રાજકોટ જિલ્લા પંચાયતનું નવું ગ્રીન બિલ્ડીંગ કેવું દેખાશે તેનું પ્રેઝન્ટેશન જાહેર થઈ ગયું છે. વધુમાં નવા બિલ્ડીંગ માટે ડિટીપી તૈયાર થઈ ગયું છે હવે બેથી ત્રણ દિવસમાં ઓનલાઈન ટેન્ડર થશે તેવું જાણવા મળી રહ્યું છે.
36.50 કરોડના ખર્ચે તૈયાર થનાર નવા બિલ્ડીંગ માટે ડીટીપી તૈયાર: બેથી ત્રણ દિવસમાં ઓનલાઈન ટેન્ડર
હાલનું જિલ્લા પંચાયત ભવનનું બિલ્ડીંગ 19000 સ્ક્વેર મીટર જેટલી વિશાળ જગ્યામાં ફેલાયેલુ અને રાજકોટ શહેરના હાર્દમાં યાજ્ઞિક રોડ ઉપર અને રેસકોર્સ ચોકમાં વિશાળ શોરૂમો ધરાવતા અતીશય કીંમતી વિસ્તારમાં આવેલું હોય ત્યારે આ નવા પંચાયત ભવનના બિલ્ડીંગનું નિર્માણ થવાથી આગળના ભાગની રોડ પરની જગ્યા ખુલી થવાથી અતિ કિંમતી અને મોકાની આ જગ્યા પર કોમર્શિયલ બાંધકામો દ્વારા ભાડાની તથા જાહેર ખબરના હોર્ડીંગ્સો દ્વારા આવકના નવા સ્ત્રોત ઉભા કરી કાયમી ધોરણે જીલ્લા પંચાયત સ્વભંડોળની આવક વધારવામાં સરકારમાં કરેલી દરખાસ્તને રાજ્ય સરકારે મંજૂરી આપી હતી અને આ માટે 36.50 કરોડ મંજૂર કર્યા છે.
દિવાળીના બે દિવસ પહેલા પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણના ઉપસચિવ પિયુષ રાજવંશીએ રાજકોટ જિલ્લા પંચાયતના નવા ગ્રીન બિલ્ડીંગની મંજૂરીનો લેટર મોકલ્યો હતો. આ નવું બિલ્ડીંગ 13 હજાર સ્કે. મીટરમાં 36.5 કરોડના ખર્ચે બનવાનું છે. જેમાં મેઈન બિલ્ડિંગ ઉપરાંત પીવાના પાણી, ગટર, ઇન્ટીરિયર ડિઝાઇનિંગ, ફર્નિચર, ફાયર સેફ્ટીના સાધનો, ઇન્ટર્નલ રોડ, કમ્પાઉન્ડ વોલ પાર્કિંગ શેડ, ઇલેક્ટ્રીકેશન, આધુનિક કક્ષાની લિફ્ટ જેવા કામો થઈ શકશે.
અત્યારનું બિલ્ડીંગ 50 વર્ષ જૂનું છે. જેની હાલત જર્જરિત છે. અગાઉ આ પ્રોજેક્ટ માટે સોઈલ ટેસ્ટિંગનું કામ પૂર્ણ થઈ ગયું હતું. બીજી તરફ 25 ટકાનો પ્રથમ હપ્તો સરકારે રિલીઝ પણ કરી દીધો છે.