કહેવાય છે કે જ્યાં જ્યાં મહાદેવ ત્યાં ત્યાં પોઠીયો ને કાચબો પણ શું તમે એવું કોઈ મંદિર જોયું છે કે જ્યાં જીવતા જાગતા કાચબા મ્હાલતા હોઈ…
શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે, ભક્તો પણ ભોળાનાથને પૂજા-અર્ચના થકી ભોળાનાથને રિઝવવા માટે શિવ મંદિરે જતા હોય છે. દરેક શિવમંદિરની સામે તમને એક કાચબો જોવા મળે છે. પરંતુ, રાજકોટમાં એક અનોખુ શિવ મંદિર આવેલું છે. જ્યાં કાચબો પ્રતિમા સ્વરુપે નથી પરંતુ એક સાથે અનેક જીવતા કાચબા હાજર છે. આ મંદિર વર્ષો જૂનું છે. જે રાજકોટનું સૌથી પ્રાચીન મંદિર હોવાનું પણ માનવામાં આવે છે. સોમનાથ મહાદેવ મંદિરે સવારે અને સાંજે જ્યારે આરતી થાય છે ત્યારે કાચબાઓ મહાદેવની પૂજામાં અને સેવામાં હજાર રહે છે. તો આવો જાણીએ કાચબા મંદિરનું મહાત્મય.
ભગવાન શંકરના મંદિરમાં પ્રવેશ કરો એટલે તરત જ પોઠિયો અને કાચબાના પ્રતીક જોવા મળે છે. જો કે એ કાચબો પ્રતીક અને મૂર્ત સ્વરૂપે હોય છે. કહેવાય છે કે જ્યાં જ્યાં મહાદેવ ત્યાં ત્યાં પોઠિયો અને કાચબો, પરંતુ શું તમે કોઇ મહાદેવના મંદિરમાં જીવિત કાચબા પ્રતીક સ્વરૂપે મહાલતા જોયા છે ?
જો કે આવું ર્દશ્ય તમને આખા સૌરાષ્ટ્ર, રાજકોટમાં આજી નદીના કાઠે આવેલા બેડીનાકા પાસે ખડપીઠ રોડ પર આવેલા વર્ષો જૂના સોમનાથ મહાદેવના મંદિરમાં જોવા મળે છે.
રજવાડા ‘ઢાલ’માંથી દેશી દવા બનાવતા, આ મંદિરની માનતા રાખતા
એક જમાનામાં વૈધ્ય કાચબાની ઢાલને ચોખા ઘી અને પાણીમાં 100 વાર ધોયા પછી તેને બાળતા અને તેની રાખને ચાળી તેમાં ઘી નાખી દેશી મલમ બનાવતા જે સૂકા અને લીલા ખરજવા માટે અકસીર દવા હતી. વર્ષો પહેલા આધુનિક દવાઓથી શોધ ન હતી ત્યારે લોકો અહીં શ્રધ્ધાથી માથુ ટેકવતા અને કાચબાની બાધા- આખડી રાખતા તેમ મંદિરના પૂજારીએ જણાવ્યું હતું.
મંદિરના પૂજારી કમલેશગીરી ગોસ્વામી
અબતક સાથે વાતચીત દરમ્યાન મંદિરના પૂજારી કમલેશગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે તેઓ સાત પેઢીથી મંદિરની પૂજા કરતાં આવે છે. 400 વર્ષો જૂના આ સોમનાથ મહાદેવ મંદિરમાં રાજાશાહી વખતથી કાચબાઓ છે. મંદિરમાં સ્થાપના થઇ ત્યારથી અહીં કાચબા છે. આ મંદિરનો જીર્ણોધાર ક્યારેય નથી થયો. કહેવાય છે કે મંદિરમાં જ્યારે પણ પૂર આવતું ત્યારે રાજાશાહી લોકો આવીને મંદિરએ ચૂંદળી ચડાવાથી પૂર ઉતરી જતું.આ કાચબાઓ ઓછામાં ઓછા 200 વર્ષ જૂના છે. એક વખત કર્ફ્યૂમાં ગોળી લાગવાથી પણ આ કાચબાને કઈ થયું નહોતું. સવારે અને સાંજે જ્યારે સોમનાથ મહાદેવની આરતી થાય છે ત્યારે કાચબા આરતીમાં મગ્ન થઈ જાય છે.