લોકડાઉન પછી દારૂની રેલમછેલ !!
દારૂના દસ ટ્રક સગેવગે થાય ત્યારે એક ટ્રક બુટલેગરની મહેરબાનીથી પોલીસ પકડતી હોવાની ચર્ચા
મોટા ગજાના બુટલેગરની ઇચ્છા મુજબ પોલીસ દ્વારા રેડ થાય ત્યારે તેને ભાગતો બતાવવા સહિતની વહીવટી ગોઠવણ?
પોલીસની મહત્વની બ્રાન્ચ મિલકત વિરૂધ્ધના ગુનાનો ભેદ ઉકેલવાના બદલે દારૂ-જુગારના કેસમાં જ વધુ કેમ ઉત્સુક?
હર્ષદ મહાજન, યાકુબ, ફિરોજ સંધી જેવા બુટલેગરો અને પોલીસ વચ્ચેની સાંઠગાંઠથી જ દારૂની બદી બની બેફામ
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેમ છુટથી પ્યાસીઓને છુટથી દારૂ મળી રહ્યો છે. પોલીસ દારૂ જેટલો પકડે છે તેના અનેક ગણો સગેવગે થાય પછી દરોડો પાડવામાં આવે છે. દારૂબંધીના કાયદાનું જે રીતે બુટલેગરો લીરા ઉડાવે છે એટલા જ જવાબદાર દારૂબંધીનો અમલ કરાવનાર પણ છે. દારૂબંધીના કાયદાને સરકાર દ્વારા કડક જોગવાય કરવામાં આવી હોવા છતાં દારૂના ચાલતા કારોબારમાં પોલીસની ભૂમિકા પણ ભુંડી અને ખરડાયેલી રહી છે. મોટા ગજાના બુટલેગરો અને મહત્વની બ્રાન્ચ વચ્ચેના સંપર્કો અને સાંઠગાંઠની અનેક વખત સામે આવી છે.
સૌરાષ્ટ્રને વિદેશી દારૂ પુરો પાડતા યાકુબ, હર્ષદ મહાજન અને ફિરોજ પૈકી યાકુબ અને હર્ષદ મહાજન લાંબા સમયથી જેલમાં હોવાથી ફિરોજ સંધી દ્વારા વિદેશી દારૂનો મુખ્ય બુટલેગર બની ગયો છે. જો કે ફિરોજ સંધી ઘણા લાંબા સમયથી શહેરની મહત્વની બ્રાન્ચના કેટલાક સ્ટાફ સાથેના સંપર્કોના કારણે દારૂ કયાં ઉતારવો અને કંઇ રીતે કટીંગ કરવી સહિતની ટીપ કાયદાના જાણકારો દ્વારા જ આપવામાં આવે છે એટલું જ નહી પોલીસની મીઠી નજર હેઠળ બુટલેગર ફિરોજ સંધી વધુને વધુ બેફામ બની કુવાડવા અને કોટડા સાંગાણી તેમજ વાંકાનેર પંથકને દારૂ છુપાવવાનું અને કટીંગ કરવાનું એપી સેન્ટર બનાવ્યાનું જગજાહેર છે.લોક ડાઉન દરમિયાન પાન-ફાકી મળવી મુશ્કેલ હતી ત્યારે પણ કેટલાક બુટલેગરો દ્વારા કરી રખાયેલા સ્ટોકનું વેચાણ કરી મનફાવે તેવી કિંમત વસુલ કરી હતી. લોકડાઉન ખુલતાની સાથે જ ફરી સક્રિય બનેલા બુટલેગરો પૈકીના ફિરોજ સંધીએ ગઇકાલે પડવલાના એક ગોડાઉનમાં દારૂનો જંગી જથ્થો ઉતાર્યાની બાતમીના આધારે પોલીસની મહત્વની બ્રાન્ચે દરોડો પાડયા બાદ પડવલા કોટડા સાંગાણી પોલીસ મથકની હદ હોવાનું ધ્યાન પર આવતા કબ્જે કરેલો દારૂનો જથ્થો આજી ડેમ પોલીસને સોપી દરોડાની કાર્યવાહી આજી ડેમ પોલીસે કર્યાની કાગળ પર જાહેર કરી મહત્વની બ્રાન્ચે ચીપટીમાં આવેલા હાથ સેરવી લીધો છે.
દારૂનો મોટો જથ્થો પકડી કામગીરીની ક્રેડિટની સાથે મલાઇ તારવામાં માહિર પોલીસ દ્વારા ફિરોજ સંધીનો દારૂ પકડવાની ઉતાવળમાં શાપર પોલીસની હદમાં પહોચી હદ કરી હતી ઉતાવળમાં પાડેલા દરોડામાં કંઇ કાચુ કપાયાનું જણાતા વિવાદથી બચવા મહત્વની બ્રાન્ચે મલાઇ તારવી આજી ડેમ પોલીસને ક્રેડિટ અને તપાસની કામગીરી સોપી દીધી છે. ફિરોજ સંધી સામે દારૂબંધીના નવા સુધારેલા કાયદા મુજબ કાર્યવાહી કરવી કે કેમ તે અંગે ગડમથલ ચાલી રહી છે. બીજી તરફ ફિરોજ સંધી પણ વહીવટ ગોઠવવામાં માહિર હોવાથી ફિરોજ સંધી કાયદાની ચુંગાલમાંથી છટકી ફરી દારૂની હેરાફેરીમાં ગોઠવાય જશે તેમ જાણકારો કહી રહી છે.
એક કે બે બોટલ દારૂ સાથે પકડાયેલાઓ સામે થતી કડક કાર્યવાહી જો મોટા ગજાના બુટલેગરો સામે થાય તો પણ દારૂબંધીનો ખરા અર્થમાં અમલ થઇ શકે તેમ છે.