ગુજરાત ટાઈટન્સની ટીમ ચેમ્પીયન બનતા ક્રિકેટરસીકોનો ઉત્સાહ બેવડાયો: આતશબાજી, રાસગરબાની રમઝટ
આઈપીએલની ફાઈનલ મેચમાં પ્રથમવાર ગુજરાતની ટીમનો પ્રવેશ થયો હોય કોર્પોરેશન દ્વારા રાજકોટવાસીઓ માટે કિશાનપરા ચોકમાં ફાઈનલ મેચનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. તમામ તહેવારો મન મુકીને ઉજવવા માટે જાણીતી રાજકોટની જનતાએ આઈપીએલનો મેચ પણ મન ભરીને માણ્યો હતો. ટૂંકમાં મોજે દરિયા ર્ક્યા હતા. ગુજરાતની ટીમ ચેમ્પીયન બનતા ભવ્ય આતશબાજી કરાઈ હતી અને રાસગરબાની રમઝટ સાથે વાતાવરણ ક્રિકેટમય બની ગયું હતું.
અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ગુજરાત ટાઈટન્સ ટીમ રમતી હોવાથી મહાપાલિકા દ્વારા શહેરીજનો મેચ માણી શકે તે માટે કિશાનપરા ચોક ખાતે 16 બાય 26 ફૂટની જાયન્ટ સ્ક્રીન પર મેચના પ્રસારણનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે મેયર ડો.પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના પૂર્વ અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરી, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ.કમિશ્નર અમિત અરોરા, શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા તેમજ જુદીજુદી કમીટીના ચેરમેન, કોર્પોરેટર, શહેરના નગરજનો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને મન ભરીને મેચ માણેલ હતો.
ગુજરાત જાયન્ટનો વિજય થતા મેયરશ્રીએ સૌને શુભેચ્છા સાથે જણાવેલ કે, રાજ્યના વિકાસમાં પણ દેશમાં અગ્રેસર રહેલ છે અને એક મોડેલ તરીકે તે જ રીતે સ્પોર્ટસમાં પણ આજે ગુજરાત જાયન્ટએ વિજય અપાવી અગ્રેસર તરીકે પ્રસ્થાપિત કરેલ છે.આ મેચમાં બેસવા માટે સોફા, ખુરશી તેમજ ડી.જે. વગેરેની વ્યવસ્થા કરવામાં આવેલ. ગુજરાત જાયન્ટનો વિજય થતા લોકોના ઉત્સાહ ખાતે રોમાંચક વાતાવરણ ઉભું થયેલ અને રાસ ગરબાથી લોકો જુમી ઉઠેલ તેમજ ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા.