- રાજકોટમાં વધુ એક તબીબી છાત્રનો આપઘાત
- પોલીસે સ્યુસાઈડ નોટ બરામત કરી મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડ્યો
રાજકોટમાં બે દિવસમાં બે તબીબી છાત્રોએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. નિવૃત્ત મામલતદારની પુત્રી બાદ ગઇ કાલે સાંજે ત્રંબામાં આવેલી ખાનગી હોસ્ટેલમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. પેપર નબળા જવાના કારણે વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું હોવાનુ જાણવા મળ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સાબરકાંઠાના વડાલી ગામે રહેતા અને રાજકોટમાં હોસ્ટેલમાં રહી આર્યુવેદનો અભ્યાસ કરતા વિનોદ રમેશભાઈ પટેલ નામના ૨૧ વર્ષના યુવાને હોસ્ટેલમાં રૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.
આ અંગે જાણ થતાં આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગયો હતો. જ્યાં જરૂરી કાગળિયા કરી મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે. પોલીસે રૂમમાંથી સ્યુસાઈડ નોટ બરામત કરી તેમના પરિવારજનોને જાણ કરી હતી.
મૃતક વિનોદ પટેલના પિતા રમેશભાઈ ખેતીકામ કરે છે. વિદ્યાર્થીને ગત તા.૨૭મી એપ્રિલના રોજ પરીક્ષા પૂરી થઈ હતી. પરંતુ તેમાં પેપર નબળા જતા તેને આપઘાત કરી લીધાનુ સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. એકના એક પુત્રના આપઘાતથી પરિવારમાં આક્રંદ છવાયો છે. તો બીજી તરફ બે દિવસમાં બે તબીબી છાત્રોએ આપઘાત કરતાં ચકચાર મચી જવા પામ્યો છે.