાવળના ૪૫ વર્ષીય આધેડ, રાજકોટની ૬ વર્ષની બાળા, રાજકોટના ૩૬ વર્ષીય યુવાન, મોરબીના લગ્ધીરપુર ગામનાં ૪૦ વર્ષીય મહિલા, ખરેચા ગામના ૭૬ વર્ષીય વૃદ્ધ, ગીર–સોમનાથના ૨૦ વર્ષીય યુવાન, ગીર સોમનાથના જ ૪૦ વર્ષીય મહિલા, ઉનાના ૩૦ વર્ષીય મહિલા, વેરાવળના ૫૧ વર્ષીય પ્રૌઢ, જુનાગઢના ૬૦ વર્ષીય વૃદ્ધા, વિસાવદરના ૫૫ વર્ષીય પ્રૌઢા અને અમરેલીના ૪૪ વર્ષીય મહિલા સહિત ૧૩ દર્દીઓના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.
રાજકોટ શહેરમાં તથા આસપાસનાજીલ્લાઓમાં સ્વાઈનફલુએ માજા મુકી હોય તેમ એક જ દિવસમાં પાંચ દર્દીઓના મોત નિપજયા હતા. જયારે વધુ ૧૩ દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવતા રાજકોટની હોસ્પિટલમાં ૬૦થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તેમાં ૧૪ દર્દીઓની હાલત ગંભીર લાગી રહી છે.