પ્રખ્યાત ગોલાવાળાઓના સ્પેશ્યલ ગોલાની વધુ માંગ
ઉનાળાની ગરમ સિઝનમાં લોકો ગરમીથી રાહત મેળવવા અલગ અલગ નુસખાઓનો ઉઓયોગ કરતા હોય છે ત્યારે રાત્રિના સમયે ગોલા ખાવાનું રાજકોટ વાસીઓ હાલ વધુ પસંદ કરી રહ્યા છે ત્યારે અબતક આપને જણાવશે કે રાજકોટના જાણીતા ગોલાવાળાઓ આ બાબતે શું કહે છે?
ગરમીને લીધે શરીરને ઠંડુ રાખવા અને સાથોસાથ ટેસ્ટી સ્વાદ માણવા રાત્રિના સમયે લોકો ગોલા ખાવાનું પસંદ કરી રહ્યા છે ત્યારે રાજકોટના જાણીતા ગોલાવાળાઓની રૂબરૂ મુલાકાત લેતા તેમને જણાવ્યું કે હાલ ગ્રાહકોની સંખ્યામાં ખૂબ ઉછાળો આવ્યો છે.જેને ધ્યાને લઈ રાજકોટના જાણીતા ગોલાવાળા સજ્જ થઈ ચૂક્યા છે અને ગોલની વિવિધ વેરાઈટીઓનો લોકોને આપી રહ્યા છે.
પ્રખ્યાત ગોલાવાળાઓની સ્પેશિયલ વસ્તુઓ માટેની લોકો માંગ કરી રહ્યા છે અને દૂર દૂરથી આ જાણીતા ગોલાવાળાઓની વાનગીઓ ટેસ્ટ કરવા આવી રહ્યા છે.ફ્રુટ,ડ્રાયફ્રુટ,ચોકો ચિપ્સ જેવી અલગ અલગ વાનગીઓ લોકોને ખૂબ પસંદ આવી રહી છે.
અમે 99 રૂપિયામાં અનલિમિટેડ ગોલા આપીએ છીએ: અજયભાઈ અગ્રાવત
રાજગોલાના માલિક અજયભાઈ અગ્રાવત અબતકને જણાવે છે કે,અમે 99 રૂપિયામાં અનલિમિટેડ ગોલા આપીએ છીએ.અલગ અલગ 11 ફ્લેવરમાં ગોલાની વેરાઈટી મળે છે.જેમાંથી કોઈપણ એક ફ્લેવર તમને અનલિમિટેડ મળે છે. 99 રૂપિયાથી શરૂ થઈ 149,199 અને 249 સુધીની વેરાઈટી છે.અમારી સ્પેશિયાલિટીની વાત કરીએ તો સ્પેશ્યલ રાજગોલા અને ભીમગોલા છે. અમારે ત્યાં એક વ્યક્તિએ 16 ગોલા ખાવાનો રેકોર્ડ છે.અમે અમારી બધી જ વસ્તુ મિનરલ વોટરમાંથી બનાવીએ છીએ જેથી કોઈપણ ગ્રાહકને નુકસાન થતું નથી.
રાજકોટમાં સૌપ્રથમ ફ્રુટ ગોલા અમે લાવ્યા : મેહુલભાઈ પટેલ
સોમેશ્વર ગોલાના મેહુલભાઈ પટેલ અબતકને જણાવે છે કે, તમે છેલ્લા સાત વર્ષથી રાજકોટવાસીઓને કંઈક નવું વાપીએ છીએ. રાજકોટમાં સૌપ્રથમ ફ્રુટ ગોલા અમે લાવ્યા હતા. રાવણાજાંબુ,ચણિયાબોર,સેતુર,પાઈનેપલ વગેરે જેવી અવનવી વેરાયટી અમે આપીએ છીએ જે લોકોને ખૂબ પસંદ આવે છે.અમે અમારી કોઈપણ પ્રોડક્ટમાં સેકરીન વાપરતા નથી.રાવણા,ફાલસા સેતુર વગેરે અમારી વેરાઈટીઓ હાલ ખૂબ ડિમાન્ડમાં છે.બાળકોની વાત કરીએ તો સ્ટ્રોબેરી અને કીવી જેવા ફ્લેવર તેમને ખૂબ પસંદ આવી રહ્યા છે.
અમે 37 વર્ષથી લોકોની વચ્ચે પ્રખ્યાત છીએ:યુનુસભાઈ
આઝાદ હિન્દ ગોલાના માલિક યુનુસભાઈ અબતકને જણાવે છે કે, ઉનાળાની સીઝન હોવાથી હાલ ગ્રાહકોની સંખ્યામાં ખૂબ મોટો ઉછાળો આવ્યો છે ગોળા ની વાત કરીએ તો કેડબરી ગોલા અને આઝાદ હિન્દના સ્પેશિયલ ગોલા નું વેચાણ વધુ થઈ રહ્યું છે.આ વખતે અમે કપલ ગોલો અને ફેમેલી ગોલો લાવ્યા છે જેની પણ ડિમાન્ડ ખૂબ છે. મારી ખાસિયત છે કે અમે હંમેશા એક સરખો સ્વાદ અને ગુણવત્તા આપીએ છીએ. તથા અમારા ગોળા હંમેશા અમે મિનરલ વોટર માંથી જ બનાવીએ છીએ જ્યારે અમે 37 વર્ષથી લોકોની વચ્ચે પ્રખ્યાત છીએ.
અમારો લીમકા બુક ઓફ રેકોર્ડ્સમાં સૌથી ઝડપી ગોલા બનાવવાનો વિક્રમ સ્થાપિત છે: કિરીટભાઈ માનસેતા
અબતક સાથેની વાતચીતમાં જય ભવાની ગોલાના માલિક કિરીટભાઈ માનસેતા જણાવે છે કે, અમે 1990 થી આ ક્ષેત્રે કાર્યરત છીએ અને દર વર્ષે અવનવી વેરાઈટીઓ ગોલામાં લાવીએ છીએ.છેલ્લા 33 વર્ષથી અમે કંઈક ને કંઈક નવું રાજકોટવાસીઓને આપીએ છીએ આ વખતે અમે ચાર નવી ફ્લેવર કુલ બ્રાઉની,ફાલસા,ક્રેમબેરી,બ્લુબેરી લાવ્યા છીએ. અમારો લીમકા બુક ઓફ રેકોર્ડ્સમાં સૌથી ઝડપી ગોલા બનાવવાનો વિક્રમ સ્થાપિત છે તથા અત્યારે લોકોમાં ફરેરો રોશર, ચોકો સન્ડે ગોલો વગેરે ખૂબ પ્રખ્યાત છે.
એવું લાગે છે કે સળી ગોલાનો યુગ ફરીથી આવ્યો છે:સમીરભાઈ સોઢા
રામ ઔર શ્યામ ગોલાના માલિક સમીરભાઈ સોઢા અબતકને જણાવે છે કે,ગરમીની સીઝન ચાલુ છે જેથી લોકો અત્યારે ગોલા ખાવાનું વધુ પસંદ કરી રહ્યા છે.ગ્રાહકોમાં હાલ કેડબરી અને સળી ગોલા વધારે પ્રખ્યાત છે.હાલ એવું લાગી રહ્યું છે કે સળી ગોલા ખાવાનો યુગ ફરીથી આવી ચૂક્યો છે.ગોલાની અનેક વેરાઈટીઓ અમારે ત્યાં ઉપલબ્ધ છે અને અલગ અલગ ફ્લેવર માટેની અમે મોનોપોલી જાળવી રાખી છે જેથી અમારા ગોલા સમગ્ર રાજકોટમાં પ્રખ્યાત છે.