અષાઢી બીજે છુટયા ૧૫૩૧ વાહનો વાહનવેરા પેટે કોર્પોરેશનને ૩૨.૯૧ લાખની આવક
રંગીલા રાજકોટવાસીઓ મંદી અને મોંઘવારીને મ્હાત આપી રહ્યા હોય તેમ અષાઢી બીજનાં શુકનવંતા દિવસે શહેરમાં એક જ દિવસમાં અધધ કહી શકાય તેટલા ૧૫૩૧ વાહનોનું વેચાણ થયું હતું. વાહનવેરા પેટે મહાપાલિકાને એક દિવસમાં ૩૨.૯૧ લાખની આવક થવા પામી છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ અષાઢી બીજે શહેરમાં પેટ્રોલથી ચાલતાં ૧૩૨૬ ટુ-વ્હીલર, સીએનજી સંચાલિત ૪૩ થ્રી-વ્હીલર, સીએનજી સંચાલિત એક ફોર વ્હીલ, ડિઝલ સંચાલિત ૩૨ ફોર વ્હીલ, પેટ્રોલ સંચાલિત ૧૧૧ ફોર વ્હીલ, ડીઝલ સંચાલિત ૧૫ અન્ય ફોર વ્હીલ્સ અને ડીઝલ સંચાલિત ૩ સિકસ વ્હીલરનું વેચાણ થવા પામ્યું છે. કુલ ૧૫૩૧ વાહનોનું વેચાણ થતાં મહાપાલિકાને વાહનવેરા પેટે ૩૨,૯૧,૬૭૩ રૂપિયાની આવક થવા પામી છે. ચાલુ નાણાકીય વર્ષમાં ૯ જુલાઈ સુધીમાં શહેરમાં ૧૩,૭૧૨ વાહનો વેચાયા છે. વાહનવેરા પેટે મહાપાલિકાને રૂા.૩.૯૬ કરોડ રૂપિયાની આવક થવા પામી છે.