જપ-તપ, પૂજા-પાઠ સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન
આજે મહાશિવરાત્રીનો પર્વ દેશભરમાં ધામેધૂમેથી ઉજવાઈ રહ્યો છે ત્યારે રાજકોટના પંચનાથ મહાદેવ મંદિરે પણ એક પ્રકારે ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે.સવારથી જ દર્શન માટે લોકો લાઈનોમાં ઊભા રહી મહાદેવની એક ઝલક જોવા માટે તરસી રહ્યા છે.આજે આખો દિવસ અને રાત મહાદેવના નામના જપ-તપ,પૂજા-પાઠ અને આરતી થવાની છે સાથોસાથ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આશરે 150 વર્ષ જૂના પંચનાથ મહાદેવ મંદિર ના આશીર્વાદથી લગભગ એકપણ રાજકોટવાસી વંચિત નહિ હોય પરંતુ આજે સવારથી જ મહાશિવરાત્રીના પર્વ પર ભક્તોનો જનસૈલાબ પંચનાથ મંદિરે ઉમટી રહ્યો છે સવારથી જ હજારો લોકો ભગવાન ભોળાનાથની એક ઝલક માટે અને તેમના દર્શન કરવા માટે તલપાપડ થઈ રહ્યા છે. બાળકોથી લઈ વૃદ્ધો બધા જ લોકો મહાદેવમગ્ન થવા અને તેમના દર્શન કરવા પંચનાથ મંદિરે આવી રહ્યા છે આખો દિવસ અને રાત્રીના સમયે મંદિરમાં મહાદેવના જપ-તપ,પૂજાપાઠ અને આરતી થવાની છે.સાથો-સાથ ભક્તોને પ્રસાદી સ્વરૂપે ભાંગ આપવાની પણ મંદિર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
સેવાની ભાવના સાથે મંદિર ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારથી જ લોકો થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે રક્તદાન કરી રહ્યા હતા અને વધારેમાં વધારે રક્તદાન કરવા માટે જાગૃતતા લાવી રહ્યા હતા.
અમારી પરેશાની જોઈ સવારથી જ લોકો રક્તદાન કરી રહ્યા છે :
અબતક સાથેના સંવાદમાં થેલેસેમિયા ગ્રસ્ત દર્દી હેપીન પરમાર કહે છે કે, હું થેલેસેમિયા મેજર પેશન્ટ શું તથા મારે લગભગ દર 15 દિવસે રક્તની જરૂરિયાત પડતી હોય છે જેથી અમારા જેવા થેલેસીમિયા ગ્રસ્ત દર્દીઓની પરેશાનીને જોઈ અમારા દર્દ ને જોઈ કરવામાં આવેલા આ રક્તદાન કેમ્પ બદલ હું પંચનાથ મંદિર ટ્રસ્ટ તેમજ સહયોગી ટ્રસ્ટ અને બધા રક્તદાન કરવા આવેલા લોકોનો આભાર માનું છું. સવારથી જ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે તથા રક્તદાન શિબિરમાં પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે જેથી મોટા પ્રમાણમાં રક્ત એકત્ર થાય એવી સંભાવના છે તથા મારી એક અપીલ છે કે આપ જરૂરથી રક્તદાન કરો જેથી મારા જેવા થેલેસીમિયા ગ્રસ્ત બાળકોને તથા જરૂરિયાત મંદોને રક્ત સરળતાથી મળી રહે.
દર્શન કરવાથી મનને શાંતિ મળી તેમજ ખૂબ આનંદ મળ્યો : શ્રદ્ધાળુ
અબતક સાથે થયેલી ખાસ વાતચીતમાં પંચનાથ મંદિરે પરિવાર સાથે દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુએ જણાવ્યું હતું કે, આજે મહાશિવરાત્રીના પાવન દિવસે હું મારા પરિવાર સાથે અહીં મહાદેવના વર્ષો જૂના મંદિર પંચનાથે દર્શન કરવા આવ્યો છું તથા દર્શન કરવાથી એક આનંદની લાગણી અનુભવી રહ્યો છું.સવારથી જ અહીં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું હતું અને હાલ પણ વધુને વધુ લોકો આવી રહ્યા છે હું અને મારો પરિવાર આજે ઉપવાસ રહી મહાદેવની આરાધના કરવાના છીએ તથા મહાદેવની પૂજા અર્ચના કરીશુ. મહાદેવ મારા અને મારા સમગ્ર પરિવાર પર તેમનો હેત વરસાવે અને આશીર્વાદ દે તેવી પ્રાર્થના કરુ છું.
સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટયું છે : મંદીર સેવક
અબતક સાથેની વાતચીતમાં પંચનાથ મહાદેવ મંદિરના સેવક કહે છે કે, આજે મહાશિવરાત્રીના પર્વ પર સવારથી જ હજારો લોકો દર્શનાર્થે અહીં આશરે 150 વર્ષ જૂના પંચનાથ મંદિર ખાતે આવી રહ્યા છે તથા હજુ પણ વધારે અને વધારે લોકો અહીં દર્શનાર્થે આવે તેવી શક્યતા છે આજે ખાસ હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે દરેક પ્રહારમાં ખાસ પૂજા કરવામાં આવશે અને આખી રાત મહાદેવના મંત્રોજાપ અને આરાધના તેમજ પૂજા કરવામાં આવશે તેથી રાજકોટની ધર્મ પ્રેમી જનતાને મારી અપીલ છે કે આપ પંચનાથ મંદિરે અવશ્ય પધારો તથા મહાદેવની આરાધના કરી આશીર્વાદ પ્રાપ્ત કરો.