સામાજીક સંસ્થાઓ દ્વારા તેમજ વ્યક્તિગત પણે પણ ભીડ થાય તેવા કાર્યક્રમો તા.૩૧ માર્ચ સુધી ન યોજવા આહવાન
મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી તથા શાસક પક્ષ દંડક અજયભાઈ પરમારની એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, આજે વિશ્વ આખું કોરોના વાઇરસથી ચિંતિત છે. કોરોના વાઇરસ ખુબ જ ચેપી છે તેમજ હજુ તેની દવા શોધવાનું કાર્ય વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. કોરોના વાઇરસ માટે સાવચેત રહેવું ખુબ જ જરૂરી છે આપણી કહેવત છે પહેલું સુખ તે જાતે નર્યા અને આપણે સ્વસ્થ તો જગત સ્વસ્થ તે ધ્યાનમાં રાખી આપણે સ્વસ્થ રહીએ અને બીજા લોકો પણ સ્વસ્થ રહે તેની ગંભીરતાપૂર્વક કાળજી લઈએ ખાસ કરીને ૬૦ વર્ષથી ઉપરના સિનિયર સીટીઝનો બને ત્યાં સુધી ઘરની બહાર નહિ નીકળવા અને કુટુંબીજનોએ પણ તેમની ખાસ કાળજી લેવા તેમજ નાના બાળકોને પણ ગાર્ડનમાં કે અન્ય જગ્યાએ બહાર નહિ લઇ જવાં અપીલ કરવામાં આવે છે.
ગઈકાલે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તા.૨૨ માર્ચ રવિવારના રોજ આખો દિવસ જનતા કર્ફ્યુ રાખવા અપીલ કરેલ છે. તેનું પાલન રાજકોટના શહેરીજનો પણ અમલ કરે તે માટે પદાધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવેલ છે.
વિશેષમાં શહેરના નગરજનો જનતા કર્ફ્યુનો અમલ કરે તે માટે સામાજીક, ધાર્મિક સંસ્થાઓ પણ પોતાનું યોગદાન આપવા જણાવેલ. આ ઉપરાંત સામાજીક, ધાર્મિક સંસ્થાઓ અને વ્યક્તિગત પણે પણ આગામી તા.૩૧ માર્ચ સુધી ભીડ થાય તેવા કાર્યક્રમો, પ્રસંગો યોજવા નહિ. તથા કોરોના સામે ફરજ બજાવતા કર્મચારીઓનો જુસ્સો જળવાઈ રહે તે માટે જનતા કર્ફ્યુના દિવસે સાંજના ૦૫:૦૦ વાગ્યાથી ૦૫ મિનીટ માટે ઘંટરાવ કરવા અથવા તો અન્યરીતે તેમને પ્રોત્સાહિત કરી સન્માન આપવા પણ અપીલ કરેલ છે.