જામનગરમાં ૧૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે સોપારી આપી ભાડુતીમારાઓએ ધારાશાસ્ત્રી કિરીટ જોષીની હત્યા કરી’તી
જામનગરના એડવોકેટ કિરીટ જોષીની ચકચારી હત્યા કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ અને સિનીયર ધારાશાસ્ત્રી અનિલભાઈ દેશાઈની કાયદા વિભાગ દ્વારા નિમણૂંક કરવામાં આવી છે.
જામનગરના રૂ.૧૦૦ કરોડની જમીન કેસમાં રોકાયેલા એડવોકેટ કિરીટભાઈ જોષીની ભૂમાફીયાઓએ સોપારી આપી ભાડુતીમારા પાસે હત્યા કરાવતા સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને જામનગર એલસીબી હત્યાના ગુનામાં સંડોવાયેલા શખ્સોની ધરપકડ કરી જેલહવાલે કર્યા છે.
રાજકોટ જિલ્લા સરકારી વકીલ તરીકે ફરજ બજાવી ચૂકેલા સિનીયર ધારાશાસ્ત્રી અનિલભાઈ દેશાઈ કાળીપાટ ડબલ મર્ડર, અમરેલીના અદિતી હત્યા કેસ અને જસદણના ડબલ મર્ડર સહિતના અનેક ચકચારી કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે ફરજ બજાવી છે. તેઓને સરકાર દ્વારા કિરીટભાઈ જોષી હત્યા કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે નિમણૂંક આપી છે.
કાયદાની આંટીઘુંટી આગવી કુનેહથી સુલટાવતા એડવોકેટ અનિલભાઈ દેશાઈની નિમણૂંકથી હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.