આઇપીએલ બાદ વર્લ્ડ કપની સિઝને બુકીઓ અને પોલીસને કર્યા માલામાલ: પટંરો પાસેથી મુખ્ય સટ્ટોડીયાના નામ ખોલાવી ‘રોકડી’ કરી તપાસને રફેદફે કરવામાં પોલીસ બની માહિર
આઇપીએલ બાદ વર્લ્ડ કપ ક્રિકેટ સિઝને રાજકોટ પોલીસ અને બુકીઓને માલામાલ કરી દીધા છે. પટંરો પાસેથી મુખ્ય સટ્ટોડીયાના નામ ખોલાવી ઓને ઓન બોલાવી ‘રોકડી’ કરી જવા દેવાની કેટલીક ઘટનાઓ સામે આવતા પોલીસની પોલ ખુલ્લી છે.
ક્રિકેટના સટ્ટાનો કેસ શહેરમાં સ્થાનિક પોલીસ કરી શકે નહી અથવા તો સ્થાનિક પોલીસને કેસ કરતા અટકાવવામાં આવતા હોય તેમ ક્રિકેટના સટ્ટાના કેસ મહત્વની બ્રાન્ચ અને પોલીસ મથકના ડી સ્ટાફ સિવાઇ કોઇ કરતું જ નથી અને તેઓએ કેસ કર્યા બાદ શું કર્યુ તે અંગે મહત્વની બાબતે પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને અજાણ જ રાખવામાં આવતા હોવાતી ક્રિકટ સટ્ટાના કેટલાય કેસ રફેદફે કરી કરવામાં આવી રહ્યા છે.
આઇપીએલ બાદ વર્લ્ડ કપની ક્રિકેટ સિઝનમાં શહેરના શેરી ગલ્લીમાં સટ્ટો રમાડતા છુટક પંટરો ફુટી નીકળે છે. તેઓ પોતાના મોબાઇલમાં એપ્લીકેશન ડાઉન લોડ કરી હરતા ફરતા રનફેરનો સટ્ટો રમાતા હોય છે. અને પોલીસની આંખમાં ધૂડ નાખવાનો નિરર્થક પ્રયાસ કરવામાં આવે છે. પોલીસ પણ ‘ ક્રિકેટ સટ્ટા’ માટે બાતમીદારોને એક્ટિવ કરી એપ્લીકેનની સામે કાર્યવાહી કરવામાં સજ્જ બની રહે છે.
ઓન લાઇન ક્રિકેટનો સટ્ટો રમાતા પંટરોને પકડી તેની સામે કેસ કરી તેની પાસેથી રોકડી કર્યા બાદ તે કોને કપાત આપે છે તેનું નામ ખોલાવ્યા બાદ મુખ્ય બુકીને ઓને ઓન પોલીસ મથકે બોલાવી હજારોની નહી પણ લાખોની રકમ ખંખેરવામાં આવે છે.
આ રકમ ઉચ્ચ અધિકારીઓ સુધી પહોચી હોવાની જગજાહેર બન્યું છે. અને કેટલાક બુકીઓ પણ પોલીસ પાસે પોતાની મનમાની કરાવતા હોવાની જાહેરમાં ડંફાસ મારતા હોય છે.
ક્રિકેટ સટ્ટામાં બુકીઓને હારવાનો કયારેક જ વારો આવે છે.
બુકીઓ પોતાની વસુલાત સેઇફ કરવા માટે પટંરો પાસેથી લાખોની રકમ એડવાન્સમાં જ લઇ પોતાની પાસે જમા રાખી અમુક લીમીટ સુધી જ કપાત લેતા હોય છે. આમ છતાં કેટલાક પટંરો રસાકસી ભર્યા મેચમાં મોટી રકમ હારી જાય ત્યારે તેની પાસેથી ઉઘરાણી કરવા માટે પોલીસને અમુક રકમ એટલે કે પાંચ આંકડાની રકમ કમિશન પેટે આપી પોલીસને હવાલો આપવાની પણ કેટલીક ઘટનાઓ પોલીસ માટે આવકનું સાધન બન્યું છે.
પટંરો પોતાના ગજા બહારની રકમ ક્રિકેટ સટ્ટામાં હારી જાય અને તેની પાસે બુકીઓ અને પોલીસ દ્વારા જ પઠાણી ઉઘરાણી કરવામાં આવે ત્યારે આબરૂદાર પટંરે પોતાના પરિવારનો વિચાર કર્યા વિના જ આપઘાત કરી પરિવારને નોધારા છોડી પોતે ફાની દુનિયા છોડી દેતા હોવાની પણ કેટલીક ઘટનાઓ સામે આવી છે.
રામકૃષ્ણનગરમાં ક્રિકેટ સટ્ટાકાંડમાં પોલીસે ભીનું સંકેલી લીધું
સ્ટેટ વિજીલન્સના દરોડા બાદ પોલીસ અધિકારી દ્વારા ઇન્કવાયરીની કરાયેલી જાહેરાતનું સુરસુરીયુ થયુ!
આઇપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટ દરમિયાન સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ વિઝલન્સ સ્કવોડે રામકૃષ્ણનગરમાં દરોડો પાડી આઠ જેટલા શખ્સોને લાખોના મુદામાલ સાથે ઝડપી મુખ્ય બુકીઓના નામ ખોલાવી સ્થાનિક પોલીસને તપાસ સોપવામાં આવ્યા બાદ સ્થાનિક પોલીસે મુખ્ય બુકીઓના નામ ખુલ્લી ગયા હોવા છતાં તેની સામે કાર્યવાહી કરવામાં સ્થાનિક પોલીસે બુકીઓની શેહ શરમમાં આવી ઘૂમ્મટો તાણી લીધો છે.
રામકૃષ્ણનગરમાં સ્ટેટ મોનિટરીંગ સ્ટાફ દ્વારા ક્રિકેટ સટ્ટાકાંડનો પર્દાફાસની સાથે સાથે પોલીસ અને બુકીઓની સાંઠગાંઠ ખુલ્લી પાડતા ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા સ્થાનિક પોલીસ સામે સોપવામાં આવેલી ઇન્કવાયરીનું સુરસુરીયું થઇ ગયું છે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા પણ ઇન્કવારીનું શું થયું અને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉણા ઉતર્યા છે.
બુકીઓ અને પોલીસની મીલીભગતથી ચાલતા ક્રિકેટ સટ્ટા સામે ત્વરીત કાર્યવાહી નહી થાય તો વ્યાજની જેમ બરબાદ થયેલા પટંરો આપઘાત કરવા મજબુર બનશે તેમ જાણકારો કહી રહ્યા છે. પંદર દિવસ જેટલો સમય વર્લ્ડ કપ રમાવવાનો બાકી છે ત્યારે શહેર પોલીસ તેના અસલી મિજાજમાં આવી કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.